વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના વિરથવા PHC સેન્ટરમાં કોરોના રસી (Vaccine) લીધાને આશરે દસેક દિવસ બાદ તા.૧ એપ્રિલે મલંગદેવના પ્રફુલભાઈ જેઠયાભાઈ ગામીત (ઉં.વ.૫૩)નું મોત નિપજતાં તેમના પરિવારજનોએ ડોક્ટર અને નર્સ પર વિવિધ આક્ષેપો સાથે રોષ ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે, વિરથવા PHC સેન્ટરમાં પ્રફુલભાઇને બળજબરી કો-વેક્સિન આપી હતી. જેનો વિરોધ નોંધાવ્યા છતાં તબીબો માન્યા ન હતા. શુક્રવારે તેમનું આ કો-વેક્સિનને કારણે મોત નિપજ્યું હતું. જેથી ગામનું વાતાવરણ પણ ગરમાયું છે.
મલંગદેવના નિશાળ ફળિયામાં રહેતા પ્રફુલ્લભાઈ ગામીત એસઆરપી (SRP)માં નોકરી કરતા હતા. પરંતુ થોડા સમયથી નોકરી છોડી પોતાના ઘરે જ રહેતા હતા. ઘરે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે આશરે દશેક દિવસ પહેલાં વિરથવા ખાતે કો-વેક્સિન મુકાવી હતી. ત્યારથી જ રસી લીધા બાદ પાંચ દિવસ સુધી તબિયત બગડતાં પથારી અવસ્થામાં જ હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેમને રસી આપતા પહેલાં જ ઝીણો તાવ હતો. માટે રસી લેવા ના પાડતા હતા. છતાં જબરદસ્તી રસી આપી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
મલંગદેવ ગામ સહિતના વિસ્તારના સગા સંબંધીઓ વેક્સિન આપનાર ડોક્ટર ઉપર રોષે ભરાતાં માહોલ ગરમાયો છે. વિરથવા PHCના સ્ટાફ દ્વારા લોકોને જબરદસ્તી વેક્સિન આપવાની ફરિયાદો ઊઠી છે. જે લોકો વિરથવા PHC પર કોઇપણ દાખલો લેવા માટે જાય તેમને પહેલા ફરજિયાત રસી આપ્યા બાદ દાખલો આપવામાં આવતો હોવાનો આરોપ ગ્રામજનોએ મૂક્યો છે. એકબાજુ સરકાર રસી મરજિયાત લેવાની વાત કરે છે. બીજી તરફ ડોક્ટરો દ્વારા રસી ફરજિયાત મૂકવા દબાણ કરાઈ રહ્યાની બૂમ ઊઠી છે.
વિરથવા પીએચસીમાં ડો.ભાવેશભાઇ અજાણ!
વિરથવા પીએચસીમાં ડો.ભાવેશભાઇનો આ બાબતે ટેલિફોનિક સંપર્ક સાધતાં તેમણે આ બાબતે ચુપકીદી સાધી હતી. અને ફોન હેલ્થ વર્કરને થમાવી તેને કો-વેક્સિન મુકાવનાર દર્દીની વિગત આપવા જણાવ્યું હતું. જો કે, તેઓએ પણ આ બાબતથી અજાણ હોય તેમ વધુ માહિતી માટે સુપરવાઇઝર રાકેશભાઇ પટેલનો સંપર્ક કરવાનું કહી જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા.
પેશન્ટ આલ્કોહોલિક પણ હતો: રાકેશ પટેલ
વિરથવાના હેલ્થ સુપરવાઇઝર રાકેશ પટેલે જણાવ્યું હતું કે, આ દર્દીએ આશરે દસેક દિવસ પહેલાં કોરોનાની રસી મૂકી હતી. તેઓ લિવરના પેશન્ટ હતા. અમારી પીએચસીમાંથી તેમને બે દિવસ સારવાર પણ આપી છે. આ પેશન્ટ આલ્કોહોલિક પણ હતો. અન્ય બીમારીના કારણે તેનું મોત થયું હશે. કો-વેક્સિનથી તેનું મોત થયું નથી. તેના પરિવારજનોના આક્ષેપો ખોટા છે.
સારા થયા પછી રસીનો આગ્રહ કર્યો હતો: શૈલેષ ગામીત
મૃતકના કાકાનો દીકરા શૈલેષભાઇ ગામીતે જણાવ્યું હતું કે, તા. ૨૩મી માર્ચે પ્રફુલ્લભાઈ ગામીત મલંગદેવની દુકાને બેઠા હતા. ત્યારે વિરથવા પીએચસીનો સ્ટાફ આવ્યો હતો. દવા આપવાની છે તેમ કહી સાથે લઇ ગયા પછી તેમને રસી આપવાનું કહેતાં બીમાર હોવાનું કહી સારો થયા પછી રસી મૂકવાનો આગ્રહ કર્યો હતો. છતાં બળજબરી તેઓને રસી મૂકવામાં આવી હતી. ત્યાર પછી તેઓને તાવ આવ્યો અને પછી સારવાર માટે વિરથવા પીએચસીમાં લઇ ગયા હતા, પણ તાવ સારો થયો ન હતો અને તાવ લાંબા સમય રહ્યો ત્યાર બાદ તેઓનું મોત થયું છે.