Business

થોભો અને રાહ જૂઓઃ વૈશ્વિક સામે ઘરેલું સારા સંકેતો છતાં ભારતીય શેરબજાર અથડાતું રહેશે

અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં વધી રહેલો ફુગાવો સેન્ટ્રલ બેન્કો માટે વ્યાજદર વધારવા માટે મજબૂર કરી રહ્યા હોવાથી વૈશ્વિક મંદીની દહેશત સેવાઇ રહી છે, જેથી આવનારા દિવસોમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે, તેવું નિશ્ચિત મનાય છે, પરંતુ 75 બેસીસ પોઇન્ટ કે એક ટકા સુધી વધારો કરે છે તે જોવાનું રહેશે. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેન્ક માટે પણ વિકલ્પ રહ્યો નથી અને વ્યાજદરમાં વધારો કરશે, તેવુ લાગી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્ક પણ કેટલો વ્યાજદરમાં વધારો કરશે તેની ઉપર બજારની નજર હોવાથી આ બંને ફેકટર ભારતીય શેરબજારને ઘમરોળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજારની મોટા ભાગની કંપનીઓએ અપેક્ષા કરતા સારા પરિણામ આપવામાં સફળ થયા છે. તેમજ જીએસટીની આવક, મેક્રો ઇકોનોમી ડેટા, ઓટો વેચાણ સહિતના તમામ ઘરેલું ડેટા પોઝિટિવ ઘરેલું શેરબજાર માટે પોઝિટિવ સંકેત છે. પરંતુ ડોલરની મજબૂતાઇ, એફઆઇઆઇની વેચવાલી સહિતના કારણોના પગલે ભારતીય શેરબજારમાં તેજીની ચાલને રૂકાવટ જોવા મળી રહી છે. આમ, હજુય થોડાક દિવસો એટલે કે સપ્ટેમ્બર સીરિઝના અંત સુધીમાં ભારતીય શેરબજારમાં અસ્થિરતાનો માહોલ જોવા મળશે અને હાલની વૈશ્વિક સ્થિતિને જોતાં શેરબજારમાં નરમાઇનો દોર જળવાઇ રહે તેવું અનુમાન કરાઇ રહ્યું છે.

બીજી તરફ, ભારતીય શેરબજારમાં ઓગસ્ટ મહિનાના અંતથી વિદેશી રોકાણકારોની રી એન્ટ્રી થઇ હતી અને તેમાં સતત ખરીદી ચાલુ રહી હતી, પરંતુ ગત સપ્તાહથી એફઆઇઆઇની વેચવાલી શરૂ થઇ ચુકી છે અને તેમાં સતત વેચવાલીના પગલે ફરીથી તેજીના રૂખને બ્રેક વાગી શકે છે. જેમાં સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં ચારેકોરથી વેચવાલી જોવા મળી હતી, જે બજારનું મોરલ ઘટાડી રહ્યું છે અને સેન્ટીમેન્ટ બગડી રહ્યું છે. જે બજારમાં તોફાની વધઘટ લાવી શકે છે. ઘરેલું અને વૈશ્વિક સંકેતોની વચ્ચે ભારતીય શેરબજાર અથડાતું રહેશે. જેના લીધે સેન્સેક્સ 58000 પોઇન્ટ અને 60000 પોઇન્ટની વચ્ચે અથડાતું જોવા મળી શકે છે. જ્યારે નિફ્ટી 17200થી 17800 પોઇન્ટ વચ્ચે અથડાતું રહે તેવું લાગી રહ્યું છે.

ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા બે દિવસમાં બોલાયેલા કડાકામાં ઇન્ડેક્સ બેઝડ હેવીવેઇટ કંપનીઓના શેરોમાં ભારે ગાબડાં પડ્યા હતા અને તેના પરિણામે અગ્રણી કંપનીઓના માર્કેટ કેપ પણ ઘટયા હતા. વિતેલા સપ્તાહમાં ટોપ ટેન માર્કેટ કેપ ધરાવતી 10 કંપનીઓમાંથી 6 કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી વધુ ટીસીએસ અને ઇન્ફોસીસના માર્કેટ કેપમાં ઘટાડો બોલાયો હતો. જેની સાથે રિલાયન્સ ઇન્ડ., એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનીલીવર, એચડીએફસીના માર્કેટ કેપ ઘટયા હતા. બીજી તરફ, આઇસીઆઇસીઆઇ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અદાણી ટ્રાન્સમીશન તથા બજાજ ફાઇનાન્સની માર્કેટ કેપમાં સુધારો જોવાયો હતો.

સૌથી વધુ માર્કેટ કેપ ઘટયા હતા, તેમાં ટીસીએસનું રૂ. 76346 કરોડ ઘટીને 11 લાખ કરોડ, ઇન્ફોસીસનું 55831 કોરડ ઘટીને 5.80 લાખ કરોડ, રિલાયન્સનું 46852 કરોડ ઘટીને 16.90 લાખ કરોડ અને હિન્દુસ્તાન યુનિલીવરનું 14000 કરોડ ઘટીને રૂ. 5.94 લાખ કરોડનું માર્કેટ કેપ થયું હતું. જ્યારે સૌથી વધુ માર્કેટ કેપ વધવામાં અદાણી ટ્રાન્સમીશનમાં 17719 કરોડ વધીને 4.56 લાખ કરોડ, ભારતીય સ્ટેટ બેન્કમાં 7273 કરોડ વધીને રૂ. 5.01 લાખ કરોડનું માર્કેટ કેપ બન્યું હતું.

Most Popular

To Top