સહારા દરવાજા ફાલસા વાડી પાસે વરાછાથી આવતી મેઈન પાણીની લાઇન જે વર્ષો જુની હોય તેમાં ભંગાણ પડતા ગઇકાલે શુક્રવારે મોડી રાત્રિથી સેન્ટ્રલ ઝોન દ્વરા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડી-વોટરીંગ કરીને ગઇકાલ રાત્રિથી ચાલતી કામગીરી આજે બપોર બાદ પુર્ણ થઇ હતી. દરમિયાન આજે સવારથી સેન્ટ્રલ ઝોનમાં હજારો ઘરોમાં પાણીનો સપ્લાય બંધ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સહારા દરવાજા ફાલસા વાડી પાસે વરાછાથી આવતી મેઈન પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું
અઠવા ઝોન વિસ્તારમાં આવતા પીપલોદ રોડની કેટલીક સોસાયટીમાં પણ પાણી પુરવઠો બંધ રહ્યો
વરાછાથી આવતી સેન્ટ્રલ વિસ્તારની મેઈન લાઇનમાં ભંગાણ પડ્યું હોય પાણીની લાઈનો ઇન્ટર કનેક્ટ હોવાને કારણે અન્ય વિસ્તારોમાં પણ આ સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. અઠવા ઝોન વિસ્તારમાં આવતા પીપલોદ રોડની કેટલીક સોસાયટીમાં પણ પાણી પુરવઠો બંધ રહ્યો હતો. કારગીલ ચોક નજીક આવેલી નંદી પાર્ક સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં પાણીની મોકાણ ઉભી થઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સેન્ટ્રલ ઝોનનાં વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટનાં આસિસ્ટન્ટ ઈજનેર બી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, ફાલસા વાડી પાસે વરાછાથી આવતી પાણીની મેઈન લાઇનમાં ભંગાણ પડયું હતું. વર્ષો જુની આ લાઈનમાં ભંગાણ પડતા ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યાથી રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી.
દરમિયાન આજે બપોર થતા આ કામગીરી પુર્ણ થઈ હતી. મુખ્ય લાઇન જે વરાછાથી સેન્ટ્રલ વિસ્તારમાં આવે છે. તેમાં ભંગાણ પડતા ફાલસા વાડી, સલાબતપુરા, મહીધરપુરા સહિત સેન્ટ્રલ વિસ્તારમાં પાણીનો પુરવઠો ખોરવાયો હતો. હજારો ઘરોમાં આજે સવારે પાણીનો સપ્લાય બંધ રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલ રાત્રિથી પાણીનું ડિ-વોટરીંગ તેમજ આજે વહેલી સવારથી રીધેરીંગની કામગીરી સેન્ટ્રલ ઝોનના વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટનો સ્ટાફ કામગીરીમાં જોતરાયો હતો.