નવી દિલ્હી: રશિયામાં (Russia) ગૃહયુદ્ઘની સ્થિત કપરી થઈ જોઈ શકાય છે. વેગનર ગ્રુપ (Wagner Group) અને રશિયન સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો છે. સેન્ટ્રલ મોસ્કોમાં શનિવારે વહેલી સવારે લશ્કરી વાહનો જોવા મળ્યા હતા. વેગનર ગ્રુપ રાજધાની તરફ આગળ વધી રહી છે. તેણે રોસ્તોવ શહેર પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પુતિને કહ્યું હતું કે રશિયા પોતાના ઉજવળ ભવિષ્ય માટે ઘણું સંઘર્ષ કરી રહ્યું છે આ માટે તેણે એ તમામ વસ્તુઓને છોડવાની જરૂર છે જે તેની કમજોરી છે. આ ઉપરાંત પુતિને કહ્યું કે છેતરપિંડી કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.
પુતિને પોતાના રાષ્ટ્ર સંબોધનમાં કહ્યું રશિયાના ભવિષ્યનો નિર્ણય હમણાં કરવામાં આવી રહ્યો છે. આપણે આપણી તમામ તાકતો ભેગી કરીને મતભેદોને દૂર કરવાની જરૂર છે. તેમણે કહ્યું આજે આપણે જેનો સામનો કરી રહ્યાં છે તે આંતરિક વિશ્વાસઘાત છે. રશિયામાં તમામ સેનાઓની એકતાની આવશ્યકતા છે. જે કોઈ પણ વિદ્રોહના પક્ષમાં રહેશે કે તે તરફી નિર્ણય લેશે તેને દંડ આપવામાં આવશે. વિદ્રોહીએ અમારા લોકો અને કાયદાને તે માટેનો જવાબ આપવાનો રહેશે. અમે જે જોઈ રહ્યાં છે તે પીઠમાં ખંજર ભોંકવા જેવી ઘટના છે અને આની સજા માટે તૈયાર રહેવું પડશે. અમે અમારા લોકો અને તેમના જીવનની સુરક્ષા માટે લડી રહ્યાં છે. પુતિને કડક શબ્દોમાં કહ્યું છે કે આ સશસ્ત્ર બળવા માટે અમારો પ્રતિસાદ સખત હશે. અંગત સ્વાર્થોને કારણે દેશ સાથે દગો કરવામાં આવ્યો છે. અમે અમારા દેશ અને નાગરિકોની રક્ષા કરીશું.
ફ્રાન્સ પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. એલિસી પેલેસે શનિવારે જણાવ્યું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રશિયાની પરિસ્થિતિને “નજીકથી” જોઈ રહ્યા છે. એલિસીએ કહ્યું, “અમે યુક્રેનને સમર્થન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”
વેગનર અર્ધલશ્કરી જૂથે શનિવારે દાવો કર્યો હતો કે તેણે રશિયન શહેર વોરોનેઝમાં રશિયન સૈન્ય સુવિધાઓ પર નિયંત્રણ મેળવી લીધું છે. તે જ સમયે વેગનરની સેનાએ ત્રણ રશિયન હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યા હોવાનો અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે.