અમેરિકામાં ફુડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જાહેર કર્યું છે કે હવેથી દરેક ખાદ્ય પેકેટની ઉપર સામેની બાજુ ઉપર જ ચેતવણીના લેબલ દર્શાવવાં ફરજિયાત છે. આ કાયદો ત્રણ વર્ષ પછી અમેરિકામાં તૈયાર થતા તમામ ખાદ્ય પદાર્થો ઉપર લાગુ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે ખોરાક દ્વારા તંદુરસ્તી પ્રાપ્ત થવી જોઈએ નહીં કે ખોરાકને કારણે વ્યક્તિઓ ડાયાબિટીસ, બ્લડપ્રેશર , હ્રદય રોગ કે કેન્સરના શિકાર બને. હાલને તબક્કે બજારમાં મળતા ખાદ્ય પદાર્થોમાં અતિશય પ્રમાણમાં ખાંડ , ચરબી, સોડિયમ કે મીઠાનું પ્રમાણ હોય છે જેને કારણે અમેરિકામાં ૬૦ ટકા લોકો ડાયાબિટીસ બ્લડપ્રેશર કે હૃદય રોગ કે કોઈ પણ એક રોગથી પીડાતા હોય છે.
પેકેટની સામે જ આ પ્રકારનાં લેબલ ( ચરબી, મીઠું,ખાંડ ,સોડિયમ- ઓછા, સામાન્ય કે વધારે પ્રમાણમાં ) હોવાથી લોકોમાં ખોરાક પ્રત્યે સજાગતા આવશે અને વધારે પડતાં નુકસાનકર્તા ખોરાક ખાવાનું તેઓ ટાળશે તો લોકોની તંદુરસ્તીમાં વધારો થશે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થ બનાવતી કંપનીઓએ પણ પોતાના ખોરાકમાં એ પ્રમાણે સુધારા લાવવા પડશે જેના કારણે તેઓની ખાદ્ય સામગ્રી તંદુરસ્ત બને. સરકારનું માનવું છે કે આ કાયદાને કારણે ૨૦૩૦ સુધીમાં ખોરાકને કારણે થતા રોગોમાં ઘટાડો નોંધાશે. ચીલી, મેક્સિકો , ફ્રાન્સ,ઇંગ્લેન્ડ , ઓસ્ટ્રેલિયા માં આ પ્રકારના લેબલનો કાયદો કાર્યરત છે જ. ભારત સરકારે પણ આ દિશામાં કદમ ઉઠાવવાં જોઈએ.
અમેરિકા – ડૉ. ચંદ્રેશ જરદોશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઇંટના ભઠ્ઠા નખ્ખોદ વાળશે
દક્ષિણ ગુજરાતમાં સહુથી વધુ ઇંટના ભઠ્ઠા મહુવા તાલુકાનાં ૭૯ ગામોમાં અવૈધ રીતે અવિરત ચાલી રહ્યા છે. એના માટે એટલું કહી શકાય આભ ફાટેલું હોય તો ક્યાં થીગડું મારવું ! તાલુકાનું કોઈ જ ગામ બાકી નથી . મહામૂલી જમીનનું ઉપલું ત્રણ ફૂટનું લેયર આના ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછીની જમીન ફળદ્રુપ નથી પણ બે પૈસાની લ્હાયમાં મોટા ભાગે ૧૦૦૦ થી વધુ ઇંટોના ભઠ્ઠાઓ ૭૩ એ વાળી જગ્યામાં ઈલિગલ દિવસ રાત ધુમાડો ઓકે છે. દિલ્હી સહુથી પ્રદૂષિત શહેર જાહેર થયું છે. મહુવામાં પણ પ્રવેશ કરશો તો હમણાં શિયાળો છે ને ધુમ્મસ હશે એમ થાય પણ ધુમાડાથી અહીં સ્વાગત થાય છે.
દિલ્હીથી અહીં ધુમાડો વધુ હશે ! કેન્સરની બિમારીમાં અહીં પંજાબ જેવી સ્થિતિ છે.સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડાં થઈ રહ્યાં છે.પણ કોણ જોવા વાળું છે? ને કોને પડી છે? માણસે તો પૈસા કમાવવા છે , કોઈ પણ ભોગે ! વિકાસની ગાડી અહીં પૂરપાટ દોડે છે , જીવનનાં હર સ્ટેશને ધુમાડો છે, પણ બધા મારું મારું માં વ્યસ્ત છે , કોને પડી છે? ઉકેલ પણ શક્ય ખરો – સરકારી તંત્ર જાગ્રત થાય , રાજકીય ઈચ્છાશક્તિ આવે ,લોકજાગૃતિ આવે , સામાજિક સંગઠનો જાગ્રત થાય ,મિડીયામાં પ્રચાર પ્રસાર થાય, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે , તો ઉકેલ શક્ય છે.
મહુવા – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)