સચોટ અમલીકરણ થાય તો ‘ઉમ્મીદ’ બર આવશે, નહીંતર નવા પ્રશ્નોના ભડકા
વકફ સુધારા બિલને લોકસભામાં મંજૂરી મળી અને ગુરુવારે રાજ્યસભામાં પણ નરેન્દ્ર મોદીના આ મહત્વાકાંક્ષી બિલને પસાર કરવામાં આવ્યું. લોકસભામાં 288 સાંસદોએ બિલને ટેકો આપ્યો જ્યારે 232 એ તેના વિરોધમાં મત આપ્યો અને રાજ્યસભામાં વકફ બિલની તરફેણમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. વકફના વિવાદનો ઈતિહાસ મોટો છે. ભાજપા સરકારે 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી ઘણીબધી બાબતોમાં રાતોરાત નિર્ણય લઇને ધરમૂળથી ફેરફાર કર્યા છે. આમ તો આ યાદી લાંબી છે પણ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જો દૂર કરાયા પછી કંઇક ચોંકાવનારું (આમ તો આ થવાનું હતું તેવી વકી હતી જ છતાં ય) અને ખાસ્સી એવી હલચલ પેદા કરનારું પગલું છે વકફ સુધારા બિલને લોકસભામાં પસાર કરવું. આ મોટી હોળી છે જેમાં એક પછી એક વિચાર, વિવાદ, અભિપ્રાય, વિરોધ, પ્રતિરોધી વિધાનોનાં નારિયળો હોમાતા રહેશે.
વકફ બિલમાં આવેલા મોટા ફેરફારમાં મુખ્ય ત્રણ બાબતો છે – એક તો એ કે સંરક્ષિત સ્મારકોને વકફની સંપત્તિ ગણવામાં નહીં આવે. આ સંશોધન અનુસાર જે સંરક્ષિત સ્મારકો વકફની સંપત્તિ ગણાતા તે હવે વકફની નહીં પણ સરકારની સંપત્તિ કહેવાશે. કોઈપણ સંરક્ષિત સ્મારકને ભવિષ્યમાં પણ વકફમાં સામેલ નહીં કરાય. ઘણા રાજ્યોમાં થઇને લગભગ 200 જેટલા સ્મારક છે જે રાજ્ય સરકારની એજન્સી અથવા તો આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા હેઠળ સંરક્ષિત છે પણ તેમને વકફની સંપત્તિ પણ ગણાય છે હવે તે બધાં વકફની સંપત્તિ નહીં ગણાય અને આ સંરક્ષિત સ્મારકો સંપૂર્ણ રીતે સરકાર હેઠળ ગણાવશે. વકફનો દાવો જેની પર છે એવા સંરક્ષિત સ્મારકોમાં દિલ્હીનો પુરાના કિલા, કુતુબ મિનાર, સફદરજંગનો મકબરો અને હુમાયૂનો મકબરો પણ સામેલ છે – હવે આ દાવા ઠાલા થઇ જશે. બીજું એ કે આદિવાસી વિસ્તારની જમીનને વકફની સંપત્તિ જાહેર નહીં કરી શકાય. જે પણ વિસ્તાર આદિવાસી ક્ષેત્રમાં આવતો હશે ત્યાંની કોઈપણ સંપત્તિ વકફમાં સામેલ નહીં કરાય. સરકારનું કહેવું છે કે આ એટલા માટે કરાઈ રહ્યું છે જેથી આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે. ત્રીજી મહત્વની બાબત એ છે કે વકફ બોર્ડના જે પણ નિર્ણયો હશે તેની છણાવટ સરકારી સ્તરે થશે. વકફ બોર્ડનો જે પણ નિર્ણય હશે તેને લાગુ કરવો કે નહીં તેની વિચારણા થશે અને 45 દિવસની મુદતમાં, સમીક્ષા અને ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે.
આ મુખ્ય બાબતો છે એમ કહી શકાય, બાકી ઘણા બીજા ફેરફાર છે. ભાજપાના માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરેન રિજીજૂએ એવી જાહેરાત કરી કે વકફ બિલનું નામ બદલીને “યૂનિફાઇ્ડ વકફ મેનેજમેનેટ એમ્પાવરમેંટ, એફિશયન્સી એન્ડ ડેવલપમેન્ટ (UMEED) બિલ”કરી દેવાશે. (આમ પણ નામ બદલવામાં ભાજપા સરકાર પહેલા નંબરે છે) રિજીજૂએ એ પણ કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારે પાંચમી માર્ચ 2014ના રોજ 123 મહત્ત્વની સંપત્તિઓને વકફ બોર્ડને ટ્રાન્સફર કરી દીધી હતી અને આ મૂળ તો લઘુમતિના મત મેળવવા કરાયું હતું પણ છતાં ય કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ. રિજીજૂનું કહેવું હતું કે જો આ સુધારા બિલ રજૂ ન થયું હોય તો કાલે ઉઠીને આ સંસંદ ભવન પણ વકફની સંપત્તિ છે એવો દાવો કરાયો હોત. આ તરફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે વકફ મિલકત ખાનગી છે. જ્યારે આ કાયદા પછી, સરકાર તેને સરકારી મિલકત માની શકે છે. તેમનો દાવો છે કે દસ્તાવેજ વિના વકફ મિલકતોની નોંધણી થઈ શકતી નથી. અને જો નોંધણી નહીં હોય તો સરકાર તે મિલકતો છીનવી લેશે. આવું તો ઘણું બધું જુદા જુદા રાજકારણીઓએ કહ્યું અને આ દોર હજી થોડો વખત તો ચાલવાનો જ છે.
ભૂતકાળમાં વકફને કારણે મુસલમાનોને આર્થિક સામાજિક સેવાઓ અને મદદ મળ્યાં છે. પરંતુ હવે એ સરળતા નથી રહેવાની. એક અભિપ્રાય એ પણ છે કે આ બિલને કારણે યુનિફોર્મ સિવિલ કોડનું ઉલ્લંઘન થાય છે અને ધાર્મિક વિભાજનને પ્રોત્સાહન મળે છે. અમુક ફેરફારો ખરેખર પ્રશંસનીય છે જેમ કે ઇસ્લામના કાયદાના નિષ્ણાતને વકફ ટ્રિબ્યુનલમાં પુનઃસ્થાપિત કરાયા છે, મુસ્લિમ મહિલાઓને પણ બોર્ડમાં રાખવાની વાત કરાઈ છે વગેરે.
આખી વાત અંતે તો જમીન માલિકીની છે. વકફની પાસે અધધધ મિલકતો છે. આખા વિવાદની મધ્યે છે એવી 8.7 લાખ સંપત્તિઓ જે 9.4 લાખ એકરમાં ફેલાયેલી છે જેની પર વકફનો અધિકાર છે. વકફ – એ ઇસ્લામ ધર્મમાં ધાર્મિક કાર્ય માટે, દાન ધર્માદા એટલે કે સખાવતના કામ માટે ઇશ્વરને દાન કરવામાં આવતી ચળ કે અચળ સંપત્તિને કહેવાય છે. એકવાર તમે તમારી એ સંપત્તિ ઇશ્વરને નામ કરી દીધી પછી તમે કે તમારી આવનારી પેઢીઓ સુધ્ધાં એની પર કોઇ દાવો ન કરી શકે. દેશમાં જમીન માલિકીને મામલે ત્રીજા નંબરે આવતા વકફ બોર્ડ પાસે આટલી બધી મિલકત છે પણ પૈસાને મામલે તો બોર્ડ ઠનઠન ગોપાલ છે. વકફ બિલમાં આમ તો થોડા વર્ષો પહેલાં જ સુધારા આવ્યા હતા. હવે જોવું એ રહ્યું કે કોર્ટ આખી બાબતને બંધારણીય રીતે કેવી રીતે માપે છે અને શું સરકારને જાહેર નીતિની ઉદ્દેશની વાત કરે છે તેની સાથે તેનો તાલ બેસશે કે કેમ?
બીજી કોમોની ધાર્મિક સંપત્તિઓ કરતાં વકફની સંપત્તિ પર પર સરકારી નિયંત્રણ વધારે છે. સરકાર ધારે તો વકફ બોર્ડને આદેશ તો કરી જ શકે છે પણ તેની ઉપરવટ જઈને પણ કામ કરી શકે છે. વકફ બોર્ડને લગતા કાયદામાં આઝાદી પહેલાના સમયથી ફેરફાર આવતા રહ્યા છે કારણકે તેની કામગીરીમાં વિશ્વસનિયતા અને પારદર્શિતા લાવી શકાય. આ બિલ બિન મુસલમાનોને વકફમાં દાન કરવાથી પ્રતિબંધિત કરે છે. નવા બિલની જોગવાઈ અનુસાર એવી જ વ્યક્તિ વકફને દાન આપી શકે જેણે સળંગ પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કર્યું હોય. વકફ બોર્ડને મળતા યોગદાનનું પ્રમાણ સાત ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયું છે. આ તમામ ફેરફારોને કારણે મિલકતના અધિકારોનું ઉલ્લંઘન થશે, ધાર્મિક સ્વતંત્રતાના પ્રશ્નો ખડા થશે અને તેની કામગીરી નબળી પડશે એવી શક્યતાઓ આ બિલના વિરોધીઓએ દર્શાવી છે.
આ તરફ અમિત શાહે લોકસભામાં કહ્યું કે જો 2013નો સુધારો પસાર ન થયો હોત તો આજે આ સુધારો લાવવાની જરૂર ન પડી હોત. કોંગ્રેસ સરકારે દિલ્હી લુટિયન્સની 125 મિલકત વકફને આપી દીધી. અમિત શાહે કહ્યું, ‘‘2013માં તુષ્ટિકરણ માટે રાતોરાત વકફને અતિક્રમી દેવાયું. હિમાચલ પ્રદેશમાં, વકફ મિલકત તરીકે જાહેર કરાયેલી જમીન પર ગેરકાયદેસર મસ્જિદો બનાવવામાં આવી હતી. તમિલનાડુમાં 1500 વર્ષ જૂના મંદિરની જમીન વકફને આપવામાં આવી હતી. તેમણે કર્ણાટકની એક સમિતિનો રિપોર્ટ ટાંકીને કહ્યું કે વકફની 29,000 એકર જમીન વ્યવસાયી ઉપયોગ માટે આપી દેવાઈ હતી તો 2001થી 2012 વચ્ચે વકફની અંદાજે 2 લાખ કરોડની સંપત્તિ ખાનગી સંસ્થાનોને 100 વર્ષની લીઝ પર ભાડે આપી દેવાઈ છે. તમિલનાડુના 1500 વર્ષ જૂના તિરુચેન્ડુર મંદિરે 400 એકર જમીન વકફને આપી દેવાઈ હતી, તો પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ પાર્ક પર પણ વકફે દાવો કર્યો હતો. હરિયાણામાં ગુરુદ્વારાની જમીન પણ વકફે પોતાની સંપત્તિ તરીકે જાહેર કરી તો તેલંગાણામાં રૂપિયા 66,000 કરોડની 1700 એકર જમીન વકફે ખોટી રીતે પચાવી પાડી હોવાનું પણ તેમણે કહ્યું. અમિત શાહના મતે ખ્રિસ્તિઓની સંપત્તિઓ પર પણ 2013ના વકફ બિલની અસર થઈ છે. 2025નું વકફ સુધારા બિલ જાહેર મિલકતનો બચાવ કરશે, ખોટો ઉપયોગ અટકાવશે અને ગરીબ મુસલમાનોને તેનાથી મદદ મળશે. વકફની જમીન ધર્મની છે પણ તેમાં જોડાયેલા લોકો ધાર્મિક હોય તે જરૂરી નથી અને માટે જ ભાજપા સરકારને મતે આ સંપત્તિઓના દુરુપયોગને અટકાવવા માટેના આ ફેરફાર છે.
ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં એ વાત લખી હતી કે 2006ની સચ્ચર કમિટીના અહેવાલ અનુસાર વકફ બોર્ડની સંપત્તિનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તેઓ 12000 કરોડની આવક મેળવી શકે પણ એ દિશામાં કામ કરવાની કોઈને પડી નથી.
…અનુસંધાન પાના નં. 3
કરોડોની સંપત્તિ એવા લોકો પાસે છે જેમણે પોતે પાંચ લાખની મિલકતની લે-વેચ પણ નથી કરી. વકફ બોર્ડના વહીવટકર્તાઓ ભ્રષ્ટાચારમાં ગરકાવ છે અને જમીન ઓછા ભાવે ભાડે આપવાથી માંડીને પોતાનો ધંધો ચાલુ કરી દેનારા લોકો ત્યાં બેઠા છે. આ જ સચ્ચર કમિટીના અહેવાલ મુજબ વકફની મિલકતમાં સરકારથી માંડીને ખાનગી ઠેકેદારોએ જમીન ગુપચાવી લીધી હોય એવા કિસ્સા પણ બન્યા છે અને આ પણ એક કારણ છે જેનાથી વકફની સંપત્તિથી આવક કમાવી મુશ્કેલ થઇ જાય. ગામડાંની સંપત્તિ આંતરિયાળ વિસ્તારોમાં હોય તો ત્યાં બીજી સમસ્યા હોય અને શહેરોમાં તો કોઇપણ જમીન પર એકથી વધારે ગુંચવાડા હોવાના જ. જ્યાં વકફ બોર્ડમાં જવાબદાર અને પ્રામાણિક લોકો છે ત્યાં મામલાઓ કોર્ટમાં અટકેલા છે. ખાટલે મોટી ખોડ એ છે કે વકફની સંપત્તિનો યોગ્ય ઉપયોગ થયો જ નથી. જો એમ થયું હોત તો માત્ર એક ધર્મના નહીં અન્ય ધર્મના લોકોને પણ ગરીબીમાંથી છૂટકારો મળી શકત.

