SURAT

સુરતના આ વિસ્તારમાં 19મી તારીખે પાણી કાપ, મનપાએ કરી લોકોને પાણી ભરી રાખવા અપીલ

સુરત : મનપાના લિંબાયત ઝોનમાં પાણી પુરું પાડતા જળવિતરણ મથકમાં નવા વાલ્વ ઇનસ્ટોલ કરવાના હોવાથી 19મી તારીખે અમુક વિસ્તારમાં પાણી કાપ અને 20મી તારીખે ઓછા પ્રેશરથી પાણી મળવાની શકયતા હોવાથી મનપા દ્વારા સબંધિત વિસ્તારના લોકોને પાણીનો આગોતરો સંગ્રહ કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

  • ડુંભાલ જળ વિતરણ મથકની આઉટ ગોઇંગ એમ.એસ. લાઇન પર વાલ્વ ફીટ કરવાનો છે

મનપાની યાદીમાં જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાનાં સાઉથ ઇસ્ટ (લિંબાયત) ઝોન વિસ્તારમાં આવેલા ડુંભાલ જળ વિતરણ મથકની આઉટ ગોઇંગ એમ.એસ. લાઇન પરના ૧૨૦૦ મી.મી. વ્યાસના ૨ (બે) નવા વાલ્વ ઇન્સ્ટોલ કરવાની મહત્વની કામગીરી તા.૧૯/૦૯/૨૦૨૪ નાં રોજ સવારે ૯.૦૦ થી રાત્રે ૧૨:૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે. જેથી તા.૧૯/૦૯/૨૦૨૪ ના રોજ લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં. ૪૦ (લિંબાયત- ડિંડોલી) અને ટી.પી.41ના અમુક વિસ્તારોમાં પાણી વિતરણ થઇ શકશે નહીં તેમજ 20મી તારીખે પણ આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળે તેવી શકયતા છે.

આ વિસ્તારોમાં પાણી કાપની અસર થશે
લિંબાયત, નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, ગોડાદરા હેલ્થ સેન્ટરની આજુબાજુનો વિસ્તાર, શાંતિનગર, હરી દર્શન, મયુરનગર, શ્રીનાથજી નગર, વૃંદાવનનગર, રૂક્ષ્મણીનગર તથા અન્ય લાગુ સોસાયટીઓ, નવાગામમાં સમાવિષ્ટ પટેલ ફળિયું, ઉમિયાનગર-૧,૨, ઇશ્વરપુરા, ગાયત્રીનગર, શિવહીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, નંદનવન તથા નવાગામ-ડિંડોલી મેઇન રોડ આસપાસની સોસાયટી વિસ્તારનો સમાવેશ થાય છે.

સરથાણામાં 60 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર કરાશે
સુરત: સુરત મહાનગરપાલિકાનો કુલ વિસ્તાર ૩૨૬.૫૨ ચો. કિ.મી.થી વધીને ૪૬૨.૧૬ ચો.કિ.મી. થયો છે. જે પૈકી વરાછા ઝોન-એ અને વરાછા ઝોન-બી વિસ્તારમાં કઠોદરા, વાલક, વેલંજા, અબ્રામા, ભાદા, કઠોર, ખડસદ, લસકાણા, સણીયા-હેમાદ, પાસોદરા, સારોલી તથા કુંભારિયા વગેરે ગ્રામ પંચાયતોનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે, જેમાં નવા પૂર્વ ઝોન-બી(સરથાણા) વિસ્તારમાં સમાવિષ્ટ ખડસદ તથા કઠોદરાનો કુલ ૮.૨૬ ચો. કિ.મી. વિસ્તાર ધરાવે છે.

આ વિસ્તારમાં ખાનગી વિકેન્દ્રીય રીતે અંશતઃ ડ્રેનેજ નેટવર્ક કાર્યરત છે, પરંતુ આ વિસ્તારને આરોગ્યલક્ષી સુવિધા માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની કોઈ સુવિધા કાર્યરત નથી. મોટા ભાગની સોસાયટીઓ તથા ગામતળના મલીન જળને કોઈપણ પ્રકારે શુદ્ધ કર્યા સિવાય લાગુ વરાછા ખાડીમાં ડીસ્ચાર્જ કરવામાં આવે છે. જેથી મનપા દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજના પાણીને ટ્રીટ કરવા માટે 103 કરોડના ખર્ચે વાલકમાં નવું સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જે માટે 103 કરોડના અંદાજને ગટર સમિતિની મિટિંગમાં મંજૂરી આપવામાં આવી છે.

ટી.પી. 21 સરથાણા-સીમાડા, ટી.પી. 22 સરથાણા-વાલક અને ટી.પી. 85 સરથાણા-પાસોદરા-લસકાણાના સુએઝને એકત્રિત કરવા વાલકમાં એફપી 126માં 64 એમએલડી ક્ષમતાનું સૂચિત પમ્પિંગ સ્ટેશન બનાવાશે. ડીપીઆર મુજબ નવા પૂર્વ ઝોન-બી(સરથાણા) વિસ્તારમાં સમાવિષ્ટ ખડસદ, કઠોદરા, ટી.પી.૨૨ (સરથાણા-વાલક) (પાર્ટલી) અને પ્રી.ટી.પી. ૮૫ (સરથાણા-પાસોદરા-લસકાણા) ડ્રેનેજ ઝોન વિસ્તારમાંથી ઉત્પન્ન થતો સુએઝનો જથ્થો વર્ષ-ર૦૪૦માં ૬૦ એમ.એલ.ડી. અને વર્ષ-૨૦૫૫માં ૯૯ એમ.એલ.ડી. જેટલો રહેવાનો અંદાજ છે. આમ, આવનારા સમયગાળાના પોપ્યુલેશન પ્રોજેક્શનને ધ્યાને રાખતા વર્ષ-૨૦૫૫માં કુલ ૯૯ એમ.એલ.ડી.ની ક્ષમતા સુધી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરાશે.

Most Popular

To Top