સુરત: સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા પાછલા કેટલાંક સમયથી પાણીની ટાંકીઓની રિપેરિંગની (OverHeadTankRepairing) કામગીરી ચાલી રહી છે, જેના પગલે સમયાંતરે પાણી કાપ મુકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સુરત મનપાના નવા પૂર્વ સરથાણા બી ઝોનના કેટલાંક વિસ્તારોમાં આગામી તા. 9 અને 10મી જાન્યુઆરીના રોજ પાણી પુરવઠો ખોરવાશે.
સુરત મનપાના હાઈડ્રોલિક વિભાગ (HYDRAULIC SECTION) દ્વારા આગામી તા. 9 અને 10મી જાન્યુઆરીના રોજ મોટા વરાછાના મુખ્ય રસ્તા પર સીએનજી પંપ પાસે મોટા વરાછા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવેલી ઓવરહેડ ટાંકી એમ-2ની પાઈપ લાઈનનું સમારકામ કરવામાં આવનાર છે, જેના લીધે તા. 9 અને 10 જાન્યુઆરીના રોજ કેટલાંક વિસ્તારોમાં પાણી કાપ મુકવાનું નક્કી કરાયું છે. તેથી તા. 9 અને 10 જાન્યુઆરીના રોજ પાણી પુરવઠો ખોરવાશે. આ બે દિવસ અંશત: ઓછા પ્રેશર સાથે પાણી મળશે.
આ વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરથી મળશે
મોટા વરાછા સીએનજી પંપ પાસેની એમ-2 ઓવર હેડ ટાંકીના રિપેરિંગ કામગીરીના લીધે સુદામા ચોકથી ગોલ્ડન સ્કેવર થઈ મહારાજા ફાર્મ સુધીનો વિસ્તાર, મહારાજા ફાર્મથી રામચોક આસપાસનો વિસ્તાર અને રામચોકથી સુદામા ચોક સુધીના વિસ્તારમાં તા. 9 અને 10 જાન્યુઆરી ઓછા પ્રેશરથી પાણી આવશે.
પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ
ઓવરહેડ ટાંકીના રિપેરિંગ કામના લીધે પાણીનો પુરવઠો અંશત: ખોરવાઈ શકે તેમ હોવાથી સુરત મનપાએ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પાણીનો સંગ્રહ કરી લેવા આગોતરું આયોજન કરવા અપીલ કરી છે. તેમજ સંગ્રહિત પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરાશે.