National

‘હું ખેડૂતો સાથે હતો, છું અને તેમની સાથે રહીશ’- રાહુલ ગાંધી

નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શુક્રવારે રાજસ્થાનમાં એક રેલી દરમિયાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર ઉપર હુમલો કરીને કહ્યું હતું કે કાયદાઓ માત્ર ખેડુતો પર હુમલો નથી, પરંતુ 40 ટકા વસ્તી પર હુમલો છે. “અન્નદાતા” (ખેડુતો) ભારતના સારા ભવિષ્યની ખાતરી માટે શાંતિપૂર્ણ રીતે સંઘર્ષ કરી રહ્યા હોવાનું જણાવી રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘હું તેમની સાથે છું, હતો અને હંમેશા તેમની સાથે રહીશ.’. રાહુલ ગાંધીએ કહ્યુ કે તે હંમેશા ખેડૂતોની લડતમાં તેમનું સમર્થન કરશે.

ભાજપ (BJP) સરકારના ‘અચ્છે દિન’ સૂત્ર પર પાર્ટીને આડે હાથે લેતા રાહુલે કહ્યુ કે, “મોદી સરકારના સાચા કે સારા દિવસો નથી! આપણા અન્નદાતા (ખેડુતો) દેશના સારા ભવિષ્ય માટે શાંતિપૂર્ણ રીતે સંઘર્ષ કરી રહ્યા છે. હું તેમની સાથે હતો, તેમની સાથે છું અને તેમની સાથે રહીશ. ” રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત (CM Ashok Gehlot), રાજસ્થાનના પ્રભારી AICC જનરલ સેક્રેટરી અજય માકન, AICC જનરલ સેક્રેટરી (સંગઠન) કે સી વેણુગોપાલ, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ ગોવિંદ દોટાસરા અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ (Sachin Pilot) પણ હતા.

રાહુલ ગાંધી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે છે, અહીં તેમણે ખેડૂત આંદોલનના સમર્થનમાં અનેક રેલીઓ યોજી હતી. શુક્રવારે તેમણે રાજસ્થાનના હનુમાનગઢ અને શ્રી ગંગાનગર જિલ્લામાં ખેડૂત સભાઓ કરી હતી. તેઓ આજે અજમેર અને નાગૌર જિલ્લાના ખેડૂતોને સંબોધન કરશે. નાગૌર એ ખેડૂતોની રાજનીતિનું કેન્દ્ર છે. ખેડૂત પ્રભુત્વ ધરાવતા હનુમાનગઢ અને શ્રી ગંગાનગર જિલ્લા પંજાબ સાથે સરહદ ધરાવે છે.

રાહુલ ગાંધીએ પોતાની રેલી દરમિયાન ભાજપના ત્રણ નવા કૃષિ કાયદાઓની (farm bills) વારંવાર ટીકા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ કાયદા ઉદ્યોગકારોને અમર્યાદિત માત્રામાં અનાજની ખરીદી કરી શકશે અને તેમનો સંગ્રહ કરશે. જો કે જણાવી દઇએ થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ જ્યારે રાજ્યસભામાં કૃષિ કાયદાઓ વિશે ચર્ચા કરી હતી ત્યારે તેમણે 2005ની આસપાસ કોંગ્રેસનું જ એક નિવેદન કહી સંભળાવ્યુ હતુ જેમાં કોંગ્રેસ દેશમાં મંડીઓ હટાવવાની વાત કરી રહ્યુ હતુ.

ખેડુત વિરોધ પ્રદર્શનને (farmers’ protest) ટેકો આપતા રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે તે માત્ર ખેડુતોનું આંદોલન નથી, પરંતુ આખા દેશનું આંદોલન છે અને સરકારે કાયદાઓ રદ કરવા પડશે. શુક્રવારે, રાજવંશની રાજનીતિ અંગેની આલોચનાનો જવાબ આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમના કુટુંબનો કોઈ સભ્ય વડા પ્રધાન હોવાને 30 વર્ષ થઈ ગયા છે, અને ભારપૂર્વક કહ્યુ હતુ કે તેઓ પૂર્વ વડાપ્રધાનના પુત્ર હોવાના કારણે પોતાના વૈચારિક દૃષ્ટિકોણ માટે લડવાનું બંધ કરશે નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top