વ્યારા: (Vyara) વ્યારા અગાસવાણ સીએચસીમાં તબીબની સારવાર (Treatment) લઈ પોતાનાં નાનાં બાળક સાથે ગર્ભવતી પત્નીને બાઇક પર બેસાડી વ્યારાની અન્ય ખાનગી હોસ્પિટલમાં બતાવવા લઇ જતાં જીઇબીના ઇજનેરની બાઇકને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં અજાણ્યા વાહને ટક્કર મારતાં ઘવાયેલ પત્નીનું મોત નિપજતાં પરિવાર વિખેરાઈ ગયો હતો. જોકે બાઇક પર સવાર બાળક સાથે પિતાનો અકસ્માતમાં ચમત્કારીક બચાવ થયો હતો. આ બનાવનાં પગલે પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
- સગર્ભા પત્નીની સારવાર માટે જતાં જીઈબી ઈજનેરની બાઈકને અકસ્માત, પત્ની અને ગર્ભસ્થ શિશુનું મોત
- ઈજનેર પતિ અને બાઈક પર સવાર નાના બાળકનો ચમત્કારિક બચાવ
- વ્યારામાં સારવાર બાદ સુરતની કિરણ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, સારવાર દરમિયાન પત્ની અને ગર્ભસ્થ સાત માસના શિશુનું મોત
સોનગઢ તાલુકાના ચોરવાડ ગામે ભાઠી ફળિયામાં રહેતા અને કીમ ખાતે જીઇબીમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ઉલ્પેશભાઈ સવાનજીભાઈ ગામીત (ઉં.વ.૩૮) ગત તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ પોતાની ગર્ભવતી પત્ની જિજ્ઞેસાબેન સાથે હોન્ડા એક્સ મોટરસાયકલ નં. GJ 26 AA 8044 પર અગાસવણ પીએચસી ખાતે તબીબી સારવાર માટે ગયાં હતાં. ત્યાંથી પરત વ્યારા ખાનગી હોસ્પિટલમાં બતાવવા માટે નીકળ્યા હતા ત્યારે વ્યારા તાલુકાના કાટીસકુવા ગામ નજીક ખેરવાડા રોડ ઉપર એક અજાણ્યા સ્પ્લેન્ડર ચાલકે પાછળથી તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં જિજ્ઞેસાબેન રોડ પર પટકાયા હતાં. જેમાં તેમને માથામાં તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને વ્યારા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી સુરતની કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તા.૧૧મી ફેબ્રુઆરીના રોજ મળસ્કે ૪:૧૫ વાગ્યાના અરસામાં પત્ની અને તેણીના ગર્ભમાં રહેલા સાત માસના બાળકનું મરણ થયું હતું. ઉલ્પેશભાઇએ અજાણ્યા સ્પેન્ડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતકના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.