Comments

પાણી: જરૂરિયાત નહીં, વૈભવ ‘બોટલ કે રેગ્યુલર?’

ભોજન માટે બહાર ગયા હોઈએ ત્યારે પાણીની માગણી કરતાં જ આવો સવાલ પૂછાય છે, જેનો જવાબ મોટે ભાગે ‘બોટલ’ હોય છે. એટલે કે પાણી પણ ખરીદેલું, શુદ્ધ હોય એવું પીવાનું. આવા વલણ પાછળ મોટા ભાગનાં લોકોને મન પાણીની શુદ્ધિનું નહીં, પણ પોતાની ખરીદશક્તિનું મહત્ત્વ વધુ હોય છે. હકીકતમાં પીવાના શુદ્ધ પાણીનો અધિકાર પ્રત્યેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ પાણીનું હવે વ્યાપારીકરણ થઈ ગયું હોવાથી તે હવે ‘ખરીદવાની’ ચીજ બની ગઈ છે. પ્લાસ્ટિકની શીશીઓમાં વેચાતું પાણી પીવાઈ ગયા પછી રહી જાય છે કેવળ પ્લાસ્ટિક, જે અઢળક પ્રદૂષણ કરે છે. આ પાણી પણ અલગ અલગ કદની શીશીઓ કે પ્લાસ્ટિકના પાઉચમાં મળે છે. હવે મુસાફરીમાં પાણી ભરેલી શીશી રાખવામાં મોટા ભાગનાં લોકોને શરમ અનુભવાય છે અને તેઓ ‘જરૂર પડ્યે ખરીદી લઈશું’ની ભાવના ધરાવતાં થઈ ગયાં છે.

આજકાલ બજારમાં પીવાનાં પાણીની અનેક મોંઘી અને મોટી તેમજ સ્થાનિક બ્રાન્‍ડ ઉપલબ્ધ બની રહી છે. કહેવાય છે કે તેઓ વાસ્તવમાં પાણી નહીં, પ્લાસ્ટિક જ વેચે છે,  કેમ કે, એક વાર ખરીદાયા પછી અંદર રહેલું પાણી થોડા સમયમાં જ વપરાઈ જાય છે અને રહી જાય છે ફક્ત પ્લાસ્ટિક. સુરક્ષિત પીવાનું પાણી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત માનવાધિકાર હોવા છતાં દેશભરમાં શહેરી વિસ્તારનાં ઘરો પૈકી કેવળ છ ટકા સુધી જ તે સુલભ થઈ શક્યું છે. બાકીનાં કરોડો લોકો તેના માટે અન્ય સ્રોત પર આધારિત છે.  

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા ‘કોમ્પોઝિટ વોટર મેનેજમેન્‍ટ ઈન્‍ડેક્સ (સી.ડબલ્યુ.એમ.આઈ.‌) અહેવાલ’, 2018 અનુસાર આપણા દેશમાં સુરક્ષિત પાણીની અધૂરપને કારણે દર વર્ષે બે લાખ લોકો જીવ ગુમાવે છે. આપણા દેશની જળકટોકટી કેવળ અછત પૂરતી મર્યાદિત નથી, બલકે પાણીની ઊતરતી કક્ષાની ગુણવત્તા પણ જાહેર સ્વાસ્થ્ય માટે એટલી જ જોખમકારક છે. આ બાબતનું ઉદાહરણ થોડા મહિના પહેલાં જ ઈન્‍દોરમાં જોવા મળ્યું કે જેમાં પીવાના મલિન પાણીને કારણે લોકોએ જાન ગુમાવવા પડ્યા.

દિલ્હી, બેંગલુરુ અને ચેન્નાઈ જેવાં મહાનગરોમાં પાણીની કટોકટી અતિ ગંભીર છે. પાણીનો અપૂરતો જથ્થો અને ઊતરતી ગુણવત્તા બન્ને સમસ્યાઓ તીવ્રપણે અહીં જોવા મળે છે. તો મુંબઈ, હૈદરાબાદ, જયપુર, પૂણે, કોલકાતા અને ઈન્‍દોર સહિત બીજાં અનેક શહેરો ભૂગર્ભજળના અતિશય વપરાશ અને વધતી જતી માગને કારણે થતા પુરવઠામાં ઘટાડાને કારણે પાણીની તંગી વેઠી રહ્યાં છે. આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે આ કેવળ વિકાસશીલ દેશોની સમસ્યા નથી, બલ્કે વૈશ્વિક સમસ્યા છે. પ્રતિ વર્ષ ચારસો કરોડથી વધુ લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યાં હોવાનો સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક અહેવાલ જણાવે છે, જેમાં જણાવાયું છે કે આમ ને આમ ચાલતું રહ્યું તો વર્ષ 2030 સુધીમાં પાણીની માગ ચાલીસ ટકા જેટલી વધી જશે.

એવું નથી કે કેવળ વસતીવધારો, શહેરીકરણ અને કૃષિ જેવાં પરિબળોને કારણે જ પાણીની માગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધુ છે. સતત વધી રહેલા ઉદ્યોગો અને ડીજીટલ માળખાનો થઈ રહેલો સતત વિકાસ પણ તેના માટે જવાબદાર છે. કૃષિક્ષેત્રમાં પાણીના લગભગ સિત્તેર ટકા જથ્થાનો ઉપયોગ થાય છે, તો ડેટા સેન્ટરો, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એ.આઈ.ના ઉપયોગમાં પણ ઝપાટાભેર વધારો થઈ રહ્યો છે. એક અંદાજ અનુસાર ડેટા સેન્‍ટરના વૈશ્વિક ઉદ્યોગો એકલા જ વરસેદહાડે 56,000 કરોડ લીટર પાણી વાપરી નાખે છે, જેમાંનું મોટા ભાગનું ઠંડક માટે વપરાય છે. ઈન્‍ટરનેશનલ એનર્જી એજન્‍સીના જણાવ્યા અનુસાર વર્ષ 2030 સુધી તે વધીને એક લાખ વીસ હજાર કરોડ લીટરે પહોંચશે.

એ પણ જાણી લેવા જેવું છે કે સો મેગાવોટનું એક હાઈપરસ્કેલ ડેટા સેન્ટર વરસેદહાડે અઢીસો કરોડ પાણી વાપરે છે. આશરે એંસી હજાર લોકોની રોજિંદી જરૂરિયાત માટે વરસે આટલો જથ્થો પર્યાપ્ત થઈ પડે. માઈક્રોસોફ્ટ અને ગુગલ જેવી કંપનીઓના ડેટા સેન્‍ટરમાં પાણીનો વપરાશ દિન-બ-દિન વધતો ચાલ્યો છે અને હજી વધતો રહેશે. એટલે કે આપણે સાચી ખોટી રીતે એ.આઈ. જેવી સેવાઓ થકી જે ગતકડાં કરીએ છીએ એ છેવટે કોઈકના ભાગનું છીનવેલું પાણી હશે એમ કહી શકાય.

બીજી તરફ લોકોમાં હવે શીશીમાં રહેલું પાણી પીવાનું ચલણ વધતું ચાલ્યું છે. જોવા જેવી વાત એ છે કે સડકના કિનારે આવેલા ગલ્લામાં દસ-વીસ રૂપિયામાં વેચાતું એ જ પાણી કોઈ હોટેલમાં વેચાવા જાય એટલે કશા વાજબી કારણ વિના મોંઘું બની જાય છે. સુરક્ષાના કે  શુદ્ધિના પોતાના ખ્યાલોથી કે પછી આર્થિક સ્થિતિના કાલ્પનિક ખ્યાલથી પ્રેરાઈને તેને ખરીદનારને ભાગ્યે જ સમજાય છે કે પીવાનું શુદ્ધ પાણી મેળવવું ખરેખર તો પોતાનો મૂળભૂત અધિકાર છે. ઉલટાનું હવે પૈસા ખરચતાં પીવાનું શુદ્ધ પાણી બધે જ આસાનીથી મળી રહે છે એ જોઈને તે હરખાય છે.

દુષ્કાળ, વરસાદની બદલાતી તરાહ, ગ્લોબલ વોર્મિંગ જેવાં પરિબળો પાણીની અછત માટે જવાબદાર ખરાં, પણ એ ન ભૂલવું જોઈએ કે કહેવાતા વિકાસ અને મૂડીવાદી પરિબળોને કારણે પાણીના ઉપયોગની પ્રાથમિકતા બદલાઈ ગઈ છે અને ઉદ્યોગ, ઊર્જા, ડીજીટલ ક્ષેત્ર જેવા ક્ષેત્રે તે પ્રચંડ માત્રામાં વપરાય છે, જે સરવાળે પીવાનાં પાણીની અછત તરફ દોરી જાય છે. આથી જળકટોકટી કેવળ જળવાયુની સમસ્યા નથી, પણ સામાજિક, આર્થિક અને રાજકીય સમસ્યા પણ છે. આટલું સમજાય, સ્વીકારાય તો પછી તેના ઉકેલની વાત આવે, જે શક્ય લાગતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top