National

વકફ બિલને કેબિનેટની મંજૂરી મળી, સરકાર 10 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં રજૂ કરી શકે છે

આજે ગુરુવારે તા. 27 ફેબ્રુઆરીએ કેબિનેટે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી. JPC રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે. તેને સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ સુધારાઓને 19 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. વકફ બિલ સૌપ્રથમ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું.

જોકે વિપક્ષના વિરોધને કારણે તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું. પાછળથી કેટલાક સુધારાઓ પછી જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની આ સમિતિએ સરકારને અહેવાલ સુપરત કર્યો. ત્યાર બાદ 13 ફેબ્રુઆરીએ, વક્ફ બિલ પર સંસદીય સમિતિનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સમિતિના અહેવાલના આધારે વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ બિલ બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરી શકાય છે. બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે.

તમને જણાવી દઈએ કે અગાઉ વક્ફ બિલ પર JPC રિપોર્ટને નકલી ગણાવતા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે આવા નકલી રિપોર્ટને સ્વીકારતા નથી. ગૃહ તેને ક્યારેય સ્વીકારશે નહીં.

JPC એ 29 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી
સંસદીય સમિતિએ 29 જાન્યુઆરીએ વક્ફ બિલમાં નવા ફેરફારો અંગેના તેના અહેવાલને મંજૂરી આપી હતી. આ અહેવાલના પક્ષમાં 15 અને વિરોધમાં ૧૪ મત પડ્યા. ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વિપક્ષી સાંસદોએ અસંમતિ નોંધ રજૂ કરી હતી, અને તેને વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વકફ બિલ અંગે વિપક્ષે અનેક વાંધાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત ‘વક્ફ બાય યુઝર’ જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top