વ્યારા: (Vyara) ટીચકપુરા ગામની સીમમાં બાલ ક્રિષ્ના મલ્ટિપ્લેક્સ સામે ફોર વ્હીલ કાર ચાલકે બાઇકને (Bike) અડફેટે લેતાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- ટીચકપુરાની સીમમાં કારની અડફેટે ચડેલા બાઇકસવારનું મોત
- ટોકરવા ગામે બંને મિત્ર સાથે જમવા માટે નીકળ્યા હતા તે વેળાએ આ અકસ્માત સર્જાયો હતો
ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતા વ્યારા-બારડોલી રોડ નેશનલ હાઇવે નં.૫૩ ઉપર બાલ ક્રિષ્ના મલ્ટિપ્લેક્સ સામે તા.૨૨/૦૨/૨૦૨૪ના રોજ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે તેની કાર બેફામ હંકારી આગળ જઇ રહેલી યુનિકોર્ન બાઇક નં.(GJ-26-AC-5010)ને ટક્કર મારતાં બાઇકચાલક સેતુલભાઇ જયંતીલાલ ચૌધરી તથા બાઇકની પાછળ બેસેલો તેનો મિત્ર વિમલભાઇ બળવંતભાઇ ગામીત (રહે.,૧૦૭, ડ્રીમ હોમ સોસાયટી, ખટાર ફળિયું, કાનપુરા, વ્યારા, જિ.તાપી) રોડ ઉપર પડી ગયા હતા.
જેમાં વિમલભાઇ ગામીતને જમણા ગાલ ઉપર નાકની બાજુમાં ઇજા તથા બાઇકચાલક સેતુલભાઇ જયંતીલાલ ચૌધરીને માથા ભાગે ગંભીર ઇજા તથા શરીરે નાની-મોટી ઇજા થઇ હોવાથી સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર આપી નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં બીજા દિવસે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઇકને પણ ભારે નુકસાન થયું હતું. ટોકરવા ગામે બંને મિત્ર સાથે જમવા માટે નીકળ્યા હતા, તે વેળાએ આ અકસ્માત સર્જાયો હતો.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)