વ્યારા: (Vyara) વ્યારા મિશનનાકા પાસે માજી મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીની પ્રતિમા (Statue) નીચેનું સ્ટ્રક્ચર ગત રાત્રિના અરસામાં તોડી પડાતાં આ મામલે કોંગ્રેસીઓ વિફર્યા હતા. કોઇ ટિખળખોરે આવું કૃત્ય કર્યુ છે કે પછી કોઇ વાહન અકસ્માતથી આ સ્ટ્રક્ચરને (Structure) નુકસાન પહોંચ્યું ? તેને લઈ કોંગ્રેસે (Congress) તપાસ માંગી દોષિતો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. જો કે, આ સમગ્ર મામલો રાજકીય કિન્નાખોરીનો છે કે પછી સામાન્ય અકસ્માત, તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે.
- કોંગ્રેસીઓ વિફર્યા, પીઆઈને ફરિયાદ કરી, તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ
- રાત્રિના કરફ્યૂ હોય ત્યારે આ પ્રતિમા નીચેનું સ્ટ્રક્ચર તૂટ્યું કેવી રીતે ? પોલીસ પેટ્રોલિંગને લઈ સવાલો ઊઠ્યા
વ્યારા નગર પાલિકા વોર્ડ નં.૪નાં કોર્પોરેટર જોનિલ ગીરીશભાઇ ગામીતના લેટર પેડ ઉપર કોંગ્રેસે પોલીસને જણાવ્યું છે કે, વ્યારા મિશન નાકા પાસે ગત રાત્રિના અરસામાં માજી મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીની પ્રતિમાના સ્ટ્રક્ચરને જે નુકસાન થયું છે. તે કોઇએ ઇરાદાપૂર્વક પણ કર્યુ હોઇ શકે, તેની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા જોઇએ. જો કે, થોડાક સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાનારી છે. ત્યારે આદિવાસી બહુલક વિસ્તારમાંથી એક મોટા કદના આદિવાસી નેતા તરીકે ઊભરી સ્વ.અમરસિંહ ચૌધરી જ જે-તે સમયે ગુજરાતના એકમાત્ર મુખ્યમંત્રી બન્યા હતા.
ત્યારે આદિવાસી વિસ્તારમાં વ્યારા નગર પાલિકાએ પ્રસ્થાપિત કરેલી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરીની પ્રતિમાની કાળજી લેવાની જવાબદારી પણ પાલિકાની જ બનતી હોય આ સ્ટ્રક્ચરનું તાત્કાલિક રિપેરિંગ કરવા પાલિકાને પણ આ બાબતે રજૂઆત થઈ છે. હાલ તો સ્વ.અમરસિંહની પ્રતિમાના સ્ટ્રક્ચરને નુકસાન કરવાના પ્રયાસને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી આવા ટિખળખોરોને કાયદાના સકંજામાં લઈ સખત કાર્યવાહીની માંગ કરી છે. રજૂઆત કરતી વેળાએ કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા નીરવ અધ્વર્યુ, કોર્પોરેટર કિરણ ભોય, જોનિલ ગામીત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.