લગ્ન પછી 22 વર્ષની રેણુકા કોટંબકર નવી વહુ બનીને મહારાષ્ટ્રના વર્ધાથી 30 કિમી દૂર કોટમવાડીમાં તેના સાસરે આવી ત્યારે તેણે જોયું કે, આખા ગામમાં પાણી પુરવઠાની વ્યવસ્થા નથી. ગામની નાની છોકરીઓ અને મહિલાઓને પાણીની તંગીનો ભોગ બનવું પડે છે. કોટમવાડી એ મહારાષ્ટ્રમાં સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત વિસ્તારો પૈકી એક છે. 1,200 લોકોની વસ્તી ધરાવતા ગામમાં પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે માત્ર એક નદી અને એક કૂવો હતો. મહિલાઓ દરરોજ સવારે પરિવાર માટે પાણી લેવા માટે ગામથી લગભગ 1.5 કિમી દૂર નદી પર જતી હતી.
રેણુકા કોટંબકર કહે છે, જ્યારે હું લગ્ન કરીને ગામમાં આવી ત્યારે મને ખબર પડી કે ગામમાં પાણીનો કોઈ સ્ત્રોત નથી. ગામની બહાર નદી હતી. હું મારાં સાસુ અને ભાભી સાથે પાણી લેવા ત્યાં જતી હતી. નદી 1.5 કિમી દૂર હતી. મેં વિચાર્યું કે આવું કેમ ચાલે, શું આ પરિસ્થિને ઉકેલી ના શકાય? મહિલાઓ રોજ સવારે વહેલા ઊઠી પાણી લેવા નદી પર જતી, ઘરના કામકાજ કરતી અને ફરી નદીમાંથી પાણી લેવા જવું પડતું હતું. દિવસમાં આવું વારંવાર કરવું પડતું હતું. સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન પાણી લાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો, મહિલાઓ આખું ગામ સૂતું હોય ત્યારે પાણી લેવા જતી હતી! એક દાયકાથી વધુ સમય સુધી રેણુકાએ બીજા બધાની સાથે આ રીતે પાણીની હાડમારી વેઠી હતી.
જો કે, 15 વર્ષ પહેલાં સરપંચ રેણુકા તાઈ (ગામલોકો તેમને પ્રેમથી આ નામે બોલાવે છે)એ કોટમવાડીની ઓળખ બદલી નાખી છે. કોટમવાડી જે પહેલાં જળસંકટ માટે જાણીતી હતી, હવે ત્યાં પાણીની કોઈ સમસ્યા નથી. રેણુકાએ વોટર કનેક્ટિવિટી મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પ્રથમ મહિલા મીટિંગ બોલાવી ત્યારે મીટિંગમાં કોઈ મહિલા બોલતી ન હતી. જ્યારે અમે ભેગાં થતાં હતાં ત્યારે સ્ત્રીઓ માસિકસ્રાવ દરમિયાન બધા સૂતા હોય ત્યારે સૌથી પહેલાં જાગીને કેવી રીતે પાણી ભરવા જાય છે, તેની વાત કરતી હતી. આનાથી તેને અપમાનનો અનુભવ થતો હતો. આટલું જ નહીં નાની છોકરીઓને શાળાએ જવાને બદલે પાણી ભરવા મદદ કરવાનું કહેવામાં આવતું હતું. રેણુકા પાણી માટે લડવા માગતી હતી પરંતુ તેની પાસે ન તો પૈસા હતા કે ન તો કોઈ તાકાત. રેણુકા કહે છે, ‘‘મેં વિચાર્યું કે મારે ચૂંટણીમાં ઊભા રહેવું જોઈએ. તો જ હું લોકો સાથે આ વિશે વાત કરી શકીશ, તો જ મારો અવાજ ઉઠાવી શકીશ.’’
રેણુકા આખરે સ્થાનિક ચૂંટણીમાં ઊભી રહી અને ગામની સરપંચ બની. પ્રથમ 2 વર્ષમાં તેમણે તેમનો મોટાભાગનો સમય ગામમાં 6 હેન્ડપમ્પ લગાવવા માટે લડવામાં પસાર કર્યો હતો પરંતુ મહિલાઓને તેનાથી ખાસ કોઈ ફરક પડ્યો ન હતો. તેમ છતાં મહિલાઓ પાણી લાવવામાં અડધો દિવસ પસાર કરતી હતી. ધીમે ધીમે હેન્ડપંપમાંથી નળ કનેક્શન માટે કોશિશ શરૂ કરી. રેણુકા એવું માનતી હતી કે, દરેક ઘરમાં નળ કનેક્શન હશે તો મહિલાઓ પરનો બોજ ઓછો થશે. આખરે રેણુકાએ એ પણ કરી દેખાડ્યું! આજે ગામના દરેક ઘરમાં નળના પાણીનું જોડાણ છે. જે સરકાર, વિવિધ NGO અને કેટલાક કોર્પોરેટ્સના ભંડોળની મદદથી સ્થાપિત કરવામાં આવ્યું છે.
બાદમાં રેણુકાએ NWCYD અને વોટર એઇડ સાથે મહિલા જળયોજના પર સહયોગ કર્યો, જ્યાં તેણીએ પાણીની ગુણવત્તાને સમજવાનું મહત્ત્વ મહિલાઓને શીખવ્યું કારણ કે તે જ નળના પાણીનો ગામમાં વપરાશ માટે ઉપયોગ થતો હતો. ગામમાં એક ડેમ પણ હતો, જાળવણીના અભાવે જેનો કોઈ ઉપયોગ થતો ન હતો. રેણુકાની આગેવાની હેઠળના ગ્રામજનોએ વિરોધ કર્યો, જેથી સરકારે ડેમની સફાઈ માટે ભંડોળ આપ્યું અને હવે તે કામ પણ થઈ રહ્યું છે. આજે ઘરોમાં જ પાણીની ઉપલબ્ધતાએ અહીંની મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. મહિલાઓના સમયનો બચાવ થતાં ઘણી વધુ તકોના દરવાજા ખૂલ્યા છે. મહિલાઓને જીવનમાં નવી તક આપી – પછી તે કૃષિ પ્રવૃત્તિઓમાં રોજગાર હોય કે પછી આગળનું શિક્ષણ.