બેન, તને તો ખબર છે, તું USA સિટિઝન બની છે અને હવે જો તું મારા માટે ફૅમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરશે તો એની હેઠળ વિઝા મેળવતાં મને 15-17 વર્ષ લાગશે. ત્યાં સુધીમાં તો હું બૂઢો થઈ ગયો હોઈશ.’’ કલોલમાં રહેતા કાન્તિએ એની અમેરિકન સિટિઝન બેન કલ્પનાને ફોન ઉપર કહ્યું.
‘‘જા જા ભાઈ, તું માંડ 22નો છે. 15 વર્ષ વાટ જુએ તોયે તું કંઈ બૂઢો નહીં થઈ જાય.’’ કલ્પનાએ એના ભાઈને ગણતરી કરીને જવાબ આપ્યો.

‘‘ના બેન, ગ્રીનકાર્ડ મેળવવા માટે મારે આટલો બધો લાંબો સમય વાટ નથી જોવી. તું મારા માટે સરસ મજાની અમેરિકન સિટિઝન છોકરી શોધી કાઢ. એની જોડે લગ્ન કરતાં મને એક વર્ષની અંદર જ ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડ મળી શકશે.’’
‘‘અરે, એમ કંઈ અમેરિકન સિટિઝન છોકરીઓ રસ્તામાં પડી છે?’’
‘‘બેન, મને એ બધી જ વાતની ખબર છે. તું અમેરિકન સિટિઝન યુવતીને શોધી કાઢ. ભલે ને પછી એ નિગ્રો હોય, કાળિયણ હોય, આપણે એને 25-50 હજાર ડૉલર આપીને બનાવટી લગ્ન કરશું. મને ગ્રીનકાર્ડ મળી જાય, એ કાયમનું થઈ જાય ત્યાર બાદ હું એનાથી છૂટાછેડા લઈ લઈશ.’’
ભારતના અનેક યુવકો, ફક્ત યુવકો જ નહીં, યુવતીઓ પણ આવું વિચારે છે અને અમલમાં પણ મૂકે છે. આવાં બનાવટી લગ્નોની સંખ્યા ખૂબ જ વધી જતાં અમેરિકાની સરકારે ‘ધ મૅરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ ઍક્ટ’ દાખલ કર્યો. જેની હેઠળ સાથે જીવન જીવવા માટે નહીં, પણ ફક્ત ગ્રીનકાર્ડ મેળવવા માટે, પૈસા આપીને, બનાવટી લગ્ન કરનારાઓને પાંચ વર્ષ સુધીની જેલ અને 50 હજાર ડૉલરનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આમ છતાં કાન્તિ જેવા ભારતના યુવકો અને એના જેવી જ યુવતીઓ બનાવટી લગ્નો કરે છે અને પકડાઈ જતાં પોશ પોશ આંસુએ રડે છે. અમેરિકન સિટિઝન જોડે બનાવટી લગ્ન કરતાં, એ સિટિઝન, એ પરદેશી માટે ‘ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી’ હેઠળ પિટિશન દાખલ કરે છે. આની જાણ થતાં એ પિટિશન અપ્રુવ કરવામાં આવ્યું હોય તોયે પરદેશી બેનિફિશિયરીને ઈમિગ્રન્ટ વિઝા આપવામાં નથી આવતા. એટલું જ નહીં, પણ એમણે ગ્રીનકાર્ડ મેળવવા માટે છેતરપિંડી આચરી છે એવું જણાવીને એમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારના વિઝા ઉપર, આઠ લાખ ડૉલરનું રોકાણ કરીને ‘ઈબી-૫ પ્રોગ્રામ’ હેઠળ પિટિશન દાખલ કર્યું હોય અને એ એપ્રૂવ થયું હોય તોયે અમેરિકામાં પ્રવેશવા ન દેવા એવો મનાઈ હુકમ ફરમાવવામાં આવે છે. એમ કહેવાય છે કે લગ્ન તો સ્વર્ગમાં રચાય છે, પણ જો તમે અમેરિકન વ્યક્તિ જોડે લગ્નગ્રંથિથી જોડાવ અને પછી તમારા એ પતિ યા પત્ની સાથે રહેવા માટે અમેરિકા જવાની અરજી કરો તો તમારાં લગ્ન ભલે સ્વર્ગમાં રચાયાં હોય, પણ તમારે તમારા જીવનસાથી જોડે અમેરિકામાં રહેવા જવું હોય તો વિઝાની અરજી તો કૉન્સ્યુલર ઓફિસર આગળ જ કરવાની રહે છે અને કૉન્સ્યુલર ઓફિસરો લગ્નના આધારે વિઝા આપતાં ખૂબ ચકાસણી કરે છે. બેનિફિશિયરના ઘરે અને એના અડોશી-પડોશી પાસે તપાસ આદરે છે, પૂછપરછ કરે છે અને જો જરા જેટલી પણ શંકા જાય તો વિઝાની અરજી નકારે છે.
એ વાત સાચી છે કે અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરતાં એ અમેરિકન સિટિઝન તમારા લાભ માટે ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. આવાં પિટિશનો ક્વોટા કોઈ પણ પ્રકારનાં બંધનોથી સીમિત નથી હોતા. એક વર્ષમાં એ ગમે તેટલી સંખ્યામાં આપી શકાય છે. અમુક કિસ્સામાં સૌપ્રથમ ગ્રીનકાર્ડ કન્ડિશનલ બે વર્ષની મુદતનું આપવામાં આવે છે. એ મુદત પૂરી થતાં પતિ-પત્નીએ સંયુક્ત અરજી કરીને દેખાડી આપવાનું રહે છે કે એમનાં લગ્ન હયાત છે. એ બે વર્ષના સમય દરમિયાન તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહ્યાં છે. કોઈ અસાધારણ કિસ્સામાં જો અમેરિકન સિટિઝન પતિ-પત્ની આવી અરજીમાં જોડાવાની ના પાડે, પણ લગ્ન જો ખરેખર એક સાથે જીવન ગાળવા માટે કરવામાં આવ્યાં હોય, નહીં કે ગ્રીનકાર્ડ મેળવવા માટે, તો પરદેશી પતિ યા પત્ની સ્વતંત્ર રીતે એકલા એમનું ગ્રીનકાર્ડ કાયમનું કરવાની અરજી કરી શકે છે.
જો તમે અમેરિકન સિટિઝનને છેલ્લાં બે વર્ષમાં એક વાર પણ રૂબરૂ મળ્યાં હોવ અને એ અમેરિકન સિટિઝન વ્યક્તિ તમારી જોડે અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતિ હોય તો તેઓ તમારા લાભ માટે નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના ‘K-1’ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. એ પ્રોસેસ થઈને અપ્રુવ થાય અને તમે તમારી લાયકાત દેખાડીને ‘k-1’ વિઝા મેળવો પછી અમેરિકામાં પ્રવેશીને જેણે તમારા લાભ માટે પિટિશન દાખલ કર્યું હોય એ અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરી શકો છો અને પછી એ અમેરિકન સિટિઝન તમારા લાભ માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે અને તમે તમારું ‘નોન-ઈમિગ્રન્ટ K-1 સ્ટેટસ’ એડ્જસ્ટ કરીને ‘ઈમિગ્રન્ટ સ્ટેટસ’ મેળવી શકો છો અને ગ્રીનકાર્ડ પામી શકો છો.
જો તમે લગ્ન અમેરિકન સિટિઝન જોડે નહીં પણ ગ્રીનકાર્ડધારક જોડે કર્યાં હોય તો એ વ્યક્તિ તમારા લાભ માટે ‘ફેમિલી સેકન્ડ (A) પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. એ ગ્રીનકાર્ડધારક તમારા માટે ‘K-1’ વિઝાનું પિટિશન દાખલ કરી નથી શકતી. અમેરિકામાં રહેતી વ્યક્તિ, એ સિટિઝન હોય કે ગ્રીનકાર્ડધારક હોય, એની જોડે જો તમે લગ્ન કરો અને પછી એની જોડે અમેરિકામાં રહેવાની ઈચ્છા ધરાવો તો તમારે લગ્ન પહેલાં સર્વે જાણકારી મેળવી લેવી જોઈએ અને લગ્ન બાદ શું શું પ્રક્રિયા કરવાની છે એ પણ જાણી લેવું જોઈએ. ખરેખર, લગ્ન ભલે સ્વર્ગમાં રચાતાં હોય, પણ અમેરિકાના વિઝા તો કોન્સ્યુલેટ જ આપે છે.- ડૉ. સુધીર શાહ (એડવોકેટ-મુંબઈ)
