સુરત(Surat): ગુજરાત (Gujarat) રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Assembly Election) ભણકારા વાગી રહ્યાં છે. ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા અત્યારથી જ ચૂંટણી સંબંધિત કામગીરીઓ આરંભી દેવાઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ નાગરિક મતદાનના (Voting) અધિકારથી વંચિત નહીં રહી જાય તે માટે સુરત શહેરમાં મતદાર નોંધણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ઈલેક્શન પહેલાં મતદાર યાદીમાં નામ નોંધાવવું હોય કે મતદાર યાદીમાં સુધારો કરાવવા માંગતા હોય તેવા નાગરિકો માટે ભારત ચૂંટણી પંચ દ્વારા સુરતમાં તા. 12-08-2022થી તા. 11-9-2022 ના સમયગાળામાં વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. આ સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમૂનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવા સાથે રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસર સમક્ષ અરજી કરી શકાશે.
આ ઉપરાંત ઓનલાઈન અરજી માટે www.voteportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા voter Helpline મોબાઈલ એપની મદદથી પણ અરજી કરી શકાશે. આ ઉપરાંત તંત્ર દ્વારા હેલ્પલાઈન નં. 1950 પણ જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન નંબર પર ફોન કરી વધુ જાણકારી મેળવી શકાશે. નોંધનીય છે કે જે નાગરિકની તા. 1-10-2022ના રોજ ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તે જ અરજી કરી શકશે.
સુરતમાં 21 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન દર રવિવારે વિશેષ કેમ્પ
સુરતમાં તા. 21-8-2022, તા. 28-08-2022, તા. 4-9-2022 અને તા. 11-9-2022 એમ ચાર રવિવારે મતદાર નોંધણીના વિશેષ કેમ્પનું આયોજન કરાશે. સવારે 10 કલાકથી સાંજે 5 કલાક દરમિયાન બુથ લેવલ ઓફિસર (BLO) તમામ મતદાન મથકો ઉપર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ કરી શકશે.
આ ફોર્મ ભરવાના રહેશે
- જે નાગરિકો તા. 1-10-2022ના રોજ કે તે પહેલાં 19 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માંગતા હોય તો ફોર્મ નં. 6 ભરવું.
- મતદાર ઓળખકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા ફોર્મ નં. 6 (ખ) ભરવું.
- મૃત્યુ-સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7 ભરવું.
- ઓળખકાર્ડમાં નામ, અટક, જન્મતારીખ, ફોટો સુધારવા, સ્થળાંતર માટે ફોર્મ 8 ભરવું.