Dakshin Gujarat

વરસાદને પગલે આહવા અને વઘઇ, સુબિર તથા સાપુતારા પંથકમાં પાણીની રેલમછેલ

સાપુતારા : ગતરોજ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલે ધબધબાટી બોલાવતા 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શુક્રવારે ડાંગ જિલ્લાના ગામડાઓમાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડતા આહવા અને વઘઇ, સુબિર તથા સાપુતારા પંથકમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી.

  • વઘઇમાં વરસાદ પડતા બજારનાં માર્ગો પર પાણી ભરાયા
  • સુબિરમાં 14, સાપુતારામાં 21, વઘઇમાં 25 અને આહવામાં 38 મીમી વરસાદ નોંધાયો

છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદનાં પગલે ડાંગની અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદી બન્ને કાંઠે થઈ ધસમસતી બની છે. ડાંગ જિલ્લાનો વઘઇનો ગીરાધોધ, ગિરમાળનો ગીરાધોધ, કોષમાળનો ધોધ સહિત નાના મોટા જળધોધ પાણીનાં પ્રવાહ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે ગતરોજ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાણી માટેનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ તથા નવાગામનું તળાવ છલોછલ ભરાઈને ઊભરાયુ હતુ.

શુક્રવારે વઘઇ નગરમાં એક ઈંચ જેટલો વરસાદ પડતા બજારનાં માર્ગો પર પાણી ભરાયા હતા. સાપુતારા ખાતે શુક્રવારે પણ વરસાદી માહોલમાં ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાહનચાલકોએ સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી. ઉપરાંત ગાઢ ધુમ્મસને પગલે જોવાલાયક સ્થળોના દ્રશ્યો આહલાદક બન્યા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 14 મીમી, સાપુતારા પંથકમાં 21 મીમી, વઘઇ પંથકમાં 25 મીમી અર્થાત 1 ઈંચ, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 38 મીમી અર્થાત 1.52 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top