SURAT

સુરતમાં વેડ-વરિયાવ બ્રિજ આ દિવસે ખુલ્લો મુકાશે: 6 કિ.મી.નું અંતર માત્ર બે મિનિટમાં કાપી શકાશે

સુરત : વેડ-વરિયાવના નાગરિકો જેની વરસોથી જેની રાહ જોતા હતા તે ફોર-લેન બ્રિજનું ગૂરૂવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી લોકાપર્ણ થવા જઈ રહ્યું છે, આ બ્રિજના કારણે હવે કતારગામથી વરિયાવ અને છાપરભાઠાનું છ કિલોમીટરનો ચકરાવો નહીં મારવો પડે અને માત્ર દોઢથી બે મિનિટમાં આ અંતર કાપી શકાશે.

  • ફોર લેન બ્રિજને કારણે કતારગામથી વરિયાવ-છાપરાભાઠાનું અંતર ત્રીજા ભાગનું થઇ જશે
  • માત્ર દોઢ મિનિટમાં દોઢ કિલોમીટરનો બ્રિજ પાર કરી શકાશે
  • 118 કરોડના ખર્ચે સાકાર થયેલા દોઢ કિ.મી.ના બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે

અંદાજે આઠ લાખ નાગરિકોને તેનો લાભ મળશે. રૂપિયા ૧૧૮.૪૨ કરોડના ખર્ચે તાપી નદી પર નિર્માણ પામેલા આ બ્રિજ આશરે ૧.૫૦ કિલોમીટરની લંબાઇ ધરાવે છે. આ બ્રિજના નિર્માણથી વરિયાવ વિસ્તારનાં રહેવાસીઓને ચોક તથા સ્ટેશન જેવાં શહેરનાં મુખ્ય વિસ્તાર સુધી પહોંચવા માટે ખૂબ જ સરળતા થઇ જશે.

સાથે સાથે વેડ, કતારગામ તથા સુરત શહેરના અન્ય વિસ્તારનાં રહેવાસીઓને પણ બ્રિજના કારણે મુખ્ય શહેરથી આઉટર રિંગરોડ અને હાઇવે સુધીની નવી કનેક્ટિવિટી મળશે. ખાસ કરીને નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે.

વેડ રોડને વરિયાવથી જોડતા તાપી નદી ઉપરના હયાત જહાંગીરપુરા – ડભોલી રિવર બ્રિજ તથા અમરોલી રિવર બ્રિજની વચ્ચે સાકાર થયેલા આ બ્રિજને કારણે કાયમ ટ્રાફિકથી જામ રહેતા અમરોલી રિવર બ્રિજ પરના ટ્રાફિકના ભારણમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

અત્રે ઉલ્લખનીય છે કે, આ બ્રિજ રાજેશ દેસાઇ સ્થાયી સમિતિ ચેરમેન હતા ત્યારે મંજૂર કરવામાં આવ્યો હતો અને બ્રિજની પહેલી ડિઝાઇનમાં ઘણી રહેણાંક મિલકતો અસરમાં આવતી હોવાથી તેને બચાવી લેવા માટે નવી ડિઝાઇનની હિમાયત કરી ગરીબ મધ્યમવર્ગના લોકોના ઘર બચાવ્યા હતા. તેના કારણે બ્રિજનું કામ થોડું વિલંબમાં પણ પડ્યું હતું.

Most Popular

To Top