Charchapatra

પાકિસ્તાન સામે યુધ્ધ

પહેલગામ કાશ્મીરનાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપે છે એ જાહેર થઇ ગયું છે. સરકારની એજન્સીઓ પણ હરકતમાં આવી ગઇ. ખેર, આ પરિસ્થિતિ સામાન્ય માણસના વિચારોથી પરે છે કે નથી એ વ્યકિતગત લાગણીઓનો વિષય છે. આજના સમય અને પરિસ્થિતિમાં યુધ્ધ કરવું એ આસાન છે? રશિયા યુક્રેન યુધ્ધ ત્રણ વર્ષથી ચાલે છે. રશિયા મહાસત્તા હોવા છતાં યુક્રેન મચક આપતું નથી. તો શું પાકિસ્તાન વગર વિરોધે સરેન્ડર કરે? એને તો ચીનનું સમર્થન પણ છે.

પ્રથમ પોતાની આર્થિક હાલતનું ધ્યાન રાખવું પડે. વિકાસ માટે ઝઝૂમતા ભારતને શું યુધ્ધ પરવડી શકે? માની લીધું કે પાકિસ્તાનને હરાવવું મુશ્કેલ નથી પણ જીત્યા પછી શું? પાકિસ્તાનની પ્રજા કે  એના લશ્કરનું શું? એમને કેવી રીતે સંભાળી શકાય? આના કરતાં તો આજની પરિસ્થિતિનો ફાયદો લઇ પીઓકે લઇ લેવું જેથી એક દિશામાં ચિંતા ઓછી થાય. ખેર, આ મારા જેવા સામાન્ય માણસના વિચાર છે. મોદી કોઇ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાવાળા છે. આવનારા સમયમાં ભારત પોતાના વિકાસ પ્રત્યે વધુ ધ્યાન આપે એ જ આશા.
હૈદ્રાબાદ           – જીતેન્દ્ર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ડિજીટલ આમંત્રણની બોલબાલા
ડિજીટલ યુગમાં કોઇપણ કામમાં સમયનો બચાવ ઘણો થાય છે એ વાત સાચી તેથી જ લગ્ન કે કોઇપણ પ્રકારના ઇવેન્ટ-પ્રોગ્રામ હોય તો ફક્ત વોટ્સઍપના માધ્યમથી આમંત્રણની ઇમેજ મુકી દેવામાં આવે છે. પરંતુ લગ્ન જેવા પ્રસંગમાં વોટ્સએપ દ્વારા આમંત્રણમાં પહેલા જેવો ભાવ જોવા નથી મળતો. છતા પણ જો વ્યક્તિને પ્રસંગમાં બોલાવવા માટેનો ભાવ દેખાડવો હોય તો વોટ્સઍપ ઇમેજની સાથે એક ફોન કરવાનો આગ્રહ હોવો જોઇએ.

ફોનથી કરવામાં આવેલ આમંત્રણમાં થોડો ભાવ કે રીસ્પેક્ટ જોવા મળે. હવે એ જમાના ગયાં કે ઘરની સ્ત્રીઓ સારાસારા કપડાં પહેરી આમંત્રણો આપવા જતી, એમાં એક હરખ જોવા મળતો. હવે તો પુત્ર કે પુત્રીનાં લગ્ન માટે લગભગ એક વરસ કે છ માસ પહેલા મુહૂર્ત જોવડાશે પણ આમંત્રણ આપવાનું હોય તો કહેવામાં આવે કે ટાઇમ જ નથી. ચાલો કંઇ નહિ જમાના સાથે બદલાવુ પડે પણ એક ફોન કરીને આમંત્રણ આપવું એટલુ જ તો કરી જ શકાય. વોટ્સઍપ ઇમેજ સાથે ફોનની આવશક્યતા જરૂરી છે.
સુરત     – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top