ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો દાવો જેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો તેમ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે પણ યુદ્ધવિરામ કરાવવાનો દાવો તેમણે કર્યો છે. ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો, પણ ઈઝરાયેલ અને ઈરાન અમેરિકાના પ્રમુખના આજ્ઞાંકિત સેવકોની જેમ યુદ્ધવિરામનો આદેશ માથે ચડાવવા તૈયાર થઈ ગયા છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ પહેલાં અમેરિકા દ્વારા ઈરાનનાં ત્રણ પરમાણુ મથકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ઈરાન દ્વારા અમેરિકાના હવાઈ અડ્ડાઓ ઉપર વળતો હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ હુમલા અને વળતા હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે રીતે યુદ્ધવિરામ કરાવવામાં આવ્યો તે પરથી લાગે છે કે તેમાં ફિક્સિંગ કરવામાં આવ્યું હતું.
૧૩ જૂનથી ઈઝરાયેલે ઇરાનના લશ્કરી માળખાને વ્યાપક નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું. ઈઝરાયેલના ઈરાન પરના પ્રચંડ હુમલા પછી લાગતું હતું કે આ યુદ્ધ લાંબું ચાલશે. ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાની મિસાઇલોએ ઈઝરાયેલની સંરક્ષણ પ્રણાલીનો ભંગ કર્યો અને તેના પાટનગર તેલ અવીવને ખંડેરોમાં તબદિલ કરી નાખ્યું. ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુના દબાણ હેઠળ અમેરિકાએ ઇરાનનાં પરમાણુ થાણાંઓ પર બોમ્બ ફેંક્યા પણ ઈરાનને તેની જાણકારી મળી ગઈ હોવાથી તેણે પોતાની બધી પરમાણુ સામગ્રી સલામત ઠેકાણે ખસેડી લીધી હતી. જાણે ઈઝરાયેલને દેખાડવા માટે જ અમેરિકા દ્વારા ઈરાનનાં પરમાણુ કેન્દ્રો પર હુમલાઓ કરવામાં આવ્યા હતા.
આ પછી ઈરાને પણ પોતાની પ્રજાને બતાડવા મધ્ય પૂર્વમાં આવેલા કતાર ખાતેના અમેરિકાના હવાઈ અડ્ડાઓ પર હુમલા કર્યા પણ તેની આગોતરી જાણકારી અમેરિકાને આપી દેવામાં આવી હતી, જેને કારણે અમેરિકાને ખાસ કોઈ નુકસાન થયું નહોતું. હવે એ વાત સામે આવી છે કે પડદા પાછળ અમેરિકા, ઈરાન, ઈઝરાયેલ અને કતાર વચ્ચે વાતચીત ચાલી રહી હતી. અમેરિકા દ્વારા પડદા પાછળ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે કોઈ સોદાબાજી કરવામાં આવી હતી, જેના પરિણામે બંને દેશો ૨૪ કલાકમાં યુદ્ધવિરામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. આ યુદ્ધવિરામ દરમિયાન ત્રણ દેશો વચ્ચે પડદા પાછળ શું બન્યું તેની જાણ દુનિયાને ક્યારેય થશે નહીં.
ઈરાને પહેલાથી જ તેનાં ત્રણ પરમાણુ કેન્દ્રો પર અમેરિકાના હુમલાનો જવાબ આપવાની જાહેરાત કરી હતી. મધ્ય પૂર્વમાં તણાવ ફેલાતો હોવાના પ્રથમ સંકેતો કતારમાં અમેરિકન નાગરિકોને જારી કરાયેલા સંદેશથી મળ્યા હતા. અમેરિકાએ તેનાં નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા કહ્યું હતું. બ્રિટને પણ પોતાનાં નાગરિકોને આવી જ સલાહ આપી હતી. પહેલાંથી જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ઈરાન કતારમાં અમેરિકાના હવાઈ અડ્ડા પર હુમલો કરી શકે છે.
એવું કહેવાય છે કે ઈઝરાયેલી હુમલો શરૂ થયો ત્યારથી જ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની બંકરમાં ચાલ્યા ગયા હતા અને ત્યાંથી ખામેનીએ અમેરિકા સામે બદલો લેવાનો આદેશ આપ્યો હતો. હુમલાના ડરથી કતારે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું. દોહાના એર ટ્રાફિક કંટ્રોલે બધાં પેસેન્જર વિમાનોને પાછાં મોકલવાનું શરૂ કર્યું. દોહા વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. ત્યાર બાદ ખબર પડી કે એરબેઝ પર ઈરાની મિસાઈલ હુમલાનો ગંભીર ખતરો છે.
અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે મિસાઈલ લોન્ચર્સ કતાર તરફ આવતાં જોવા મળ્યાં છે. આ પછી અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ અને એક વરિષ્ઠ જનરલ વ્હાઇટ હાઉસ જવા રવાના થયા. થોડા કલાકો પછી દોહામાં વિસ્ફોટો સંભળાયા હતા. શહેરના આકાશમાં મિસાઇલો જોવા મળી હતી. ઈરાનના સરકારી મિડિયાએ આ વળતા હુમલા વિશે અહેવાલ આપવાનું શરૂ કર્યું. આ હુમલાની પ્રતિક્રિયા અમેરિકા સમક્ષ કતાર તરફથી આવી હતી.
કતારે કહ્યું કે તેણે ઈરાનથી આવી રહેલી મિસાઈલોને અટકાવી દીધી છે અને ત્યાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. તે જ સમયે ખામેનીના X એકાઉન્ટ પર એક ભડકાઉ તસવીર પણ દેખાઈ, જેમાં અમેરિકાનાં લશ્કરી થાણાં પર મિસાઇલોથી હુમલો કરવામાં આવી રહ્યો હતો અને ફાટેલો અમેરિકન ધ્વજ સળગતો દર્શાવવામાં આવ્યો હતો. તેમણે લખ્યું કે અમે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. આ પછી એવું લાગતું હતું કે અમેરિકા અને કતારને ઈરાની હુમલાની અગાઉથી માહિતી હતી. આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું, જેથી ઈરાનના નેતા તેની પ્રજાને કહી શકે કે તેણે અમેરિકાને જવાબ આપ્યો છે, પરંતુ એવું નુકસાન પહોંચાડ્યા વિના કે જેનાથી સીધું યુદ્ધ થાય.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની હુમલાનું વર્ણન કરતાં લખ્યું હતું કે એ હુમલો નબળો અને અપેક્ષિત હતો પણ તેમનો સ્વર નરમ હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનો આભાર માન્યો અને કહ્યું કે ‘અમને હુમલા અંગે અગાઉથી માહિતી મળી ગઈ હતી. કદાચ હવે ઈરાન શાંતિ અને સુમેળ તરફ આગળ વધશે, અને હું ઇઝરાયલને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરીશ.’બે કલાક પહેલાં ઈરાને અમેરિકન એરબેઝ પર હુમલો કર્યો હતો. બે દિવસ પહેલાં ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હવે ટ્રમ્પ ઈરાન અને ઈઝરાયેલના નેતાઓને શાંતિના પાઠ ભણાવી રહ્યા હતા. પોતાની સોશ્યલ મિડિયા પોસ્ટમાં તેમણે લખ્યું: અભિનંદન, શાંતિનો સમય આવી ગયો છે!
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી તે પહેલાં પડદા પાછળ ઘણી ઘટનાઓ બની ગઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર સીધી વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પનો સંદેશો સ્પષ્ટ હતો કે યુદ્ધ હવે બંધ થવું જોઈએ. તે જ સમયે, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને મધ્ય પૂર્વ માટે અમેરિકન સ્પેશ્યલ નેગોશીયેટર સ્ટીવ વિટકોફ સીધી અને રાજદ્વારી ચેનલો દ્વારા ઈરાની પ્રતિનિધિઓનો સંપર્ક કરી રહ્યા હતા. અમેરિકાનો પ્રયાસ યુદ્ધવિરામ પ્રાપ્ત કરવાનો હતો.
એવા અહેવાલો હતા કે કરાર લગભગ તૈયાર થઈ ગયો છે, પરંતુ કેટલાંક અલગ અલગ નિવેદનો પણ બહાર આવી રહ્યાં હતાં. છતાં, ધીમે ધીમે આશા જાગવા લાગી હતી. પછી ઈંગ્લેન્ડના સમય મુજબ સવારે ૧૧:૦૦ વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પે સોશ્યલ મિડિયા પર લખ્યું કે બધાને અભિનંદન. ઈરાન અને ઇઝરાયલ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને તે છ કલાક પછી અમલમાં આવશે. તેમણે તેને ૧૨ દિવસનું યુદ્ધ ગણાવ્યું. જો કે ત્યાર બાદ પણ યુદ્ધ ચાલુ જ રહ્યું હતું.
ઈઝરાયેલમાં સાયરન વાગવા લાગી અને લોકોને છુપાઈ જવાની ફરજ પડી. ઈઝરાયેલ સંરક્ષણ દળોએ ચેતવણી જારી કરી કે ઈરાની મિસાઇલો આવી રહી છે. એક કલાકની અંદર ઈરાને ત્રણ રાઉન્ડ મિસાઇલો છોડ્યાં. સવાર સુધી વધુ મિસાઇલો છોડવામાં આવી. ઈઝરાયેલમાં એક બહુમાળી રહેણાંક ઇમારત પર મિસાઇલ વાગી, જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં. ઈઝરાયેલી વડા પ્રધાન નેતન્યાહૂએ આરોપ લગાવ્યો કે ઈરાને તેની સૌથી મોટી મિસાઇલથી હુમલો કર્યો છે.
તે જ સમયે, ઈરાની મિડિયાએ જણાવ્યું હતું કે ઈઝરાયેલે ઉત્તરીય શહેર અસ્તુન-યે અશરફિયાહ પર ભારે હુમલા કર્યા હતા, જેમાં નવ લોકો માર્યા ગયાં હતાં. માર્યા ગયેલાં લોકોમાં મોહમ્મદ રેઝા સિદ્દીકી સાબરી નામના પરમાણુ વૈજ્ઞાનિકનો પણ સમાવેશ થતો હતો. ઈરાને ઈઝરાયેલ પર યુદ્ધવિરામની સમયમર્યાદા પહેલાં છેલ્લી તકનો મિસાઇલ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. ઇઝરાયલી સેનાએ બાદમાં રાત્રે હુમલાની પુષ્ટિ કરી હતી, જ્યારે ઇરાકી સરકારે દાવો કર્યો હતો કે તેના વિસ્તારમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. છેક છેલ્લી ઘડી સુધી યુદ્ધ ચાલુ રહ્યું હતું.
થોડા સમય પછી ઈઝરાયેલે યુદ્ધવિરામ સ્વીકારી લીધો હતો, પરંતુ થોડા સમય પછી તે યુદ્ધવિરામ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ઈઝરાયેલી સૈન્યે કહ્યું કે ઈરાનથી મિસાઇલો છોડવામાં આવી હતી અને તેણે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરી દીધી હતી. ઈરાને આ વાતનો ઇનકાર કર્યો હતો પરંતુ ઈઝરાયેલી સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે તેમણે ઈરાની રાજધાની તેહરાન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. ફરી વાર ડોનાલ્ડ ટ્રમ્પે દરમિયાનગીરી કરીને યુદ્ધવિરામ કરાવ્યો હતો. આ કથા પરથી એટલું જ સાબિત થાય છે કે અમેરિકા દુનિયાના કોઈ પણ બે દેશને મન પડે ત્યારે લડાવી શકે છે અને મન પડે ત્યારે યુદ્ધવિરામ પણ કરાવી શકે છે.