વ્યારા: (Vyara) વ્યારા ટીચકપુરામા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Highway) પરનાં વરસાદી (Rain) ખાડા પુરવાની કામગીરી કરી રહેલાં બે મજૂરોને પુરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લેતાં બંને મજૂરોના સ્થળ પર જ મોત નીપજ્યા હતાં, જ્યારે અન્ય એક મજુર ઘવાયો હતો. આ બનાવને કારણે પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
- વ્યારા ટીચકપુરા ગામે હાઈવે પર રોડ રિપેરીંગ કરતાં બે મજૂરોના ટ્રક નીચે કચડાઈ જતાં મોત
- અન્ય એક મજૂર ઘવાયો, હાઈવા ટ્રકચાલક અકસ્માત કરી ટ્રક મુકી નાસી છૂટ્યો
વ્યારા ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતાં વ્યારાથી બારડોલી જતા નેશનલ હાઇવે નં.૫૩, સેવન ડે સ્કુલની સામે રોડ ઉપર બપોરે 3 વાગ્યાના અરસામાં એક હાઇવા ટ્રક નં. GJ-21-Y-9524ના ચાલકે બેકાબૂ બની રોડ ઉપર કામ કરી રહેલાં ભાર્ગવભાઇ ઉર્ફે બંટીભાઇ રાકેશભાઇ વસાવા (ઉ.વ. 22) તથા રાકેશભાઇ દાસુભાઇ ગાવીત (ઉ.વ. 36) (બંને રહે. ચિત્તપુર ગામ, તા. ઉચ્છલ જિ. તાપી)ને અડફેટે લીધાં હતાં. બંનેનાં સ્થળ પર જ અરેરાટીભર્યા મોત નિપજતાં સ્થાનિકો વિફર્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સ્થળે ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે મયુરભાઇ કરણસિંગભાઇ વસાવા (રહે ચિત્તપુર ગામ નિશાળ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી )ની ફરિયાદને આધારે ફરાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમા આઇસોલેક્સ કંપનીએ અન્ય ખાનગી કંપનીને ધોરીમાર્ગ પર પડેલાં વરસાદી ખાડાઓ પુરવાનો વાર્ષિક કોન્ટ્રાકટ આપ્યો હોય, વરસાદ બંધ થતાં આ ઘોરી માર્ગે રસ્તા પરનાં ખાડાઓ પુરવાની કામગીરી કોન્ટ્રાકટરના માણસો કરી રહ્યા હતા. હોટ મિક્સિગ મટેરિયલ્સ ભરેલ પીક અપ ટેમ્પો પણ સાથે હતો. તે ટેમ્પા ન.GJ 26 T 9458ને પણ ટક્કર મારતાં પીક અપ ડીવાઈડર પર ચઢી ગયો હતો. અકસ્માતમાં પિયુશભાઇ રજનીકાંતભાઇ ગામીત (રહે.કીકાકુઇ ગામ તા.સોનગઢ જી.તાપી)ને ઈજા પહોંચી હતી.
બીલીમોરા નજીક વલોટીમાં ટ્રેક્ટર પલટી જતા ચાલકનું મોત
બીલીમોરા : વલોટી પાસે કૂતરું આડે આવી જતા લાકડા ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રેક્ટર ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ગણદેવી તાલુકાના ધનોરી ચાર રસ્તે આવેલી શ્રીનાથ સો મીલમાંથી લાકડા ભરીને બીલીમોરા જીઆઈડીસી આવતી વખતે વલોટી પસાર કરતી વખતે અચાનક રસ્તે કૂતરૂ આવી જતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.
જેને પગલે ચાલક નરેશભાઈ સુરેશભાઈ હળપતિ (ઉંમર વર્ષ ૫૦ રહે એંધલ ગામ, પટેલ ફળિયા)નું મોત નિપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટર ઉપર સવાર મજૂર સુનિલ હળપતિ અને ભાણા હળપતિ (બંને રહે રહેજ ગામ)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે ત્રણે જણાને ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટ્રેક્ટર ચાલક નરેશને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ મરનારના પુત્ર અજય હળપતિએ બીલીમોરા પોલીસને કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ બીટ જમાદાર મહેશભાઈને સોંપી છે.