ભરૂચ શહેરમાં આવેલ વોર્ડ નં.10 એટલે કે સૈયદવાડ, ફુરજા, ચાર રસ્તા, ફાટા તળાવ સહિતના વોર્ડના વિસ્તારોમાં જે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે. તે દૂષિત પાણી આપતા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ભરૂચ પંથકમાં ચોમાસું શરૂ થતાં જ નળમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો લોકોની વધી જતી હોય છે. વોર્ડ નં.10માં ગટરના પાણી ગંધાતા હોય છે તેમ નગરપાલિકા દ્વારા અપાતું પાણી પાણી દુર્ગંધ મારી રહ્યું છે તેવા સ્થાનિકો આક્ષેપ કરી શું આવું પાણી પીવાથી રોગચાળો નહીં ફેલાય તેવા પ્રશ્નો પાલિકા સત્તાધીશોને પૂછી રહ્યા છે.
હાલના વાતાવરણમાં બેવડી ઋતુને કારણે લોકોને વાઇરલ ઇન્ફેક્શન જેવી બીમારી થઈ રહી છે. ત્યારે આવું દૂષિત પાણી પીવાથી લોકોની બીમાર પડવાની શક્યતાઓ અનેકગણી વધી શકે છે. ફુરજા વિસ્તારના રહીશોએ અવારનવાર ગટર, રસ્તાઓને લઈ તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો છે, અને હવે પાણીને લઈને પણ રજૂઆતો કરવી પડી છે. પરંતુ તંત્રની જાણે કે ઊંઘ જ નથી ઊડતી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. જેથી તંત્ર જાગૃત બને અને વહેલી તકે પાણી શુદ્ધ મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.