સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પીએચડીની (Ph.d) પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં લાયબ્રેરી સાયન્સ, મેનેજમેન્ટ, લો સહિતના અનેક વિષયોની આરએસી કમિટીએ વિદ્યાર્થીઓને (Student) 85થી 90% માર્કસ આપી ગંભીર ગે૨રીતિ આચરી હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, આરએસી કમિટીના સભ્યોના પ્રેઝન્ટેશનમાં સહી વિના જ માર્ક્સ મૂક્યાનો આક્ષેપ પણ થયો છે. આમ, આવા આક્ષેપને જોતા સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ ઉંડાણપુર્વક તપાસ કરવાની માંગ કુલપતિને આવેદન પત્ર આપીને કરી છે.
સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ પીએચડીના એડમિશન માટે ગત 8 માર્ચ, 2022ના રોજ કયા વિષયોમાં કેટલી બેઠકો કઈ કેટેગરીની છે? એવી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આમ, યુજીસીના નિયમોનું ઉંલ્લઘન કરી એડમિશન માટેની જાહેરાત આપવામાં આવી છે. એટલું જ નહીં, પીએચડીમાં એડમિશન લેનાર અનેક વિદ્યાર્થીઓ પાસેથી એક હજાર રૂપિયાની એડમિશન ફી લઈને એન્ટ્રન્સ ટેસ્ટ પણ લેવાઈ હતી. જે પછી પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આમ, આવી ગંભીર બેદરકારી આવતા જ યુનિવર્સિટીએ કમિટી બનાવીને તેમાં સુધારો કર્યો હતો.
એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થનારા વિદ્યાર્થીઓને ત્યાર બાદ જુદા જુદા વિષયોની આરએસી એટલે કે રિસર્ચ એડવાઇઝર કમિટી સમક્ષ પ્રેઝેન્ટેશન માટે બોલાવાયા હતાં. જે તમામ વિષયની આરએસીએ કુલ ૧૦૦ માંથી ૩૦% પ્રમાણે માર્કસ મુકવાના હોય છે, જયારે બાકીના ૭૦% માર્કસ વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ એક્ઝામના આધારે મુકવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા અગાઉ ૭૦% પ્રમાણે એન્ટ્રસ એકઝામના માર્કસ મૂકી દેવામાં આવેલા હતા. પરંતુ જયારે આરએસી દ્વારા ૩૦% પ્રમાણે માર્કસ મુકેલા હતા તેની આખરી મેરિટ યાદી ગત 20 ડિસેમ્બર, 2022ના રોજ યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવી હતી. જેમાં મેનેજમેન્ટ, લાઈબ્રેરી સાયન્સ અને લો વિષયમાં ખુબ જ મોટા પ્રમાણમાં આરએસીના ૩૦% માર્કસમાં ગેરરીતિ આચરવામાં આવેલ હોય તેવું વિદ્યાર્થીઓને સ્પષ્ટ દેખાતા યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક આ મેરિટ યાદી વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં અનેક વિદ્યાર્થીઓ પાસે આ મેરિટ યાદી પહોંચી ગઈ હતી અને યુનિવર્સિટીના પરીપત્રના આધારે ગત 26 ડિસેમ્બર, 2022 સુધીમાં અનેક વિદ્યાર્થીઓએ આ મેરિટ યાદીમાં ગેરરીતિ અંગે લેખિત ફરીયાદ યુનિવર્સિટીને કરી હતી.
યુનિવર્સિટીની પીએચડીની પ્રવેશ પ્રક્રિયાની મેરિટ યાદીમાં જે વિદ્યાર્થીઓએ એન્ટ્રસ એકઝામ ખુબ જ સારા માર્કસ મેળવ્યા હોય છે તેમને આરએસીની કમિટી દ્વારા ખુબ જ ઓછા માર્કસ આપીને અન્યાય કરેલ છે અને જે વિદ્યાર્થીના માર્કસ એન્ટ્રસ એકઝામમાં ઓછા હોય અને મેરિટમાં આવી શકે તેમ ન હોય તેઓના પીએચડી કમિટી દ્વારા ૩૦માંથી 25, 26 અને 27 સુધી એટલે કે 85થી 90% માર્કસ આપી ગંભીર ગે૨રીતિ આચ૨વામાં આવેલ છે. આ ઉપરાંત આરએસી કમિટીના ઘણા સભ્યો પાસેથી પ્રેઝન્ટેશનમાં માર્કસ મુકયા વગર સહી પણ લઈ લેવામાં આવે છે અને માર્કસ તેમની જાણ બહાર મુકી દેવામાં આવે છે. જેથી લાયબ્રેરી સાયન્સ, મેનેજમેન્ટ, લો અને અન્ય વિષયમાં આરએસી કમિટી દ્વારા પીએચડીના વિદ્યાર્થીઓના પ્રેજેન્ટેન્શનના માર્કમાં ગેરરિતી આચરી હોવાની ફરિયાદ યુનિવર્સિટીને અનેક વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવેલ હોય તેની ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કુલપતિને કરવામાં આવી હતી.