વ્યારા: તાપી જિલ્લાનો પાણી પુરવઠા વિભાગ લોકોને પીવાનું પાણી પહોંચાડવા તેમજ જૂની બંધ પડેલા પાણીના ટાંકાને ઉપયોગી બનાવવાને બદલે પાણીના નામે નવી-નવી યોજનાઓ બનાવવામાં જ રસ હોય તેવો કડવો અનુભવ સોનગઢ તાલુકાના આમલી ગામે થયો છે. અહીં સોનગઢના આમલી ગામે બનાવેલો ભૂતિયા ટાંકો કે જેનું પાણી ક્યાં જાય છે, કોણે આ ટાંકો બનાવ્યો તે પોતે પાણી પુરવઠા વિભાગ કે ગ્રામજનો પણ જાણતા નથી. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે તેની બાજુમાં જ પાણી પુરવઠા વિભાગ ૧.૩૦ લાખ લીટરનો પાણીનો નવો ટાંકો બનાવવા પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી રહ્યો છે.
- બાજુમાં જ ૧.૩૦ લાખ લીટરનો પાણીનો નવો ટાંકો બનાવવા પાછળ લાખો રૂપિયાનો ધુમાડો
- પહેલાંથી જ એક ટાંકો ઉપલબ્ધ છે, તો બીજો ટાંકો બનાવવાની જરૂર કેમ પડી ? મોટો સવાલ
આમલી ગામના રહીશોના જણાવ્યા મુજબ જૂના ટાંકાનું પાણી તેઓને આજદિન સુધી નસીબ થયું નથી. પાણીના બે-બે ટાંકીઓ ઊભી કરાતા હોય અને તે જ ગામના લોકોને પીવાનું પાણી સુધ્ધાએ મળતું ન હોય તેનાથી વધુ દુર્ભાગ્યની વાત બીજી કઈ હોઈ શકે ? તંત્ર દ્વારા પહેલા જે ટાંકો બનાવ્યો તેમાંથી પાણી યેનકેન પ્રકારે ગ્રામજનો સુધી પહોંચાડવાના પ્રયાસો કરવાની જરૂર હતી, પણ તેવા કોઇ પ્રયત્નો કરાયા નથી. જેથી એ હાલ ચોમાસામાંય પીવાનાં પાણી માટે આમલી ગામનાં રહીશોને વલખા મારવાની નોબત આવી છે. હાલ અન્ય ફળિયામાંથી કે બોર દ્વારા પાણી મેળવી પોતાની તરસ છીપાવવી પડે છે.
થોડાક વર્ષો પહેલાં લાખો રૂપિયાના ખર્ચે હજારો લીટર ક્ષમતાવાળા પાણીનો વિશાળ ટાંકો બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ વિશાળ ટાંકો બન્યો ત્યારથી આજદિન સુધી તેનું પાણી ગ્રામજનોને મળ્યું નથી. પાલતુ પશુઓ માટે પણ પીવાના પાણીનો પ્રશ્ન સર્જાય છે.
આમલી ગામે જૂની ટાંકી કોણે બનાવી એ અમને ખબર નથી. તેનું પાણી ક્યાં જાય છે? કોને મળે છે ? એ પણ અમો જાણતા નથી. પણ નવી યોજના મુજબ માથા દીઠ ૭૦ લીટરની જગ્યાએ ૧૦૦ લિટર પાણી ઉપલબ્ધ કરવાનું સરકાર દ્વારા નક્કી કરાયું હોય તે જરૂરિયાત મુજબ અમે ૧.૩૦ લાખ લીટરની નવી ટાંકી આમલી ગામે બનાવીએ છીએ, તેમાંથી અગાસવાણ ગામના સમ્પ સુધી પાણી પહોંચાડવાની જ જવાબદારી અમારી છે.