Editorial

આજે મતદાન: મતદાર પોતાની મતની તાકાત સમજે તે જરૂરી

ભારતમાં જેવી લોકશાહી છે તેવી વિશ્વમાં ક્યાંય નથી. નિષ્પક્ષ ચૂંટણી એ આ લોકશાહી માટેનું મહત્વનું પાસું છે. રાજ્ય અને દેશમાં આકસ્મિક સંજોગો સિવાય દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે. આમ તો જ્યારથી 1950માં દેશ પ્રજાસત્તાક થયો ત્યારથી ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સને 1060માં ગુજરાતની રચના થયા બાદ પ્રથમ ચૂંટણી 1962માં કરવામાં આવી હતી. ત્યારથી શરૂ કરીને ગુજરાતમાં હાલમાં 2022માં ચૂંટણી થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની બેઠકોમાં આટલા વર્ષોમાં ખાસ વધઘટ થઈ નથી પરંતુ એટલું ચોક્કસ થયું છે કે જે ચૂંટણી એક જ તબક્કામાં પતી જતી હતી તે ચૂંટણી હવે બે તબક્કામાં કરવી પડી રહી છે. પહેલી ચૂંટણીથી શરૂ કરીને હાલની ચૂંટણીને 60 વર્ષનો સમયગાળો વિતી ગયો છે અને તેમાં વસતીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તંત્ર માટે એક જ તબક્કામાં ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે મતદાન કરાવવું અઘરૂં છે અને તેને કારણે જ હવે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ
થાય છે.

આ વખતે 2022માં ગુજરાતમાં પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આજે એટલે કે તા.1લી ડિસે., 2022ના રોજ પ્રથમ તબક્કા માટે મતદાન કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 89 બેઠક પર મતદાન થશે. સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ વખતની ચૂંટણી 19 જિલ્લાઓમાં થશે અને તેમાં 2.39 કરોડ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. આ તમામ બેઠકો માટે તંત્ર દ્વારા 25 હજારથી પણ વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારનું આશરે 70થી 80 ટકા જેટલું તંત્ર મતદાન માટે રોકાઈ ગયું છે. આ તમામ બેઠકો પર એક બેઠકને બાદ કરતા અન્ય 88 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. જોકે, મોટાભાગની બેઠકો પર લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની જ રહેશે. સાંજે 5 વાગ્યા સુધીમાં જે મતદાર મતદાન મથકની અંદર આવી ગયો હશે તે જ મતદારને મતદાન કરવા દેવામાં આવશે.

જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે મતદારની હાલત કફોડી થઈ જાય છે. ખરેખર મતદાર રાજા છે પરંતુ રાજકારણીઓએ મતદારને રંક બનાવી દીધો છે. એક-એક મતની એટલી તાકાત છે કે જે તે રાજ્ય કે દેશની સિકલ બદલી શકે છે. મતદારે આ સમજી લેવાની જરૂરીયાત છે. પ્રત્યેક રાજકારણીએ દર પાંચ વર્ષે મતદાર પાસે આવવું જ પડશે. આ માટે મતદાર તેને ઈચ્છે તેવી રીતે નચાવી શકે તેમ છે પરંતુ આજનો મતદાર નાણાં, વચનો કે પછી અન્ય લાલચોથી ભોળવાઈ જાય છે અને તેને કારણે મતદાર પોતાની તાકાત ખોઈ બેઠો છે. મતદાર પોતાના મતથી પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય નિશ્ચિત કરી શકે છે. આ વાત મતદારે સમજી લેવાની જરૂરીયાત છે. રાજકીય પક્ષ કોઈપણ હોય, જે પક્ષ કે ઉમેદવાર દ્વારા મતદારોના લાભ માટે નિર્ણયો લેવામાં આવે તેને જ મત આપવો જોઈએ. પક્ષાપક્ષીથી પર રહીને મતદાન કરવું જોઈએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠક માટે આજે મતદાન છે. મતદારે મતદાન કરતાં પહેલા પોતાના ઉમેદવારને ઓળખીને, તેની કાર્યપદ્ધતિ સમજીને મતદાન કરવાનું રહેશે. જે દિવસે મતદાર પોતાના મતની તાકાત સમજી જશે તે દિવસથી તેનો સુવર્ણકાળ શરૂ થઈ જશે તે નક્કી છે.

Most Popular

To Top