Business

યુદ્ધ કોઈ પણ દેશના હિતમાં નથી હોતું

તથાકથિત મજબૂત મોદી સરકારથી અભિભૂત થઈ કેટલાંક ભક્તજનો એવું માને છે કે, પાકિસ્તાન અને પીઓકે પર કબજો કરવાનો આ સરસ મોકો છે. આમ તો આ ખ્યાલી પુલાવ જેવું લાગે છે. આજે કોઈ પણ દેશ પર હુમલો કરવો એ સરળ વાત નથી. રશિયા – યુક્રેન અને ઈઝરાયેલ – પેલેસ્ટાઈન એનાં તાજાં ઉદાહરણો છે. રશિયા મહાસત્તા હોવા છતાં નાનકડાં યુક્રેનનો ઘડોલાડવો કરી શક્યું નથી. પાકિસ્તાનના પીઓકે પર કબજો કરવો અને 370 ની કલમ નાબૂદ કરવી, એમાં આસમાન જમીનનો ફરક છે.  

કલમ 370ની નાબૂદી એ ભારત દેશની અંદરની બાબત કહેવાય, એનાથી બહારના દેશોને કોઈ ફરક પડતો નથી, છતાંયે પાકિસ્તાન અને તુર્કીએ 370 કલમની નાબૂદી વખતે પોતાનો વિરોધી કર્કશ અવાજ કાઢ્યો હતો.  જ્યારે પી.ઓ.કે. અત્યારે પાકિસ્તાનના કબજા હેઠળ છે, તેથી પીઓકેને મેળવવા માટે જો કોઈ લશ્કરી કાર્યવાહી થાય તો કેટલાંક મુસ્લિમ રાષ્ટ્રો કાગારોળ મચાવી મૂકે એમ છે અને એના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો પણ પડ્યા વગર રહે નહીં, એટલું જ નહીં, ચીન પાકિસ્તાનની પડખે ઊભું રહી જશે, કારણ કે ચીનનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ “વન બેલ્ટ વન રોડ” નો કેટલોક હિસ્સો પીઓકેમાંથી પસાર થાય છે. આવા વખતે ચીન પાકિસ્તાનને પાછલા બારણે લશ્કરી સહાય પૂરી પાડશે જ. (જેમ અત્યારે યુક્રેનને અમેરિકા સહાય પૂરી પાડે છે એમ)  આમેય છેલ્લા ઘણા વખતથી ચીનની આડાઈ અને અવળચંડાઈએ જોર પકડ્યું છે. 

પાકિસ્તાન ભલે અત્યારે ખસ્તાહાલ હોય. (કેટલાક અંધ ભક્તો પાકિસ્તાનની વર્તમાન કંગાલિયતનું શ્રેય પણ નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે.)  ધારો કે એક બંગલા (ભારત) પર બોમ્બ પડે અને એક ઝૂંપડાં (પાકિસ્તાન) પર બોમ્બ પડે, તો ગુમાવવાનું અને  ખુવાર થવાનું બંગલાવાળાને જ આવે, ઝૂંપડાવાળાને કશું ગુમાવવાનું હોય નહીં.  એટલે યુદ્ધ થાય તો ભારત દેશને જ વધુ નુકસાન થાય, પાકિસ્તાન તો આમેય મરવા પડ્યું છે.(મરતા ક્યા ન કરતાં)  યુદ્ધ થાય ત્યારે વાસ્તવિક ચિત્ર હંમેશા બિહામણું જ હોય છે.  યુદ્ધનું પરિણામ એટલે કેવળ વિનાશ. પીઓકે પર કબજો કરવા માટે સત્તર વખત વિચાર કરવો પડે, તો પાકિસ્તાન પર કબજો કરવો એ તો અત્યારે દીવા સ્વપ્ન જેવું લાગે છે. થોડાક વખત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત – પાક ભાગલાને “વિભાજન વિભીષિકા દિન” તરીકે ઉજવવાની આહલેક  કરી હતી. એટલે પ્રશ્ન અત્યારે એ ઊઠે છે કે ભારતમાં વસતાં મુસ્લિમો જો એમને ખપતાં ન હોય તો પાકિસ્તાનનાં મુસ્લિમો ભારતમાં ભળે તો શું એમનો સ્વીકાર થાય ખરો?
સુરત     – પ્રેમ સુમેસરા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top