રોજ ઊઠીને વર્તમાનપત્રો વાંચો તો અપરાધો થયાના સમાચાર ઢગલેબંધ વાંચવા મળશે.હવે આ ગુનાઓનું પ્રમાણ ઘટવાને બદલે વધતું કેમ જાય છે? તેનું કારણ છટકબારીવાળા કાયદાઓ છે જેને લીધે ભાગ્યે જ કોઈને સજા થાય છે. આનો કોઈ ઉપાય ખરો કે નહીં? હા,ચોક્કસ છે. પહેલાં તો જ્યાં જ્યાં સી સી ટી વી કેમેરા લાગ્યા હોય અને તેના દ્વારા ગુનો પુરવાર થતો હોય તો તેવા કિસ્સાઓમાં કેસ ચલાવ્યા વગર તરત ગુનેગારને કડકમાં કડક સજા કરો.
જો ગુનો જઘન્ય હોય તો તાત્કાલિક ફાંસી આપો.જો આવું બે ચાર કિસ્સામાં બનશે તો આ લખનારનું માનવું છે કે ગુના થવાના પ્રમાણમાં ૭૫ થી ૮૦ ટકા જેટલો ફેર પડી જશે.બીજું કોઈ પણ કેસમાં જે તારીખ પડી હોય તે કેસ તે તારીખે ચાલવો જ જોઈએ. જો બેમાંથી કોઈ પણ પક્ષ તારીખ માંગે તો તારીખ આપવાને બદલે એકપક્ષી નિર્ણય લઈ લેવામાં આવશે એવી સૂચના આપો અને તેનો કડકાઈથી અમલ કરો અને પછી જુઓ કેવો અને કેટલો જબરદસ્ત ફેર પડે છે કે નહીં? અને આવું થાય તો તેમાં અત્યારના કોઈ કાયદાનો ભંગ થતો નથી તે નિર્વિવાદ હકીકત ગણાવી જોઈએ.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભૂલી ગયા ગુજરાતી ભાષા
છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી ગુજરાત પધારે છે. બહુ ધ્યાનથી ત્રણેક પ્રવચનો સાંભળ્યાં, સાંભળતાં અહેસાસ થયો કે PM Gujarati સાવ ભૂલી ગયા. વડનગર (ગુજરાત) રહેઠાણ, અભ્યાસ વડનગરમાં જ, વ્યવસાય સુધ્ધાં વડનગરમાં છતાં આમ કેમ? શરૂઆત કેમ છો બધાંથી થાય? અને વકતવ્યનું ગીઅર બદલાઈ હિન્દીમાં આવી પડે. સ્વ ભાષા તે પણ માતૃભાષાનું લોહી કેમ ઠંડુ પડી જાય છે? પરપ્રાંતના લીડરો, મરાઠી, તેલુગુમાં જ ભાષણ આપે છે. ગુજરાતમાં PMને એમને સાંભળનારા 90% થી 95% છે અને ગુજરાતી ભાષાને લાત મારવાની જરા, નર્મદ યાદ કરો. સ્વદેશમાં ફરતાં હિન્દી બરાબર લાગે, પરંતુ માતૃપ્રદેશ, માતૃભાષા કેમ ભૂલાય. સમસ્ત દેશમાં આવું દૃશ્ય જોવા મળે છે એનું કારણ છે. સમસ્ત પ્રવચન ગુજરાતની ધરતી પર ગુજરાતમાં જ હોવું જોઈએ.
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.