ભારતીય રેલવેની પેસેંજર એમેનિટિઝ કમિટી (PAC કમિટી)ના નેશનલ લેવલે નિમણૂક કરાયેલા પાંચ સદસ્યો દ્વારા તા.2, 3, 4 સપ્ટેમ્બર-2021ના દિવસોએ તાપ્તી સેક્શન અંતર્ગત સુરત, ઉધના, બારડોલી, વ્યારા, નવાપુર, નંદુરબાર, દોડાઈચા, અમળનેર, ધરણગાવ રેલવે સ્ટેશનો ઉપર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શુક્રવારે વ્યારા રેલવે સ્ટેશન પર યાત્રીઓની સુરક્ષા અને સુવિધાની સાથે સાથે પ્લેટફોર્મ અને ટ્રેન સ્ટોપેજને લગતી સમસ્યા અને સુઝાવ લેવામાં આવ્યા હતા. જે પ્રસંગે કમિટીના સભ્યોમાં છોટુભાઇ પાટીલ (સુરત), ડો.રાજેન્દ્ર ફડકે (જલગાંવ), કૈલાસ વર્મા (મુંબઈ), એડ્વોકેટ વિભા અવસ્થિ (રાયપુર) સાથે રેલવે સલાહકાર સમિતિના સભ્યો, વિવિધ આગેવાનો, રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યારા રેલવેની પુર્વ દિશામાં વ્યારા શહેરને બે ભાગોમાં વિભાજિત કરતા સિંગી વિસ્તારને જોડવા ભૂગર્ભ અંડરપાસ બનાવવા તેમજ સ્થાનિકોને રેલવેના કર્મચારીઓ દ્વારા બિનજરૂરી કરાતી કનડગત અંગે વોર્ડ નં.1ના કોર્પોરેટર મહેશ ગામીત દ્વારા વ્યારા સ્ટેશનની મુલાકાતે પધારેલા બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના રાષ્ટ્રીય સંયોજક તેમજ પશ્ચિમ રેલવેમાં પેસેન્જર સવલતો સમિતિના ડો.રાજેન્દ્ર ફડકે, છોટુભાઈ પાટીલને રજૂઆત કરવામાં આવી હતી.
જ્યારે ઉત્તર ભારતીય સમાજના મહામંત્રી પીંટુ દુબેએ યુ.પી. તરફ જતી સુપરફાસ્ટ ટ્રેનનો સ્ટોપેજ સુરત અને નંદુરબાર વચ્ચે આપવાની સાથે પ્લેટ ફાર્મ-2ની સુવિધા વધારવાની માંગ કરી હતી. જ્યારે મહારાષ્ટ્ર–રાજસ્થાન સમાજના લોકોએ પણ પોતાનાં વતન માટે આવવા-જવા વિશેષ સુવિધાલક્ષી ટ્રેનની માંગ કરી હતી. વ્યારામાં વર્ષોથી અધૂરો પડેલો રેલવેનો તાડકૂવાનો કાળીદાસ હોસ્પિટલને જોડતો બ્રિજ બનાવવાની માંગ થઈ હતી. આ પ્રસંગે રેલ્વે દ્વારા દારૂની થતી હેરાફેરી અટકાવવાની પણ રજૂઆત કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પેસેન્જર એમેનિટીઝ કમિટીએ ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળની એક વૈધાનિક
સંસ્થાની સંસ્થા છે. જેને ભારતમાં રેલવે પરિવહનની સરળતા માટે મુસાફરોની ફરિયાદોનું કામ સોંપવામાં આવ્યું છે. પીએસીએ ભારતમાં રેલવેની સુગમ કામગીરી માટે શાસ્ત્રીય સંગઠનાત્મક નેટવર્કમાંનું એક માનવામાં આવે છે.