વ્યારા: (Vyara) વ્યારા-ઉનાઇ રોડ પર નગર પાલિકા વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર સામે આવેલા એનપી કોમ્પ્લેક્સમાં (N P Complex) રહેવાસીઓને મતે જો અહીં મોબાઇલ ટાવર (Mobile Tower) ઊભો થાય તો શાળાનાં બાળકો અને સ્થાનિક રહેવાસીઓ પર મોબાઈલ ટાવરના રેડીએશનની (Radiation) વિપરીત અસર પડે તેમ હોવાની દહેશત વ્યક્ત કરી આ ટાવર નાંખવાની મંજૂરી નહીં આપવા માંગ ઉઠાવી છે. મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવી રહ્યો હોય, જે બાબતે તાત્કાલિક અટકાવવા સ્થાનિકોએ નગરપાલિકા અને કલેક્ટરને (Collector) આવેદન આપ્યું છે.
- વ્યારાના એનપીજે કોમ્પ્લેક્સમાં મોબાઇલ ટાવર ઊભો કરવાની ગતિવિધિ શરૂ કરાતાં સ્થાનિકોનો વિરોધ
- ટાવર નાંખવાની મંજૂરી નહીં આપવા માંગણી સાથે કલેક્ટર અને પાલિકાને આવેદન
- એનપીજે કોમ્પ્લેક્સ ઉપર ટાવર બનાવતાં તેના રેડિએશનથી આ વિસ્તારના લોકોને શારીરિક અસર થાય તેમ છે
- ટાવર બનાવવા બાબતે આજુબાજુના રહેવાસીની પણ કોઈ જાણ કરવામાં આવી નથી
આવેદનમાં જણાવ્યું છે કે, વ્યારા-ઉનાઇ રોડ વિસ્તાર ખાતે આવેલા એનપીજે કોમ્પ્લેક્સ ઉપર હાલમાં મોબાઈલ ટાવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે ટાવર ગેરકાયદે રીતે કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના બનાવવામાં આવી રહ્યો છે. એનપીજે કોમ્પ્લેક્સ ઉપર ટાવર બનાવતાં તેના રેડિએશનથી આ વિસ્તારના લોકોને શારીરિક અસર થાય તેમ છે. ભવિષ્યમાં ગંભીર બીમારીનો ભોગ બનવાની દહેશત પણ વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં ટાવર બનાવવા બાબતે આજુબાજુના રહેવાસીની પણ કોઈ જાણ કરવામાં આવી નથી કે પરવાનગી પણ લીધી નથી. ચોમાસાની સિઝનમાં પવન ફુંકાવાથી ટાવર પડવાનો ભય પણ વ્યક્ત કરાયો છે.
આ વિસ્તારમાં બિલ્ડર કોઈને કહ્યા વિના પોતાના રીતે મોબાઈલ ટાવર ઊભો કરાવતાં હોય વાતાવરણ તંગ બની ગયું છે. આજુબાજુના વિસ્તારના મોટા ભાગના રહીશોએ આનો વિરોધ દર્શાવ્યો છે. નગર પાલિકામાં વાંધાઅરજી આપી જવાબદાર અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરાઇ છે. આ વિસ્તારના સ્થાનિક લોકોની માંગ છે કે ટાવર રહેણાક વિસ્તારની નજીક ઊભો કરી શકાય નહીં કારણ કે આજુબાજુ કે વૃદ્ધો, નાનાં બાળકો, પશુ, પક્ષીઓને રેડિએશનથી વિપરીત અસર થાય તેમ છે. તેઓના આરોગ્ય સામે સતત ખતરો રહેશે. જેથી ટાવર અન્યત્ર જગ્યાએ ઊભો કરવો જોઈએ. આ રજૂઆત બાદ પણ તંત્ર હાલમાં કોઈ હરકતમાં આવ્યું નથી. તપાસ કરી સત્વરે આ ટાવરનું કામ બંધ કરાવવાની માંગ ઊઠી છે.