બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન ઝારખંડ સશસ્ત્ર પોલીસ (JAP) ના જવાન શંભુ સિંહ (40 વર્ષ) ગુરુવારે શેખપુરામાં તેજસ્વીની ગાડી નીચે આવી ગયા હતા. તેમના જમણા પગનું હાડકું ત્રણ જગ્યાએથી તૂટી ગયું હતુ. તેમને ગંભીર હાલતમાં પટના રિફર કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે શંભુ સુરક્ષા કવચમાં ચાલી રહ્યા હતા ત્યારે કાફલો શેખપુરા શહેરના ખંડ વિસ્તારમાં પહોંચ્યો. ભારે ગરમીને કારણે તેઓ અચાનક પડી ગયા. તે જ સમયે તેજસ્વીની ગાડી જવાનના પગ ઉપરથી પસાર થઈ ગઈ હતી. આજે મતદાર અધિકાર યાત્રાનો 5મો દિવસ છે. તે શેખપુરાના ત્રિમુહાની ખાતે દુર્ગા મંદિરથી શરૂ થઈ હતી. બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે.
બે દિવસ પહેલા નવાદામાં ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની થાર કારે એક પોલીસકર્મીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બોડીગાર્ડ મહેશ કુમારનો પગ ફ્રેક્ચર થયો હતો. આ કેસમાં શહેરમાં ડ્રાઇવર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
રાહુલ ગાંધીના વાહનના ડ્રાઇવર સામે કેસ નોંધાયો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બિહારના ઘણા જિલ્લાઓમાં મતદાર અધિકાર યાત્રા કાઢી રહ્યા છે. જોકે રાજ્યના નવાદા જિલ્લામાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના વાહને ટક્કર મારતાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. ભાજપે આ ઘટના અંગે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. હવે પોલીસે આ ઘટના અંગે રાહુલ ગાંધીના વાહનના ડ્રાઇવર સામે કેસ નોંધ્યો છે. પોલીસે ગુરુવારે માહિતી આપી હતી કે હા, ડ્રાઇવર સામે કેસ નોંધવામાં આવ્યો છે. વિગતવાર માહિતી પછી આપવામાં આવશે.