વ્યારામાં લક્ઝરી બસે અડફેટે ચઢેલા શિક્ષકનું મોત – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

વ્યારામાં લક્ઝરી બસે અડફેટે ચઢેલા શિક્ષકનું મોત

વ્યારા: વ્યારા (Vyara) મિશન નાકા પાસે પૂરપાટ ઝડપે જતી ખાનગી લક્ઝરી (luxury) બસે (bus) પગપાળા જઈ રહેલા શિક્ષકને (Teacher) અડફેટે લેતાં તેમનું સ્થળ પર જ કરુણ મોત (Death) નીપજ્યું હતું. અકસ્માતને પગલે ઉશ્કેરાયેલા લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. મોતને ભેટનાર શિક્ષક વનેશ ઢોડિયા પટેલ, માજી કોર્પોરેટર અને શિક્ષક ચેતનભાઈના પુત્ર હતા.વ્યારાના જે.બી.એન્ડ એસ.એ. સાર્વજનિક હાઇસ્કૂલમાં માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન શિક્ષક કમ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા વનેશ ચેતન પટેલ રૂટીન મુજબ ચાલવા માટે નીકળ્યા હતા.

શિક્ષક વનેશ પટેલ રોડ ઉપર પડી જતાં મોત નીપજ્યું
નહેર તરફથી ચાલતા ચાલતા મિશન નાકા તરફ આવતી વેળાએ સાંજે ૭:૧૫ વાગ્યાના અરસામાં વ્યારા મિશન નાકા પાસે પૂરપાટ ઝડપે જતી ખાનગી લક્ઝરી બસના ચાલક યોગેશ સુખા ચૌધરીએ ટ્રાવેલ્સ બસ પૂરઝડપે ચલાવી યુ ટર્ન લેતાં આ શિક્ષકને અડફેટે લઇ લીધા હતા. શિક્ષક વનેશ પટેલ રોડ ઉપર પડી જતાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં પુત્રી ટીલાંશાની ફરિયાદના આધારે લક્ઝરી બસના ચાલક યોગેશ સુખા ચૌધરી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
મુલદ પાસે ટ્રકમાંથી ઉછળીને નીચે પડતાં ક્લીનરનું મોત
ભરૂચ: મધ્યપ્રદેશના જાબુઆના થાંદલાના છોટી ધામણી ગામે રહેતો દિનેશ પારસીંગ ચરપોટા મદના ગામના ઉદેસીંગ ધુરિયાની માલિકીની ટ્રક પર ક્લીનર તરીકે ફરજ બજાવતા હતા. ગત તા.27-9-22ના રોજ ઉદેસિંગ ધુરિયા તેની ટ્રક લઈ તેના ક્લીનર દિનેશ ચરપોટા સાથે ઝઘડિયાના મુલદ ગામ નજીકથી હાઇવે ઉપર પસાર થતા હતા. દરમિયાન ટ્રક રોડની સાઈડમાં આવેલા ખાડામાં પડી હતી. ટ્રક ખાડામાં પડી જતાં દિનેશ ઉછળીને નીચે પડી જતાં ટ્રકના પૈડા તેની પર ફરી વળ્યાં હતાં અને તેના બંને પગ ઘૂંટણની નીચેના ભાગેથી કચડાઈ ગયા હતા. જેથી દિનેશનું મોત થયું હતું. આ ઘટના સંદર્ભે દિનેશના ભાઈ વિનસેટે ટ્રકચાલક ઉદેસીંગ ધુરિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસમથકમાં ગુનો નોંધાવ્યો હતો.
સાયણમાં બીજા માળેથી પટકાતા ઘાયલ આધેડનું મોત
દેલાડ: સાયણ ટાઉનમાં એક એપાર્ટમેન્ટના બીજા માળેથી જમીન ઉપર પડેલા સૌરાષ્ટ્રવાસી આધેડનું ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.મૂળ રાજકોટના મોવૈયાના વતની જયેશ છગન હિરાણી હાલ ઓલપાડના સાયણ-ગોથાણ રહી વેપાર કરતા હતા. તેઓ ગત રવિવારે રાત્રે ૧૧ કલાકે તેમના એપાર્ટમેન્ટના બીજા માળના ઘરની રૂમમાંથી ફોન ઉપર વાત કરતા-કરતા ઘરની બાલ્કનીમાં ગયા હતા. એ સમયે અચાનક જમીન ઉપર નીચે પટકાતાં તેમને માથા, કમર તથા મોંના ભાગે જીવલેણ ઇજા થઈ હતી. આથી તેમને સાયણ ખાતેના સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત ખાતેની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન સોમવારે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બાબતે મૃતકના પુત્ર મન્ટેશ હિરાણીએ ઓલપાડ પોલીસમથકમાં જાણ કરી હતી. જેના પગલે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top