Dakshin Gujarat

‘પાણીનું ટેન્કર પહોંચાડો તો જ અમે ઘરે જઈશું’ મહિલાઓ જીદે ચઢતા પાલિકાના કર્મચારીઓએ ગાળો દીધી

સુરત: આમોદ (Amod) પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા ચાલતી હતી. ત્યારે સામાન્ય સભામાં મારુવાસ તેમજ હિમ્મતપુરા વિસ્તારની બહેનો પાણી (water) નો પોકાર કરતી કરતી સામાન્ય સભામા ધસી આવી હતી અને સામાન્ય સભામાં બેઠેલા સદસ્યો તેમજ પદાધિકારીઓ સામે પાણીની ઉગ્ર માંગ (demand) કરી હતી. તેમજ અડધો કલાક સુધી સભાખંડની બહાર ઊભી રહી હલ્લો મચાવ્યો હતો. મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારા વિસ્તારમાં પાણીનું ટેન્કર (Water tanker) નહીં પહોંચે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. જે બાબતે ઉપપ્રમુખ ઉષા પટેલ તેમજ મહિલાઓ સામસામે આવી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ નગરમાં છેલ્લા ત્રણ દિવસથી ઘર વપરાશી પાણી ના મળતું હોવાથી મહિલાઓ રણચંડી બની પાણીનો પોંકાર કરતી પાલિકાની સામાન્ય સભામાં ધસી આવી હતી. જ્યારે પાણીનું ટેન્કર મહિલાઓના વિસ્તારમાં પહોંચ્યું ત્યારે મહિલાઓ પરત ગઈ હતી.

સામાન્ય સભામાં મહિલા ઉપપ્રમુખે મહિલાઓ માટે બીભત્સ શબ્દનો ઉપયોગ કરતાં પાલિકામાં સન્નાટો છવાયો
આમોદ નગરમાં છેલ્લા ત્રણ દિવસથી ઘર વપરાશનું પાણી ન મળતું હોવાથી હિમ્મતપુરા વિસ્તારની બહેનો પાણીની રજૂઆત કરવા માટે પાલિકાની સામાન્ય સભામાં ધસી ગઈ હતી. બહેનોએ માંગણી હતી કે, અમારા વિસ્તારમાં પાણીનું ટેન્કર પહોંચાડો પછી જ અમે ઘરે જઈશું. જે બાબતે મહિલા ઉપપ્રમુખ ઉષા પટેલનો પીત્તો જતાં તેમણે સામાન્ય સભામાં જ મહિલાઓ માટે બીભત્સ શબ્દનો ઉપયોગ કરતાં પાલિકાની સામાન્ય સભામાં હાજર સભ્યોમાં સોપો પડી ગયો હતો અને સભ્યોએ આવા શબ્દો ન વાપરવા જણાવ્યું હતું.

નવસારીમાં પીવાનું પાણી નહીં આવતા ડબ્બા અને તગારા ખખડાવી રહીશોનો પાલિકામાં હલ્લો
નવસારી : નવસારીના હિદાયત નગરમાં પીવાનું પાણી નહીં આવતા હિદાયત નગરના રહીશો પાલિકાની કામગીરી સામે રોષે ભરાયા હતા. જેથી રહીશોએ નગરપાલિકાએ જઈ ડોલ, ડબ્બા અને તગારા વગાડી વિરોધ નોંધાવી પાણી આપવાની માંગ કરી હતી.

નવસારીના હિદાયત નગરમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. જોકે થોડા સમય પહેલા દુધિયા તળાવમાં પાણી નહીં હોવાથી શહેરીજનોને એક સમય પાણી આપવામાં આવતું હતું. ત્યારે ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાઈ હતી. જોકે હાલ દુધિયા તળાવમાં પાણી આવવાનું શરૂ થયું છે. જેથી પાલિકા દ્વારા પાણી રાબેતા મુજબ આપવામાં આવે છે. પરંતુ હિદાયત નગરના રહીશો છેલ્લા ૪ મહિનાથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. જેથી રહીશોએ પાણી આપવા માટે નવસારી-વિજલપોર નગરપાલિકામાં ઘણી રજુઆતો કરી હતી. પરંતુ પાલિકા દ્વારા હજી સુધી હિદાયત નગરમાં પાણી આપવામાં નહીં આવતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.

આજે સોમવારે હિદાયત નગરના રહીશો નગરપાલિકાએ મોરચો લઈ પહોચ્યા હતા. જ્યાં તેઓએ ડોલ, ડબ્બા અને તગારા વગાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ હિદાયત નગરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટેની માંગણી કરી છે.

Most Popular

To Top