Columns

હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદગ્રસ્ત ભોજશાળા મૂળભૂત રીતે જૈનોની પાઠશાળા હતી?

ધારમાં ભોજશાળા વિવાદમાં હવે જૈન સમુદાય પણ દાખલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભોજશાળામાં ખોદકામ દરમિયાન ૩૯ ખંડિત મૂર્તિઓ મળી આવી છે, જેમાંથી બે જૈન ધર્મની છે. હવે જૈન સંઘ દાવો કરે છે કે અહીં અમારું મંદિર હતું. એક જૈન સંસ્થાએ મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે ખોદકામ દરમિયાન તીર્થંકરો અને જૈન સમુદાયનાં દેવીદેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એક સમયે અહીં જૈન ગુરુકુળ પણ હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભોજશાળામાં સરસ્વતી દેવીનું મંદિર હતું કે જૈન સમાજનાં દેવીદેવતાઓનું મંદિર હતું તેની તપાસ થવી જોઈએ.

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણમાં જૈન સમાજના બે પ્રતિનિધિઓને સામેલ કરવાની માંગ પણ અરજીમાં કરવામાં આવી છે. હાઈ કોર્ટમાં અરજી સ્વીકારવામાં આવી છે. આ મામલે ૪ જુલાઈએ સુનાવણી થઈ શકે છે. અત્યાર સુધી ભોજશાળામાં માત્ર બે પક્ષો હિન્દુ અને મુસ્લિમ છે. જૈન સમુદાય પણ આ કેસમાં પક્ષકાર તરીકે એન્ટ્રી ઈચ્છે છે. જૈન સમાજનાં લોકો પણ ઇચ્છે છે કે ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ યોગ્ય જગ્યાએ સ્થાપિત થાય. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ભારતીય પુરાતત્ત્વ ભોજશાળામાં સર્વેક્ષણ કરી રહ્યું છે.

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજરાજાની ધારા નગરીમાં આજે પણ પ્રાચીન અવશેષો મળી આવે છે, જે આ ક્ષેત્રની પ્રાચીન ભવ્યતાની સાક્ષી પૂરે છે. આ અવશેષો વચ્ચે ભોજશાળા તરીકે ઓળખાતી ભવ્ય ઇમારતનાં ખંડેરો કંઇક નોખી ભાત ઊભી કરે છે. ભોજશાળા શબ્દ મધ્યકાલીન માલવાના પરમાર વંશના રાજા ભોજ પરથી ઊતરી આવ્યો છે. હાલમાં આ સ્થળ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના રક્ષણ હેઠળનું સંરક્ષિત સ્મારક છે, પરંતુ છેલ્લી સદીમાં તે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેનું વિવાદિત સ્થળ બની ગયું છે. રાજા ભોજે લગભગ ઇ.સ.૧૦૦૦ અને ૧૦૫૫ ની વચ્ચે મધ્ય ભારત પર શાસન કર્યું હતું. તેઓ કળાના આશ્રયદાતા હતા. તેમણે જે જૈન પરંપરાના સરસ્વતી કંઠાભરણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તે ભોજશાળા તરીકે વિખ્યાત થયું હતું.

મુસ્લિમોના શાસન કાળમાં ભોજશાળાના સ્થળે મસ્જિદ બંધાઈ ગઈ હતી, જે કમાલ મૌલા મસ્જિદ તરીકે ઓળખાતી હતી. ભોજશાળાના શિલાલેખોનો  વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ ૧૯મી સદીના અંતમાં ચાલુ થયો, જ્યારે મુંબઈના જાણીતા પુરાતત્ત્વવિદ્ ભાઉ દાજીએ ૧૮૭૧માં તેમના સહાયકોને અહીં મોકલ્યા. શ્રી કે.કે. લેલે અને કેપ્ટન લુઆર્ડે કમાલ મૌલા મસ્જિદને ભોજશાળા તરીકે ઓળખ્યા પછી ઇતિહાસકાર ઓ.સી. ગાંગુલી અને કે.એન. દીક્ષિતે બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી પ્રતિમા વિશે એક લેખ પ્રકાશિત કર્યો અને તેને રાજા ભોજની સરસ્વતી હોવાનું જાહેર કર્યું.

આ મૂર્તિ પર એક શિલાલેખ છે જેમાં વાગ્દેવી સાથે રાજા ભોજાનો ઉલ્લેખ છે, જે સરસ્વતીનું બીજું નામ છે. પાછળથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓના વિદ્વાન હરિવલ્લભ ભાયાણી દ્વારા આ શિલાલેખના અભ્યાસે સ્પષ્ટ કર્યું કે આ શિલાલેખ ત્રણ જૈન તીર્થંકરો અને વાગ્દેવી તથા અંબિકાની મૂર્તિના નિર્માણની નોંધ કરે છે. આ શિલાલેખમાં વાગ્દેવીનો ઉલ્લેખ હોવા છતાં તેનો મુખ્ય હેતુ અંબિકાની મૂર્તિના નિર્માણની નોંધ કરવાનો છે. તેમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની મુખ્ય બે શાખાઓ ચંદ્રનાગરી અને વિદ્યાધારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કારણે જ જૈનો દ્વારા મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની ઈન્દોર બેન્ચમાં ભોજશાળા માટે દાવો કરવામાં આવ્યો છે.

બ્રિટિશ મ્યુઝિયમની પ્રતિમાની ઓળખ જૈન ધર્મની શાસન દેવી અંબિકા તરીકે કરવામાં આવી છે. અન્યત્ર મળી આવેલી અંબિકાની મૂર્તિઓની પ્રતિમાનાં લક્ષણો દ્વારા તેની પુષ્ટિ થાય છે. મધ્ય પ્રદેશના સિહોર શહેરમાં ૧૧મી સદીની અંબિકાની જૈન મૂર્તિ જોવા મળે છે તે ખાસ કરીને નજીકનું તુલનાત્મક ઉદાહરણ છે. ધારની મૂર્તિની જેમ સિહોરની મૂર્તિમાં અંબિકા દેવીનાં ચરણોમાં સિંહ પર સવારી કરતો યુવક અને એક બાજુ દાઢીવાળી આકૃતિ દર્શાવે છે. બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રતિમા પરનો શિલાલેખ સૂચવે છે કે ધાર ખાતેની વાગ્દેવી સરસ્વતીના જૈન સ્વરૂપને સમર્પિત હતી. જો કે, શિલાલેખમાં ઉલ્લેખિત વાગ્દેવી હજુ સુધી મળી નથી.

જેમણે ૧૪મી સદીની શરૂઆતમાં પ્રબંધચિંતામણી નામનો ઇતિહાસ ગ્રંથ લખ્યો હતો તેવા જૈનાચાર્ય મેરુતુંગસૂરિજી લખે છે કે સરસ્વતી મંદિરમાં ભોજની સ્તુતિ ઉપરાંત પ્રથમ જૈન તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનને સમર્પિત ભક્તામર સ્તોત્ર કોતરવામાં આવ્યું હતું. ભોજશાળા ભારતના પુરાતત્ત્વ કાયદા હેઠળ રાષ્ટ્રીય મહત્ત્વનું સંરક્ષિત સ્મારક છે અને તે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના કબજા હેઠળના વિસ્તારની અંદર છે. હિન્દુઓ અને મુસ્લિમો બંને આ સ્થાન પર દાવો કરે છે અને તેમની પ્રાર્થના માટે તેનો ઉપયોગ કરે છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની માર્ગદર્શિકા અનુસાર મુસ્લિમો શુક્રવાર અને ઇસ્લામિક તહેવારો પર નમાજ પઢી શકે છે તો હિન્દુઓ મંગળવારે અને વસંત પંચમી પર પ્રાર્થના કરી શકે છે. આ સ્થળ અન્ય દિવસોમાં બધાં પ્રવાસીઓ માટે ખુલ્લું રહે છે.

રાજા ભોજે ઇ.સ. ૧૦૩૪માં ધારા નગરીમાં એક પાઠશાળાની સ્થાપના કરી હતી, જે પાછળથી ભોજશાળા તરીકે જાણીતી થઈ હતી. રાજા ભોજ માતા સરસ્વતીના મહાન ઉપાસક હતા. આ જ કારણે તેમણે અહીં માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરી હતી. ભોજશાળાને માતા સરસ્વતીનું પ્રાગટ્ય સ્થાન પણ માનવામાં આવે છે. ભોજશાળા મંદિરમાંથી મળેલા ઘણા શિલાલેખો ૧૧મી થી ૧૩મી સદીના છે. કેટલાક શિલાલેખોમાં સંસ્કૃતમાં નાટકીય રચનાઓ અંકિત કરવામાં આવી છે. માતા સરસ્વતીનું મંદિર હોવાની સાથે ભોજશાળા ભારતની સૌથી મોટી યુનિવર્સિટીઓમાંની એક હતી. આ સ્થાન વિશ્વનું પ્રથમ સંસ્કૃત અભ્યાસ કેન્દ્ર પણ હતું. અધ્યાત્મ, રાજનીતિ, આયુર્વેદ, વ્યાકરણ, જ્યોતિષ, કલા, નાટક, સંગીત, યોગ, તત્ત્વજ્ઞાન વગેરે વિષયોનું જ્ઞાન મેળવવા માટે ભારત અને વિદેશના હજારો વિદ્વાનો આ યુનિવર્સિટીમાં આવતા હતા.

બ્રિટિશ મ્યુઝિયમમાં રહેલી અંબિકા દેવીની પ્રતિમા પરનો શિલાલેખ સૂચવે છે કે ધાર ખાતેની વાગ્દેવી સરસ્વતીના જૈન સ્વરૂપને સમર્પિત હતી.  ઐતિહાસિક તથ્યો અનુસાર ૧૩૦૫માં મુસ્લિમ આક્રમણખોર અલાઉદ્દીન ખિલજીએ ભોજશાળા પર હુમલો કરીને તેનો નાશ કર્યો હતો. અલાઉદ્દીન ખિલજીના હુમલા વખતે ભોજશાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઈસ્લામિક સેનાનો વિરોધ કર્યો ત્યારે ખિલજીએ ૧,૨૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેદ કર્યા હતા અને તેમને ઇસ્લામ સ્વીકારવાનું કહ્યું હતું; પરંતુ તે બધાએ ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કર્યો તે પછી તેમની હત્યા કરીને તેમના મૃતદેહોને ભોજશાળાના જ હવન કુંડમાં ફેંકી દેવામાં આવ્યા હતા. બાદમાં ૧૪૦૧માં દિલાવર ખાને ભોજશાળાના એક ભાગમાં એક મસ્જિદ બનાવી હતી. છેવટે ૧૫૪૧ માં મહેમૂદ શાહ ખિલજીએ બાકીના ભાગમાં એક મસ્જિદ બનાવી હતી. અહીં વિવાદ વધતો ગયો ત્યારે બ્રિટિશ શાસન દરમિયાન ભોજશાળાને રક્ષિત ઇમારત જાહેર કરવામાં આવી હતી.

હિન્દુ સંસ્થા ફ્રન્ટ ફોર જસ્ટિસે ૧ મે ૨૦૨૨ના રોજ ઈન્દોર હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભોજશાળાનો સંપૂર્ણ કબજો હિન્દુઓને સોંપવામાં આવે. તેના કહેવા પ્રમાણે દર મંગળવારે હિંદુઓ ભોજશાળામાં યજ્ઞ કરી તેને શુદ્ધ કરે છે અને શુક્રવારે મુસ્લિમો નમાજના નામે યજ્ઞકુંડને અશુદ્ધ કરે છે તે બંધ થવું જોઈએ. આ સાથે ભોજશાળાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને ખોદકામની માગણી પણ અરજીમાં કરવામાં આવી હતી. હવે જૈન સંઘે પણ ભોજશાળા પર પોતાનો દાવો કરતાં હાઈ કોર્ટ માટે જટિલ પરિસ્થિતિ પેદા થઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top