વ્યારા: (Vyara) નિઝર- ઉચ્છલ ધોરીમાર્ગ પર આવેલા હાથનુર ગામના (Village) પાટિયા નજીક પુર ઉપર રવિવારે સવારના સમયે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક (Bike) ચાલક સહિત બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ટ્રક (Truck) ચાલક ફરાર થઈ ગયો હતો.
- નિઝરના હાથનુર ગામે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે ના કમકમાટીભર્યા મોત
- મોતને ભેટ્યા તે બાઇક સવાર સાસુ- જમાઈ હોવાનું જાણવા મળ્યું છે
ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા અને બંનેની લાશોને સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માતની કમકમાટીભરી આ ઘટનાથી નિઝર- કુકરમુંડા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. મોતને ભેટ્યા તે બાઇક સવાર સાસુ- જમાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામના ગોપીન્દ્રભાઈ કીકાભાઈ વળવી તા.૧૧/૦૬/૨૦૨૩ના રોજ સવારે પોતાની મોટરસાયકલ (નં. જીજે ૨૬ આર ૫૩૭૫) ઉપર બેસાડી પોતાની સાસુ જેશુબેન સેગાભાઇ પાડવી (ઉ.વ.૭૦) (રહે.ચીરમટી, તા. કુકરમુંડા) ને તેઓને ઘરે મુકવા માણેકપુર થી ચીરમટી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે હાથનુર ગામના બ્રિજ પાસે સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવતી ટ્રક નં. એમપી ૦૯ એચએચ ૦૮૮૯ના ચાલકે આ ડબલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ ઘટના સ્થળે જ ફંગોળાઇ ગયા હતાં. જેમા ટ્રક આધેડ મહિલા ઉપરથી ફરી વળી હતી. અકસ્માત કરનાર ટ્રક ચાલકને લોકો મેથીપાક ચખાડે તે પહેલાં ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
કામરેજ કેનાલ રોડ પર પાણીની મોટરમાં વીજકરંટ લાગતાં યુવકનું મોત
કામરેજ: કામરેજ ગામ પાસે મકાનમાં પાણી છાંટવા માટે પાઈપ ટૂંકો પડતા મોટર ખસેડવા જતાં કરંટ લાગતાં યુવાનનું મોત નીપજયુ હતું. મુળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ કામરેજ તાલુકાના કામરેજ ગામની હદમાં આવેલા કેનાલ રોડ પર આવેલી રિધ્ધિ સિધ્ધિ રેસીડન્સીમાં ઘર નંબર 303માં રહેતા અશ્વિન વલ્લભભાઈ ડાંગરીયા(ઉ.વ.43) પોતાના ઘરની ઉપર રૂમ બનાવતા હતાં. રવિવારના રોજ બપોરે 12.15 કલાકે મોટર દ્વારા પાણીનો છંટકાવ કરતાં પાણીનો પાઈપ ટૂંકો પડતા મોટરની જગ્યા બદલવા જતાં મોટરમાં વીજકરંટ લાગતા સારવાર માટે કામરેજ ચાર રસ્તાની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી કામરેજ પોલીસને જાણ કરતા અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.