હમણાં હમણાંથી ભારતીયોને એવું લાગવા માંડ્યું છે કે અમેરિકાના વિઝા મેળવવા એટલે લોઢાના ચણા ચાવવા. આથી તેઓ અમેરિકાને બદલે કેનેડા તરફ એમનું લક્ષ ઠેરવવા લાગ્યા છે. કેનેડા વિશ્વનો બીજા નંબરનો દેશ છે. સોવિયેટ રશિયા, જે વિશ્વનો સૌથી વિશાળ દેશ છે એનું ક્ષેત્રફળ 1,70,98,242 sq.qms. છે. કેનેડાનું ક્ષેત્રફળ એનાથી લગભગ અડધું એટલે કે 99,84,670 sq.qms. છે. અમેરિકાનું ક્ષેત્રફળ તો કેનેડાથી ઓછું 98,26,675 sq.qms.નું છે. આમ છતાં અમેરિકાની વસતિ કેનેડા કરતાં 10 ગણી છે. ઉત્તર ધ્રુવની અત્યંત નજીક હોવાના કારણે કેનેડા એક ખૂબ જ ઠંડો પ્રદેશ છે. એના અમુક પ્રોવિન્સ અને ટેરીટરીમાં તો વર્ષના બારે મહિના શૂન્ય ડિગ્રી કરતા પણ ઓછું ઉષ્ણતામાન રહે છે. આથી કેનેડાની વસતિ ખૂબ જ પાંખી છે એટલે જ કેનેડા વિશ્વના હોંશિયાર, ભણેલાગણેલા, કામના અનુભવી, અંગ્રેજી તેમ જ ફ્રેન્ચ ભાષા બોલનારા યુવાનોને પોતાને ત્યાં આમંત્રે છે.
જો તમારી વય 20 થી 40ની વચ્ચેની હોય, તમે ગ્રેજ્યુએટ હોવ, અંગ્રેજી કે ફ્રેન્ચ ભાષા બરાબર બોલી શકતા હોવ, કામનો અનુભવ હોય તો તમને કેનેડા અરજી કરતાં એમને ત્યાં રહેવા માટેના ‘PR’ એટલે કે ‘પરમેનન્ટ રેસીડેન્સી’ આપે છે. જો તમને કોઈએ કેનેડામાં નોકરીની ઓફર કરી હોય, તમારી પાસે સારા એવા પૈસા હોય જે તમે કેનેડામાં ઈન્વેસ્ટ કરવા ઈચ્છતા હોવ, તમને જો કેનેડિયન એક્સપીરિયન્સ હોય, તમારા સગા યા મિત્રો કેનેડામાં રહેતા હોય તો તો કેનેડાના PR મેળવવાના તમારા ચાન્સીસ ખૂબ જ વધી જાય. આ બધા કારણોસર હમણાં હમણાંથી ભારતીયો અને ખાસ કરીને પંજાબના સરદારજીઓ અને ગુજરાતના ગુજરાતીઓએ કેનેડા પ્રત્યે દોટ માંડી છે. કેનેડા સારો દેશ છે. જો તમે ભયંકર ઠંડી જીરવી શકો તો ત્યાં પણ ભણતરની, નોકરીની, બિઝનેસની સારી તકો છે પણ એ બધું અમેરિકાની તોલે આવી ન શકે. આજે વિશ્વમાં ભણતર માટે, નોકરી માટે, બિઝનેસ માટે અમેરિકા સૌથી સારામાં સારો દેશ છે.
આપણા ભારતીયો જો અમેરિકાના જુદા જુદા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ તેમ જ ઈમિગ્રન્ટ વિઝા કેમ મેળવી શકાય એની પૂરતી જાણકારી મેળવે, એ વિઝા મેળવવા માટેની શું શું લાયકાતો છે એ જાણી લે અને એ લાયકાતો કેળવે તો તેઓ અમેરિકામાં સહેલાઈથી પ્રવેશ મેળવી શકે છે. જો તમારે પરદેશ જવું હોય, ફરવા, ભણવા, નોકરી કરવા, બિઝનેસ કરવા, લગ્ન કરવા, કાયમ રહેવા તો વિશ્વમાં અમેરિકા સૌથી સારો દેશ છે. એના જુદા જુદા પ્રકારના વિઝા વિષે જાણકારી મેળવો. એ વિઝા કેમ મેળવાય એ જાણી અને સમજી લો. એ માટેની લાયકાતો પ્રાપ્ત કરો તો તમને વિશ્વના એ સૌથી આગળ પડતા દેશમાં જરૂરથી જવા મળશે.
જો તમારે ફરવા માટે, સુંદર સ્થળો જોવા માટે, મનોરંજન માટે પરદેશ જવું હોય તો એ માટે અમેરિકામાં બધું જ ઉપલબ્ધ છે. નાયગ્રાફોલ્સની સુંદરતા અને ગ્રાન્ડકેનિયનની ભવ્યતા, ડિઝનીલેન્ડ અને ડિઝની વર્લ્ડની રમતો, લાસવેગાસના કસીનો, હોલીવુડના સ્ટુડિયો, લેક તાહો, બ્રાઈસ કેનિયન, યશોમતી નેશનલ પાર્ક આ સર્વેની નૈસર્ગિક સુંદરતાઓ, ન્યૂયોર્કના મેનહટન વિસ્તારમાં આવેલ 42nd સ્ટ્રીટની ધમાલ અને ત્યાં આવેલ બ્રોડવેના થિયેટરો, વૉશિંગ્ટન DCમાં આવેલા મોન્યુમેન્ટસ અને સ્મિથ સોનિયન મ્યુઝિમ્સ, સેનફ્રાન્સિકોનો ગોલ્ડનગેટ બ્રિજ અને ત્યાં આવેલ નાપાવેલીના દ્રાક્ષના બગીચાઓ તેમ જ વાઈન યાર્ડસ અમેરિકામાં એક પ્રવાસી તરીકે તમને જેનો શોખ હોય, જેની ઈચ્છા હોય એ બધું જ ઉપલબ્ધ છે. શોપિંગનો જેને શોખ હોય એમને માટે તો એ દેશમાં વિશ્વની બધી જ ચીજો મોજૂદ છે.
ભારતીય વિદ્યાર્થીઓ જેઓ ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ જવાની ઈચ્છા ધરાવે છે તેઓ જો એમનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધારશે તો એમને અમેરિકાની યુનિવર્સિટીમાં જરૂરથી પ્રવેશ મળશે. એ યુનિવર્સિટીમાં ભણવા અને ત્યાં રહેવાનો ખર્ચો, જો તેઓ હોંશિયાર હશે તો, એમને યુનિવર્સિટી જાતે જ આર્થિક સહાય કરશે. હવે તો ભારતની બેન્કસ અને અસંખ્ય ફાયનાન્શ્યલ કંપનીઓ સસ્તા વ્યાજના દરે લાંબી મુદત માટે સ્ટુડન્ટ લોન આપે છે. જો તમારે બિઝનેસ કરવો હોય તો આંતર કંપની ટ્રાન્સફરી L-1 વિઝા મેળવીને તમે તમારો બિઝનેસ અમેરિકામાં વિસ્તારી શકો છો.
નોકરી કરવી હોય તો H-1B વિઝા, ધર્મગુરુઓ માટે R-1 વિઝા અને ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરીઓ, જેમની પાસે પૈસાની છૂટ હોય એમના માટે EB-5 પ્રોગ્રામ. આમ અમેરિકા જવું હોય તો દરેક વ્યક્તિ માટે હરેક પ્રકારના વિઝા ઘડવામાં આવ્યા છે. જરૂરત છે ફકત એના વિષે જાણકારી મેળવવાની. ‘ગુજરાતમિત્ર’માં આ કટારના લેખક વર્ષોથી એમના વાચકોને અમેરિકાના ઈમિગ્રેશન વિષે, એના જુદા જુદા પ્રકારના વિઝા વિષે જાણકારી આપે છે અને હવે પછી પણ આપતા રહેશે એટલે વાચકો જો તમારે પરદેશ કોઈ પણ કારણસર જવું હોય તો સૌ પ્રથમ અમેરિકા જવાનું વિચારજો.