વ્યારાનું કેળકુઈ ગામમાં 4000 હજાર લોકોની વસ્તી છે, છતાં વિકાસથી વંચિત રહી જતાં 1200 જેટલા યુવાઓનાં નવા સંગઠને વિકાસ માટે જાતે બીડું ઝડપવું પડ્યું છે. કેળકુઈમાં સ્થાનિકોને હજુ પણ કેટલીક પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. આ યુવા સંગઠને ગામમાં સમસ્યા બાબતે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરી છતાં હજુ સુધી કોઇ નિવેડો આવ્યો નથી.
તેઓએ જણાવ્યું છે કે નાળામાં પાણી ભરાઇ જતાં આકસ્મિક મૃત્યુ સમય અગ્નિદાહ માટે પણ સ્મશાન સુધી પહોંચી શકતા નથી. જેથી સમસ્યા ઉકેલાય નહીં તો, આવનાર સમયમાં ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. કેળકુઈ ગામે નદી ફળિયાથી પારસી ફળિયા તરફ જતા રસ્તા પર કોતરમાં સાંકડું નાળુ બનાવ્યું છે. જે નાળાની એક બાજુએ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દૂધડેરી, પંચાયત ઓફિસ, સ્મશાનભૂમિ તદઉપરાંત પારસી ફળિયું, અવિનાશ ફળિયું, ઝાપી ફળિયું, મુક્તિ ફળિયું, ગોડાઉન ફળિયું, દાદરી ફળિયું તેમજ આજુબાજુના ગામો સાથે સંપર્ક કરવા માટે નાળા ઉપર થઈને જ પસાર થવું પડે છે. બીજી બાજુએ નદી ફળિયું, ડુંગરી ફળિયું, સુથાર ફળિયું, આમલી ફળિયું, મોરુ ફળિયું, મોવડી ફળિયું તેમજ આજુબાજુના ગામો સાથે સંપર્ક કરવા માટે નાળા ઉપર થઈને પસાર થવું પડે છે.
જર્જરિત નાળા પરથી સળિયા દેખાતા થઈ ગયા
આ નાળુ હાલ ખુબ જ નીચાણમાં તેમજ વર્ષો જુનું હોવાથી સળિયા પણ નીકળી ગયા છે. હાલમાં ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ઉપરથી વહેવા લાગે છે. ગામો સાથે સંપર્ક તુટતા કોઈ પણ અગત્યના કામો થતા નથી. જેથી આર્થિક નુકસાન ભોગવવું પડે છે. કોઈ ઈમરજન્સી મેડીકલ સારવાર લેવી પણ શક્ય બનતી નથી. જેથી કેટલીક વખત તો ગંભીર દર્દીઓને જીવ પણ ગુમાવવો પડે છે. નાળા ઉપર પાણી હોવા છતાં પશુપાલકોને જીવ જોખમમાં મૂકીને દૂધ ભરવા માટે જવું પડે છે. આ માટેનું ગ્રામજનો પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હોવાનું આ યુવા સંગઠને જણાવ્યું છે.
નાળા ઉપરનો રસ્તો બનાવવા માટે ઠરાવ કરાયો છે, હવે રસ્તો બને તો સારું: તલાટી
વ્યારા: વેડછી ગામ, આહીર ફળિયા થઈને હાઈસ્કૂલ તરફ જતો રસ્તો જે દાદરિયા સુગર પર નીકળે છે. આ રસ્તો મોટો હોવાને લીધે વધારે ખર્ચ થાય તેમ છે. વધુ રકમ ફાળવી શકાય તેમ નથી. જે નાણાંપંચના બજેટ આવે છે એ પાણી અને સ્વચ્છતાના કામો અને બીજા નાના ફળિયામાં લગતા રસ્તાઓ બનાવી દેવામાં આવે છે. લોકોને સારી સુવિધા મળે માટે અમે અગાઉ ઉપર લેખિતમાં રજૂઆત કરી છે. ચોમાસામાં નાળા ઉપરનાં રસ્તે પાણી ભરાઇ જાય છે. આ રસ્તો બને તે માટે ઠરાવ કરવામાં આવ્યો છે. બની જાય તો લોકો માટે સારુ છે, એમ કેળકુઈ ગામના તલાટી ચૌધરી સ્મિતાબેને જણાવ્યું હતું.