કોલેજનું છેલ્લું વર્ષ હતું, ડીગ્રી મેળવીને બધા આગળ વધવા ઉત્સાહિત હતા.કોલેજનો છેલ્લો દિવસ હતો. કોલેજના પ્રિન્સીપાલ પોતાનો છેલ્લો સંદેશ આપવા ઉભા થયા.પોતાના વિદ્યાર્થીઓને નવા જીવનની શરૂઆત માટે શુભકામના આપી અને પછી કહ્યું, ‘વિદ્યાર્થીઓ તમે શાળામાંથી કોલેજના મુક્ત વાતાવરણમાં આવ્યા અને હવે એથી મુક્ત દુનિયામાં પગ મુકશો.અને જીવનને મનગમતો આકાર આપવાના સપના જોશો.તમે આજે કોલેજની બહાર પગ મુકશો ત્યારે મારે તમને જીવનની વાસ્તવિકતાથી વાકેફ કરાવવા છે.હું તમને જે વાતો કહેવાનો છું તેને ગાંઠ બાંધી લેજો.આ વાતો કોઈ પાઠ્યક્રમમાં શીખવવામાં આવતી નથી.
આ વાતો વિષે કોઈ પરીક્ષા લેવાતી નથી;પણ હા જીવનની પરીક્ષામાં પાર ઉતરવામાં આ વાતો હંમેશા કામ લાગશે.સૌથી પહેલા યાદ રાખજો કે જીવન ક્યારેય એક સરખું રહેતું નથી.તેમાં ચઢાવ ઉતર આવતા જ રહે છે અને પરિવર્તન સંસારનો નિયમ છે. લોકો પાસે માન સન્માન માંગી ન શકાય તેના માટે મહેનત કરી જાતને સાબિત કરવી પડે છે.કોલેજમાંથી આજે નીકળશો અને કાલે મોટી કેબીનમાં બેસી મોટો પગાર મેળવશો તેવા સપના ન જોવા.સફળ થવા માટે…મોટી એ.સી કેબીન સુધી પહોંચવા પહેલા ઘણો પરસેવો વહાવવો પડે છે.સપનાઓ ચોક્કસ જુઓ;પણ તે એક રાતમાં સાકાર થઈ જાય તેવો ભ્રમ ન રાખો.પોતાની ભૂલ થાય તો ભૂલ માટે બીજાને દોષ ન આપતાં;પોતાની ભૂલનો સ્વીકાર કરવો અને ભૂલ દરેક માનસથી થાય છે.ભૂલ થય તો ડરવું નહિ,નિરાશ થઈ બેસી જવું નહિ.પોતાની ભૂલમાંથી જ શીખી ભૂલને સુધારી ફરી શરૂઆત કરવી.’
કોલેજના પ્રિન્સીપાલ એટલી મહત્વની વાતો કહી રહ્યા હતા કે ઘણાને લાગ્યું આ અમને પહેલા વર્ષથી જ શીખવવાની જરૂર હતી.વિદ્યાર્થીઓ ધ્યાનથી તેમની વાત સાંભળી રહ્યા હતા.પ્રિન્સીપાલ આગળ બોલ્યા, ‘તમારા માતા – પિતાએ તમને ખુશી આપવા તમને નહિ ખબર હોય તેવો ઘણો ભોગ આપ્યો હશે માટે હંમેશા તેમનું માન જાળવવું.તમને દુનિયામાં ઉભા થઈને પોતાની મહત્વતા સાબિત કરવાને લાયક તમને શિક્ષકોએ બનાવ્યા છે માટે તેમનો ઉપકાર કયારેય ન ભૂલવો.યાદ રાખજો હવે અહીંથી બહાર નીકળી તમારે તમારી લડત રોજે રોજ અને જાતે જ લડવી પડશે.
ત્યાં કોઈ માર્ગ દેખાડનાર શિક્ષક નહી હોય, ત્યાં કોઈ વેકેશન નહિ મળે.ત્યાં વર્ષની ચાર નહિ રોજે રોજ પરીક્ષા લેવાશે અને નાપાસ થશો તો કોઈ ચઢાવ પાસ પણ નહી કરે.જીવનની સ્પર્ધામાં ફક્ત જીતનારને જ યાદ રાખવામાં આવે છે અને અહીં આશ્વાસન ઇનામો હોતા જ નથી.અને જે સખ્ત મહેનત કરે છે.અટક્યા વિના કામ કરે છે.સતત નવું શીખતો રહે છે તે જ જીવનમાં આગળ વધી શકે છે.’ પ્રિન્સિપાલે પોતાના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને છેલ્લે દિવસે રોજે રોજ યાદ કરવી પડે તે વાત શીખવી.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.