National

મતદાર યાદી સ્થિર ન રહી શકે, સુધારવી જ પડે: સુપ્રીમ

નવી દિલ્હી, તા. 13 (PTI): મતદાર યાદીઓ સ્થિર રહી શકતી નથી અને તેમાં સુધારો થવો જ જોઈએ, એમ અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે બિહારના મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) માટે ઓળખના સ્વીકાર્ય દસ્તાવેજોની યાદી સાતથી વધારીને 11 કરવામાં આવી છે, આ કવાયત ‘મતદાર-મૈત્રીપૂર્ણ અને રદ કરવા જેવી નથી.’ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલા એસઆઈઆર પરનો વિવાદ વધતાં, જસ્ટિસ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચ (ઈસી) પાસે આવી કવાયત કરવાની સત્તા છે. બેન્ચે અરજદારની રજૂઆત સાથે પણ અસંમતિ વ્યક્ત કરી હતી કે ચૂંટણી થવાની છે તે બિહારમાં મતદાર યાદીઓના એસઆઈઆરનો કાયદામાં કોઈ આધાર નથી અને તેને રદ કરવો જોઈએ.

જસ્ટિસ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચને એનજીઓ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ કવાયતને સમગ્ર ભારતમાં હાથ ધરવા દેવી જોઈએ નહીં. એનજીઓ ઉપરાંત, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોના નેતાઓએ બિહારમાં ભારતીય ચૂંટણી પંચના (ીસીઆઈ) મતદાર યાદી સુધારણા અભિયાનને પડકાર ફેંક્યો છે.

એનજીઓ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે કહ્યું હતું કે એસઆઈઆર પર ઈસીઆઈના નોટિફિકેશનને કાયદાકીય આધાર નથી એટલે તેને રદ કરવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે તેને ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં.
ઈસીઆઈ શરૂઆતથી ક્યારેય આવી કવાયત કરી શકે નહીં અને તે ઇતિહાસમાં પહેલીવાર કરવામાં આવી રહી છે અને જો થવા દેવામાં આવશે તો તે ક્યાં સમાપ્ત થશે તે ફક્ત ભગવાન જાણે છે, એમ તેમણે ઉમેર્યું.

‘તે તર્કને જોતા ખાસ સઘન સુધારણા ક્યારેય કરી શકાય નહીં. એક વખતની કવાયત જે કરવામાં આવે છે તે ફક્ત મૂળ મતદાર યાદી માટે છે. અમારા મતે, મતદાર યાદી ક્યારેય સ્થિર હોઈ શકતી નથી’, એમ બેન્ચે નોંધ્યું. આ મામલાની સુનાવણી ગુરુવારે પણ ચાલુ રહેશે.

Most Popular

To Top