Comments

ભારતનો નિવૃત્ત જાસૂસ અમેરિકામાં હત્યાના કાવતરામાં સંડોવાયેલો હતો?

અમેરિકાની સૌથી મોટી તપાસ એજન્સી એફબીઆઈએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ભૂતપૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી વિકાસ યાદવને આરોપી બનાવ્યો છે. તપાસ એજન્સીએ આ કેસમાં વિકાસને વોન્ટેડ જાહેર કર્યો છે. હકીકતમાં ભારત સરકાર વિદેશનાં ખાનગી મિશનો પાર પાડવા માટે રિટાયર થયેલા ગુપ્તરોનો ઉપયોગ કરતી આવી છે. એફબીઆઈએ વિકાસ યાદવ પર અમેરિકન ધરતી પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડ્યંત્રમાં ભૂમિકા હોવાનો આરોપ મૂક્યો છે.

અમેરિકન પ્રશાસનનો દાવો છે કે ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. વિકાસ યાદવ મૂળ હરિયાણાનો છે. તેણે હરિયાણામાં જ અભ્યાસ કર્યો હતો. વિકાસ યાદવ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં પણ રહી ચૂક્યો છે. આ દિવસોમાં તેનો એક ફોટો સોશ્યલ મિડિયા પર વાયરલ થયો છે, જેમાં તે આર્મી યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિકાસ યાદવે RAW સહિતની ભારતની અન્ય ગુપ્તચર એજન્સીઓમાં કામ કર્યું છે.

આ વિવાદનો મુખ્ય ચહેરો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર છે, જેની ગયા વર્ષે કેનેડામાં હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા પાસે પુરાવા છે કે આ હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ છે. આ પહેલાં ગયા વર્ષે અન્ય એક ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. નિખિલ ગુપ્તાની ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે વિકાસ યાદવે પન્નુની હત્યા કરવા માટે નિખિલ ગુપ્તાને હિટમેન રાખવાનું કહ્યું હતું.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ ૧૭ ઓક્ટોબરે વિકાસ યાદવ વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. ભારતીય તપાસ ટીમ અમેરિકા પહોંચી ત્યારે આ આરોપો ઘડવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસ દરમિયાન વિકાસ યાદવ ભારત સરકારના કેબિનેટ સચિવાલયમાં કામ કરી રહ્યો હતો. આ સચિવાલય ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગનું કામ જુએ છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ FBI દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલા વિકાસ યાદવની ૧૦ મહિના પહેલાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દ્વારા હત્યાના પ્રયાસ અને અપહરણના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૩માં નોંધાયેલા કેસમાં વિકાસની સાથે અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે માર્ચમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને એપ્રિલ ૨૦૨૪માં વિકાસને જામીન મળી ગયા હતા. રોહિણીના રહેવાસી એક વેપારીએ ડિસેમ્બર ૨૦૨૩માં પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેના પરિચિતે નવેમ્બરમાં એક મહિના અગાઉ વિકાસ યાદવનો તેની સાથે પરિચય કરાવ્યો હતો અને કહ્યું હતું કે તે એક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

ઉદ્યોગપતિનું કામ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે સંબંધિત છે, તેથી તેના ઘણા સંપર્કો પશ્ચિમ એશિયામાં છે. વેપારીએ પોલીસને જણાવ્યું કે તેણે વિકાસનો મોબાઈલ નંબર એકબીજાને આપ્યો, જેથી તેઓ સંપર્કમાં રહી શકે. બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ. વેપારીની ફરિયાદ મુજબ વિકાસ વારંવાર તેના કામ અને મિત્રો વિશે પૂછતો હતો. તેના કહેવા મુજબ વિકાસે તેને એમ પણ કહ્યું હતું કે તે અંડરકવર એજન્ટ તરીકે કામ કરે છે, પરંતુ કામ અને ઓફિસની માહિતી ક્યારેય શેર કરવામાં આવી ન હતી.

વેપારીએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ ૧૧ ડિસેમ્બરે વિકાસ યાદવે તેને ફોન કર્યો અને કોઈ મુદ્દા પર ચર્ચા કરવા માટે લોધી રોડ પર આવવા કહ્યું હતું. જ્યારે તે લોધી રોડ પર પહોંચ્યો ત્યારે વિકાસની સાથે ત્યાં એક અન્ય વ્યક્તિ પણ હતી. પછી તેઓ બળજબરીથી વેપારીનું અપહરણ કરીને તેને ડિફેન્સ કોલોનીના ફ્લેટમાં લઈ ગયા હતા. ત્યાં વિકાસે તેને કહ્યું કે લોરેન્સ બિશ્નોઈએ તેને ખતમ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ પછી વિકાસના સાગરીતે વેપારીને માથામાં માર મારી તેની સોનાની ચેઈન અને વીંટી લઈ લીધી હતી. પછી વેપારીના કેફેમાં જઈને જે પણ રોકડ હતી તે લઈને વિકાસ અને તેના સાગરીતો નીકળી ગયા હતા. તેમણે વેપારીને રસ્તાના કિનારે છોડી દીધો હતો.

વેપારીએ આ મામલામાં દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. પૂછપરછ દરમિયાન વિકાસના ભાગીદારે જણાવ્યું કે તેનો સેકન્ડ હેન્ડ કારનો બિઝનેસ છે, જેમાં તેને નુકસાન થયું તેથી તે વિકાસ સાથે ષડ્યંત્રમાં જોડાયો હતો. વિકાસે કહ્યું કે તેના પિતા BSFમાં હતા. વિકાસે જણાવ્યું હતું કે જે દિવસે તે બિઝનેસમેનને મળ્યો હતો, તે દિવસે તેણે તેના દ્વારા પૈસા કમાવાની યોજના બનાવી હતી. દિલ્હી પોલીસે માર્ચ મહિનામાં આ કેસમાં FIR દાખલ કરી હતી અને વિકાસને એપ્રિલમાં જામીન મળી ગયા હતા. જો કે, વિકાસને ૨૨ માર્ચે જ વચગાળાના જામીન મળી ગયા હતા, પરંતુ ત્યાર બાદ તેને એપ્રિલમાં નિયમિત જામીન પણ મળી ગયા હતા.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે વિકાસ યાદવે પેઇડ મર્ડરનું કાવતરું ઘડ્યું હતું, જેને અમેરિકન તપાસ એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું હતું. અમેરિકાના આરોપમાં સહકાવતરાંખોર તરીકે વર્ણવાયેલા નિખિલ ગુપ્તાની ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે અમેરિકાની જેલમાં બંધ છે. વિકાસ યાદવને હાલમાં અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ફરાર ગણાવ્યો છે.

ગુરુવારે જાહેર કરવામાં આવેલી ૧૮ પાનાંની ચાર્જશીટમાં વિકાસ યાદવનો આર્મી યુનિફોર્મમાં ફોટો પણ સામેલ છે. વિકાસ યાદવની તસવીરો જાહેર કરતી વખતે એફબીઆઈએ કહ્યું છે કે ૧૯૮૪માં જન્મેલો વિકાસ યાદવ હરિયાણાના પ્રાણપુરાનો છે. ચાર્જશીટમાં વિકાસ યાદવને વરિષ્ઠ ફિલ્ડ ઓફિસર તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેણે અર્ધલશ્કરી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં કામ કરતાં શસ્ત્રોની તાલીમ લીધી છે.

નિખિલ ગુપ્તા અને વિકાસ યાદવ વચ્ચેના સંબંધો માટે આરોપ છે કે વિકાસ યાદવે અમેરિકાની ધરતી પર પન્નુની હત્યા કરવાનું કામ ગુપ્તાને સોંપ્યું હતું. ચાર્જશીટ મુજબ નિખિલ ગુપ્તા એક ભારતીય નાગરિક છે, જે આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ અને હથિયારોની હેરાફેરીમાં સામેલ છે. વિકાસ યાદવના કહેવા પર નિખિલ ગુપ્તાએ એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જે વાસ્તવમાં અમેરિકન તપાસ એજન્સીઓનો ગોપનીય સ્રોત નીકળ્યો હતો. હકીકતમાં નિખિલ ગુપ્તા દ્વારા જે વ્યક્તિનો સંપર્ક કરાયો તે હિટમેન તરીકે જાણીતો હતો, કે જેને આ વ્યક્તિએ પન્નુની હત્યાને અંજામ આપવા માટે રજૂઆત કરી હતી.

આવી સ્થિતિમાં ગુપ્તા અને યાદવે એક સહયોગી દ્વારા મેનહટનમાં આ હિટમેનને એડવાન્સ પેમેન્ટ તરીકે ૧૫,૦૦૦ યુએસ ડોલર આપ્યા હતા. તે જ સમયગાળા દરમિયાન કેનેડામાં એક અમેરિકન શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાં અને અન્ય શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે જોડાણ છે. ૧૮ જૂન, ૨૦૨૩ ના રોજ, ભારતના વડા પ્રધાનની મુલાકાતના થોડા દિવસો પહેલાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક શીખ ગુરુદ્વારાની બહાર એક માસ્ક પહેરેલા બંદૂકધારી દ્વારા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

નિજ્જરની હત્યાના એક દિવસ પછી નિખિલ ગુપ્તાએ અન્ડરકવર એજન્ટ એટલે કે હિટમેનને કહ્યું હતું કે નિજ્જર પણ અમારો એક ટાર્ગેટ હતો અને અમારે ઘણા ટાર્ગેટ છે. તે જ દિવસે યાદવે ગુપ્તાને સંદેશ મોકલ્યો કે રાહ જોવાની જરૂર નથી. વિકાસ યાદવ અને નિખિલ ગુપ્તા પર પૈસા લઈને હત્યા કરવાનો આરોપ છે. અમેરિકાના કાયદા મુજબ તેમાં મોટે ભાગે ૧૦ વર્ષની જેલની સજા થાય છે. ભાડેથી હત્યાનું કાવતરું ઘડવાની મહત્તમ સજા પણ ૧૦ વર્ષની છે. મની લોન્ડરિંગના કાવતરા માટે મહત્તમ સજા ૨૦ વર્ષની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top