SURAT

સુરતમાં ધોબી હડતાળ પર ઉતર્યાં, કારણ જાણવું જરૂરી

સુરતઃ સરકારી કર્મચારીઓ, રાજકારણીઓ, સાધુ-સંતોને હડતાળ પર બેઠાં જોયા છે, પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ધોબીઓ હડતાળ પર ઉતર્યા હોય. આવું સુરતમાં બન્યું છે. સુરતમાં ધોબી-લોન્ડ્રી એસોસિએશને 5 દિવસની હડતાળનું એલાન કર્યું છે.
સુરતના ધોબી-લોન્ડ્રી એસોસિએશને તા. 30 ડિસેમ્બર 2024થી 3 જાન્યુઆરી 2025 દરમિયાન હડતાળનું એલાન કર્યું છે.

ધોબીઓએ તા. 30 ડિસેમ્બરને સોમવારથી જ કામકાજ બંધ કરી દીધા છે. દુકાનો પર શટર પાડી દીધાં છે અને ઘરે-ઘરે જઈ અસ્ત્રી માટેના કપડાં ઉપાડવાનું બંધ કરી દીધું છે, જેના લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અસ્ત્રી માટેના કપડાંનો ઘરોમાં ઢગલો થવા માંડ્યો છે, પરંતુ ધોબી બિલકુલ ટસના મસ થઈ રહ્યાં નથી.

ધોબી-લોન્ડ્રી એસોસિએશનના સૂત્રોએ કહ્યું કે, મોંઘવારીના કારણે ધોબીઓએ હડતાળ પાડવાની ફરજ પડી છે. કારીગરો વેતનમાં વધારો કરવાની માંગણી કરી રહ્યાં છે. લોન્ડ્રી માલિકોને પણ હાલની મજૂરીમાં પોષાતું નથી. વીજળીના સતત વધતા બિલ પર હેરાન કરી રહ્યાં છે. ઉપરાંત મોંઘવારીના લીધે જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો હોય મજૂરીના દર વધે તે હેતુથી હડતાળ પાડવાનું નક્કી કરાયું છે.

ધોબી-લોન્ડ્રી એસોસિએશન સુરતના નેજા હેઠળ શહેરના ધોબીઓએ હડતાળ પાડી છે. આ સંગઠનના પ્રમુખ રમેશચંદ્ર કનોજીયા અને ઉપપ્રમુખ અમીત કનોજીયા છે.

Most Popular

To Top