કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ પસાર કર્યું. સરકારને NDAના તમામ ઘટક પક્ષોનો ભારે ટેકો મળ્યો અને 288 સાંસદોએ બિલના પક્ષમાં મતદાન કર્યું. તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. આ સાથે બિલને રાજ્યસભામાં પ્રવેશવાનો માર્ગ મોકળો થયો. કેન્દ્રીય લઘુમતી મંત્રી કિરેન રિજિજુએ ગુરુવારે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું. જોકે વકફ સુધારા બિલ 2024 ની વાસ્તવિક કસોટી આ ગૃહમાં હતી. રાજ્યસભામાં NDA ની બહુમતી જરૂરી સંખ્યા પર સ્થિર છે. આવી સ્થિતિમાં ગઠબંધનમાં સામેલ કોઈપણ પક્ષના કોઈપણ સાંસદનું આંદોલન બિલ પસાર થવાના માર્ગમાં અવરોધ બની શકે તેમ હતું.
દરમિયાન બીજુ જનતા દળ (BJD) એ વક્ફ સુધારા બિલ સામે પોતાનું વલણ બદલ્યું. પાર્ટીના સાંસદ સસ્મિત પાત્રાએ કહ્યું છે કે વક્ફ બિલ માટે પાર્ટી દ્વારા કોઈ વ્હીપ જારી કરવામાં આવ્યો ન હતો. સાંસદો તેમના અંતરાત્માના અવાજને સાંભળી રાજ્યસભામાં વક્ફ બિલ પર મતદાન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે લોકસભામાં વકફ સુધારા બિલ પર ચર્ચા પહેલા બીજેડી એ તેનો વિરોધ કરવાની વાત કરી હતી. જોકે નિર્ણયમાં ફેરફારને કારણે રાજ્યસભામાં વિપક્ષની સ્થિતિ નબળી પડી ગઈ. રાજ્યસભામાં બીજેડીના 7 સાંસદો છે. પહેલા તેમની ગણતરી વિરોધ પક્ષમાં થતી હતી. આવી સ્થિતિમાં વક્ફ બિલ પર વિપક્ષની તાકાત વધુ નબળી પડવાની ખાતરી છે.
બીજેડી એ શું કહ્યું?
બીજેડી સાંસદ સસ્મિત પાત્રાએ કહ્યું કે બીજુ જનતા દળે હંમેશા ધર્મનિરપેક્ષતા અને સમાવેશકતાના સિદ્ધાંતોને સમર્થન આપ્યું છે, બધા સમુદાયોના અધિકારો સુનિશ્ચિત કર્યા છે. વક્ફ (સુધારા) બિલ, 2024 અંગે લઘુમતી સમુદાયોના વિવિધ વર્ગો દ્વારા વ્યક્ત કરાયેલી વિવિધ લાગણીઓનો અમે ઊંડાણપૂર્વક આદર કરીએ છીએ. અમારા પક્ષે આ વિચારોને કાળજીપૂર્વક ધ્યાનમાં લીધા પછી રાજ્યસભામાં અમારા માનનીય સભ્યોને ન્યાય, સંવાદિતા અને તમામ સમુદાયોના અધિકારોના શ્રેષ્ઠ હિતમાં તેમના વિવેકનો ઉપયોગ કરવાની જવાબદારી સોંપી.
રાજ્યસભામાં વક્ફ બિલને સમર્થન આપવાનું ગણિત શું છે?
રાજ્યસભામાં કુલ 245 સાંસદો હોઈ શકે છે. જોકે હાલમાં ગૃહમાં 236 સાંસદો છે. 9 બેઠકો ખાલી છે. રાજ્યસભામાં કુલ 12 સાંસદોને નોમિનેટ કરી શકાય છે પરંતુ હાલમાં તેમની સંખ્યા 6 છે. આ સંદર્ભમાં રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ પસાર કરવા માટે 119 સાંસદોના સમર્થનની જરૂર પડે.
