બાંગ્લા દેશમાં આરક્ષણ સામે જેવડું મોટું આંદોલન થયું તેના કરતાં ક્યાંય મોટું આંદોલન ભારતમાં કિસાનો દ્વારા કરવામાં આવ્યું હતું; તો પણ તે આંદોલન એવું તોફાની નહોતું બન્યું કે ભારતના વડા પ્રધાને રાજીનામું આપીને દેશ છોડી દેવો પડે. બાંગ્લા દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા આરક્ષણ સામે જે આંદોલન કરવામાં આવ્યું તેમાં વિદ્યાર્થીઓની મોટા ભાગની માગણીઓ હસીના સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી; તો પછી રવિવારે અચાનક એવું શું બન્યું કે વડાં પ્રધાન શેખ હસીનાએ ૪૫ મિનિટમાં રાજીનામું આપીને દેશ છોડવાનો નિર્ણય લેવો પડ્યો? જે રીતે તમામ ઘટનાઓ બની તે પરથી શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં કોઈ ઊંડાં કાવતરાંની ગંધ આવે છે.
શેખ હસીના પદભ્રષ્ટ થયાં તેનો સૌથી આનંદ પાકિસ્તાનને થયો છે, કારણ કે શેખ હસીના સામે બળવો કરાવવામાં મુખ્ય ભૂમિકા પાકિસ્તાનતરફી સંગઠન જમાત-એ-ઈસ્લામીએ ભજવી હતી. આંદોલન કરનારાં વિદ્યાર્થીઓ પર સેના કે પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે આંદોલનકારીઓનો ક્રોધ ભભૂકી ઊઠ્યો હતો, પણ આગમાં પેટ્રોલ રેડવાનું કામ જમાતના કટ્ટરવાદી નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૯૭૨માં પાકિસ્તાનના બે ટુકડા કરીને ભારતે ફટકો માર્યો હતો. તેના વેરની વસૂલાત પાકિસ્તાને બાંગ્લા દેશમાં બળવો કરાવીને કરી છે.
બાંગ્લા દેશમાં સરકારને ઉથલાવી દેવા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો હાથ હોવાનું ગુપ્તચર રિપોર્ટમાં સામે આવી રહ્યું છે. પાકિસ્તાને હિંસા ભડકાવવા માટે છાત્ર શિબિર નામના સંગઠનનો ઉપયોગ કર્યો છે. આ છાત્ર શિબિર સંગઠન બાંગ્લા દેશમાં પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીનો એક ભાગ છે. સાથે જ જમાત-એ-ઈસ્લામીને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું સમર્થન પણ છે. તાજેતરમાં, એવા પણ અહેવાલ હતા કે શેખ હસીનાએ જમાત-એ-ઇસ્લામી, વિદ્યાર્થી સંઘ અને અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે, જેના વિરોધમાં તેઓએ સરકાર સામે રસ્તાઓ પર હિંસાનું તાંડવ મચાવ્યું હતું. હકીકતમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા દ્વારા અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએની મદદથી આ કાવતરું પાર પાડવામાં આવ્યું છે.
ગુપ્તચર અહેવાલ મુજબ બાંગ્લા દેશી સત્તાવાળાઓ પાસે બાંગ્લા દેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકારી વડા ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનની સાંઠગાંઠના પુરાવા પણ હતા. આ કારણે જ શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા પછી ગણતરીના કલાકોમાં ખાલેદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બાંગ્લા દેશમાં ઓપરેશનની રૂપરેખા લંડનમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે મળીને બનાવવામાં આવી હોવાની માહિતી મળી છે. લંડનમાં બ્લૂ પ્રિન્ટ તૈયાર કર્યા બાદ બાંગ્લા દેશમાં આ યોજના લાગુ કરવામાં આવી હતી. બાંગ્લા દેશી અધિકારીઓ સાઉદી અરેબિયામાં તારિક રહેમાન અને આઈએસઆઈ અધિકારીઓ વચ્ચે મીટિંગના પુરાવા હોવાનો દાવો કરી રહ્યા છે.
વિરોધને વેગ આપવા માટે શેખ હસીના સરકાર વિરુદ્ધ સોશ્યલ મિડિયા હેન્ડલ X પર ૫૦૦ થી વધુ પોસ્ટ પણ કરવામાં આવી હતી. આમાં પાકિસ્તાની હેન્ડલ્સ પણ સામેલ છે. પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીની વિદ્યાર્થી પાંખને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. આ સંગઠનને બાંગ્લા દેશમાં હિંસા ભડકાવવાનું અને વિદ્યાર્થીઓના વિરોધને રાજકીય આંદોલનમાં ફેરવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પાકિસ્તાનની જેમ બાંગ્લા દેશનું સૈન્ય પણ અમેરિકાના ઇશારા પર ચાલે છે. બાંગ્લા દેશના સૈન્ય દ્વારા જે વચગાળાની સરકારની રચનાની કવાયત હાથ ધરવામાં આવી છે તેમાં અમેરિકાના ઇશારે નાચે તેવા નેતાઓનો જ સમાવેશ કરવામાં આવશે.
શું અમેરિકાના વિરોધને કારણે શેખ હસીનાએ બાંગ્લા દેશનું વડાં પ્રધાનપદ છોડવું પડ્યું? આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે બે મહિના પહેલાં મે મહિનામાં શેખ હસીનાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે વિદેશથી તેમના પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. મે મહિનામાં શેખ હસીનાએ દાવો કર્યો હતો કે એક દેશે તેમને ઓફર કરી હતી કે જો તે બાંગ્લા દેશની જમીન પર એરબેઝ બનાવવાની મંજૂરી આપે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલી વિના ફરીથી ચૂંટણી જીતવાની મંજૂરી આપવામાં આવશે.
જો કે તેમણે કોઈ દેશનું નામ નહોતું લીધું, પરંતુ એવું માનવામાં આવતું હતું કે તે દેશ અમેરિકા છે. હસીનાએ એવો પણ દાવો કર્યો હતો કે બાંગ્લા દેશ અને મ્યાનમારના ભાગોને કોતરીને પૂર્વ તિમોર જેવો ખ્રિસ્તી દેશ બનાવવાનું અમેરિકાનું ષડ્યંત્ર છે. આ હિંસા અંગે અમેરિકા પણ શંકાના દાયરામાં છે, કારણ કે ૧૪ જુલાઈના રોજ અમેરિકન એમ્બેસીએ બે વિદ્યાર્થીઓનાં મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા, જેને પછીથી વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ સમાચારે વિરોધને વધુ હિંસક બનાવ્યો હતો. તે જ સમયે બાંગ્લા દેશમાં અમેરિકી રાજદૂત પીટર ડી. હાસે જમાતના નેતાઓ સાથે ગુપ્ત બેઠક કરી હતી.
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI બાંગ્લા દેશમાં તણાવ પેદા કરવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહી હતી. તેનો ઉદ્દેશ શેખ હસીનાને હટાવીને બાંગ્લા દેશમાં ભારત વિરોધી સરકાર સ્થાપવાનો હતો. હવે આઈએસઆઈ તેના ષડ્યંત્રમાં સફળ રહી છે. શેખ હસીનાને હટાવવા માટે ISI નો સ્લીપર સેલ ઢાકામાં પૂર્ણ સમય કામ કરી રહ્યો હતો. ISI જમાત અને તેમની વિદ્યાર્થી પાંખ ઢાકામાં કટોકટી વધારવા માટે ઈસ્લામી છાત્ર શિબિરનો ઉપયોગ કરી રહી છે. જમાતને પાકિસ્તાનની ખૂબ નજીક માનવામાં આવે છે અને સમયાંતરે તેને ગુપ્ત ભંડોળ આપવામાં આવતું હતું. આ ભંડોળનો મોટો હિસ્સો પાકિસ્તાનમાં કાર્યરત ચીની સંસ્થાઓ પાસેથી આવ્યો હતો.
શેખ હસીના સરકાર ભારતનાં હિતો પ્રત્યે સંવેદનશીલ હોય તે ચીનને પસંદ નહોતું. ઇસ્લામિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશનનાં લોકો પણ સામાન્ય લોકોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યાં અને આખરે દેશમાં બળવો થયો. જમાત-એ-ઇસ્લામી અને તેની બાંગ્લા દેશની વિદ્યાર્થી પાંખ ઇસ્લામી છાત્ર શિબિરે આ બંને આંદોલનને હિંસક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જમાત-એ-ઈસ્લામી તેના ભારતવિરોધી વલણ માટે જાણીતી છે. તેની વિદ્યાર્થી પાંખે શેરી ચળવળને હિંસક બનાવવા અને હસીનાના સ્થાને પાકિસ્તાન અને ચીનની તરફેણમાં સરકાર બનાવવા માટે ઉશ્કેરવાનું કામ કર્યું છે.
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIને લાગતું હતું કે અવામી લીગની સરકારને ભારતનું સમર્થન છે અને તે બાંગ્લા દેશને પાકિસ્તાનના વશમાં કરવા માટે તેને હટાવવા માંગતું હતું. શેખ હસીના સરકારના પતનથી પાકિસ્તાનને ભારતમાં વિવિધ પ્રવૃત્તિઓ માટે બહુવિધ એન્ટ્રી પોઈન્ટ મળશે. ISI નું સ્પષ્ટ લક્ષ્ય બાંગ્લા દેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ને સત્તામાં લાવવાનું છે, જેને પાકિસ્તાનતરફી માનવામાં આવે છે. ISI કાશ્મીરમાં ઉપયોગમાં લેવાતી યુક્તિઓ જેવી જ યુક્તિઓ બાંગ્લા દેશમાં પણ અપનાવી રહી છે, જ્યાં તે હિંસા અને આતંકવાદને ઉશ્કેરે છે.
બાંગ્લા દેશનાં વડાં પ્રધાનપદેથી શેખ હસીનાના રાજીનામાથી ભારતને મોટો ફટકો પડ્યો છે. આ કારણે ભારતે એશિયામાં પોતાનો શ્રેષ્ઠ મિત્ર ગુમાવ્યો છે. બાંગ્લા દેશમાં શેખ હસીનાની હાર ભારત માટે મોટી ચિંતાનો વિષય બની રહેશે. જો કે ચીન, પાકિસ્તાન અને અમેરિકા માટે આ ખુશીની વાત માનવામાં આવે છે. આ ત્રણેય દેશો શેખ હસીના અને તેમની નીતિઓના વિરોધી હતા. અમેરિકાએ બાંગ્લા દેશમાં થયેલા ફેરફારોનું સ્વાગત કર્યું છે અને સેનાની પ્રશંસા કરી છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે વચગાળાની સરકારની રચના આવકાર્ય છે. તેમણે વચગાળાની સરકારને લોકતાંત્રિક અને સર્વસમાવેશક બનાવવાનો આગ્રહ કર્યો છે. આ સાથે મિલરે કહ્યું કે અમે આજે સેના દ્વારા દર્શાવવામાં આવેલા સંયમની પ્રશંસા કરીએ છીએ.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.