વ્યારા: (Vyara) વ્યારાથી ડોલવણ જતાં રોડ ઉપર બામણામાળ નજીક ગામે રસ્તા ઉપર કોઇપણ પ્રકારનું સિગ્નલ આપ્યા વિના પાર્ક કરેલી ટ્રકની (Truck) પાછળ બાઇક (Bike) અથડાતાં યુવા દંપતીનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. પતિ-પત્ની બંને પોતાની સાસરીમાં અંબાચ ગામે જવા નીકળ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.
- વ્યારાના બામણામાળ નજીક ગામે પાર્ક કરેલી ટ્રક પાછળ બાઇક અથડાતાં દંપતીનું મોત
- પાટીનાં દંપતી અંબાચ ગામે સાસરીમાં જઈ રહ્યાં હતા
વ્યારાના પાટી ગામે નિશાળ ફળિયામાં રહેતો ભાવિક રાજેન્દ્ર ગામીત (ઉં.વ.૩૬) પત્ની મયુરીકા (ઉં.વ.૩૦) સાથે તા.૨/૭/૨૦૨૩ના રોજ સવારે આશરે ૧૦ વાગ્યાના અરસામાં કપુરા ગામે ડાંગરનું ધરુ જોવા માટે પોતાના મિત્રની સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં.(જીજે ૨૧ એપી ૬૩૩૬) લઈને ગયો હતો. ત્યાંથી પતિ-પત્ની બંને પોતાની સાસરીમાં અંબાચ ગામે જવા નીકળ્યાં હતાં. ત્યારે રાત્રિના પોણા આઠેક વાગ્યાના અરસામાં ટ્રક નં.(MH 40 CD 5843) રસ્તાની વચ્ચે બીજાની જિંદગી અને સલામતીને ભયમાં મૂકે એ રીતે ટ્રક ઊભી હોવાથી પાછળથી આ યુવા દંપતીની મોટરસાઇકલ ધડાકાભેર અથડાતાં બંને રોડ ઉપર ફંગોળાઇ ગયાં હતાં.
ટ્રક પાછળ કોઇપણ જાતની આડસ પણ ન હતી. તેના ક્લીનરને સિગ્નલ બતાવવા પણ ઊભો રાખ્યો ન હતો. ટ્રક પાછળ કોઇપણ જાતની સિગ્નલ લાઇટ પણ ચાલુ ન હતી. આથી આ મોટરસાઇકલ પાછળથી ટ્રકમાં અથડાઇ જતાં ભાવિક અને મો.સા. પાછળ બેસેલી પત્ની મયુરીકાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
અમરોલીમાં મોટર સાઈકલ પર જતા યુવકને સામેથી આવતા બાઇકરે ટક્કર મારતા યુવકનું મોત
સુરત: અમરોલીમાં જુના કોસાડ રોડ પર બ્લ્યુ હોરીઝોન પાસે મોટર સાઈકલ પર જતા યુવકને સામેથી આવતા બાઈકરે ટક્કર મારતા મોટર સાઈકલ સવારનું મોત નિપજ્યું હતું.
અમરોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કોસાડ ગામમાં જુના કોળીવાડમાં રહેતા પ્રવિણ નગીનભાઈ પટેલ ( 46 વર્ષ) મજુરી કામ કરતા હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્ર છે. ગતરોજ મોડી સાંજે પ્રવિણ પટેલ તેમની પત્ની પારૂલબેન સાથે બાઇક પર બેસીને ખરેદી કરવા માટે અમરોલાી બંમ્બા ગેટ પાસે જઈ રહ્યા હતા. તે સમયે જુના કોસાડ રોડ પર બ્લ્યુ હોરીઝોન નજીક સામેથી એક બાઇક પર બે જણા આવતા હતા. બાઇકર પુરઝડપે અને બેદરકારીથી બાઇક ચલાવીને આવતો હતો. તેને પ્રવિણની બાઇકને જોરથી ટક્કર મારી હતી. તેના કારણે પ્રવિણને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. પ્રવિણને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ સારવાર મછે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું. પારૂલબેને અજાણ્યા બાઇકર વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.