World

ગલ્ફમાં યુદ્ધની આગ: જહાજમાં 10 ભારતીય નાવિકો

ઈરાનના હુમલાનો શિકાર બન્યું Sonangol Namibe ઓઈલ ટેન્કર,

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના તણાવ વચ્ચે ગલ્ફના સમુદ્રી માર્ગોમાં જોખમ વધુ વધી રહ્યું છે. તાજેતરમાં બહામાસ ધ્વજવાળું ક્રૂડ ઓઈલ ટેન્કર “Sonangol Namibe” ઈરાનના હુમલાનું નિશાન બન્યું હોવાનું આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ જહાજમાં 10 ભારતીય નાવિકો સવાર હતા. હાલમાં સુધી તેમની સુરક્ષા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

પ્રાથમિક માહિતી મુજબ, આ ટેન્કર ઈરાકના ખોર અલ ઝુબૈર બંદર નજીક લંગરબંધી કરીને ઉભું હતું ત્યારે વિસ્ફોટકોથી ભરેલી રિમોટ કંટ્રોલ બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ જહાજના હુલને નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જહાજમાં પાણી ઘૂસવાનું શરૂ થયું છે, પરંતુ કંપનીએ જણાવ્યું છે કે હાલ તે બેલેસ્ટ ટેન્કમાંથી પાણી લઈ રહ્યું છે અને જહાજને સ્થિર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


આ દરમિયાન ગલ્ફ વિસ્તારમાં બીજી એક ટેન્કર પર પણ મોટો વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. કુવૈત નજીક લંગરબંધી કરેલી ટેન્કરના ડાબા ભાગમાં વિસ્ફોટ થતા તે પાણી લેવા લાગી હતી અને સમુદ્રમાં તેલ લીક થવાનું શરૂ થયું હોવાનું પણ જણાવાયું છે.યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 9 જહાજો પર હુમલા થયાની માહિતી સામે આવી છે. આશ્ચર્યજનક રીતે આ તમામ જહાજોમાં ભારતીય ક્રૂ સભ્યો હાજર હતા. ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના અહેવાલ મુજબ હાલમાં 36 ભારતીય ધ્વજવાળા જહાજો પર્શિયન ગલ્ફ વિસ્તારમાં અને 3 જહાજો ગલ્ફ ઓફ એડન વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છે.

શિપ ટ્રેકિંગ પ્લેટફોર્મ MarineTraffic મુજબ ગલ્ફના તેલ ઉત્પાદક દેશોના કિનારે લગભગ 200 જેટલા જહાજો ખુલ્લા સમુદ્રમાં લંગરબંધી કરીને ઉભા છે, જ્યારે અનેક જહાજો હોર્મુઝ જળમાર્ગ બહાર અટવાઈ ગયા છે. હોર્મુઝ જળમાર્ગ વિશ્વના લગભગ 20 ટકા તેલ અને LNG સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે.આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અંદાજે 23,000 ભારતીય નાવિકો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નાવિક સંઘોએ ભારત સરકારને તાત્કાલિક પગલાં લેવા અને ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

આ સંઘર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ત્રણ ભારતીય નાવિકોના મોત પણ થયા છે. ગલ્ફમાં વધતા હુમલાઓને કારણે વૈશ્વિક તેલ પુરવઠા, વેપાર અને આંતરરાષ્ટ્રીય શિપિંગ પર મોટી અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top