Charchapatra

ડાકોર મંદિર બહાર ઢીંચણસમા પાણી ભરાયાં

ડાકોરછ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવારના રોજ સવારના સમયે મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી હતી. સતત દોઢ-બે કલાક સુધી વરસેલાં વરસાદે પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી હતી. નગરમાં ઠેર-ઠેર પાણી ભરાતાં નગરજનો તેમજ યાત્રાળુઓને ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે. પરિણામ સ્વરૂપ સામાન્ય વરસાદમાં પણ નગરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ રહ્યાં છે. વરસાદના પ્રથમ બે રાઉન્ડમાં પાણી ભરાવાની સમસ્યાથી નગરજનો તેમજ વૈષ્ણવો ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં.

જે બાદ પણ પાલિકાના ભ્રષ્ટ અને નઘરોળ તંત્રએ નગરમાં પ્રિમોન્સુનની કામગીરી કરવાની તસ્દી લીધી ન હતી. જેથી, બુધવારના રોજ સવારના સમયે યાત્રાધામ ડાકોરમાં વરસેલાં ધોધમાર વરસાદથી નગરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. સવારનો સમય હોવાથી બાળકોને શાળા-કોલેજ જવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી. મસમોટા ખાડા વાળાં રાજમાર્ગો પર ભરાયેલાં પાણીમાં થઈ બાળકો અવરજવર કરવા મજબુર બન્યાં હતાં. આ દરમિયાન કેટલાક બાળકો પાણીમાં પડ્યાં હોવાના કિસ્સા પણ સામે આવ્યાં હતાં. બીજી બાજુ વિશ્વ વિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિરની બહાર પણ ઢીંચણસમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેથી નગરજનો ઉપરાંત અધિક માસ નિમિત્તે મંદિરમાં દર્શનાર્થે આવેલાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આ ઉપરાંત નગરના વોર્ડ નંબરના 7 માં આવેલ ગોકુલનગર સોસાટીમાં તો મકાનોના પગથીયા સુધી પાણી પહોંચી ગયાં હતાં. જેને પગલે સ્થાનિકોને ઘરમાં જ કેદ થવાની ફરજ પડી હતી. પાણી ઘરમાં ઘુસી જશે તેવો ડર પણ સ્થાનિકોમાં સતાવવા લાગ્યો હતો. જોકે, વરસાદ બંધ થતાં સોસાયટીના રહીશોએ રાહત અનુભવી હતી. વરસાદ બંધ થયાંના કલાકો બાદ પણ નગરના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યાં ન હતાં. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આ વરસાદી પાણીના નિકાલ બાબતે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર અતુલસિંહાને ફોન કરતાં તેઓએ ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી.

Most Popular

To Top