SURAT

સ્ટેટ રેટિંગમાં VNSGU અને નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીને 5માંથી 4 સ્ટાર મળ્યા

સુરત : ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટયૂશન રેટિંગ ફ્રેમવર્કે વર્ષ 2022 માટેના રેકિંગની જાહેરાત કરી છે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફાઇવમાંથી ફોર સ્ટાર (Four Star) લાવી છે. જો કે. ફાઇવ સ્ટારમાં નહીં આવવા પાછળ પ્રાથમિક તારણોમાં સૌ પહેલી વાત પ્રોફેસર, રિસર્ચ અને ઇનોવેશનનો અભાવ હોવાનું જણાયું છે. ઉપરાંત ફોર સ્ટારમાં નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી પણ આવી છે. જ્યારે પી. પી. સવાણી યુનિવર્સિટી અને ઉકા તરસાડીયા યુનિવર્સિટી થ્રી સ્ટાર તથા ભગવાન મહાવીર યુનિવર્સિટી ટુ સ્ટાર લાવી છે.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યની એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટને નેશનલ રેકિંગમાં સ્થાન મળતું ન હતું અને મળતું તે પણ ગણીગાંઠી એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટને જ મળતું હતું. આમ, આવી સ્થિતિ વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ રેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં છે. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા દરેક સંસ્થાઓને રેકિંગ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. ચાલુ શૈક્ષણિક વર્ષે પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટની ચકાસણી બાદ રેટિંગની જાહેરાત કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા અને કુલસચિવ ડો. રમેશદાન ગઢવીએ શૈક્ષણિક તથા વિકાસલક્ષી કાર્યપદ્ધતિને રેટિંગમાં ફોર્થ સ્ટાર મેળવવામાં સહયોગી થનારા સત્તામંડળના સદસ્યોની સાથે યુનિવર્સિટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પી. ટી. સાયન્સને ફાઇવ તો એસ. પી. બી., કે. પી. અને એમ. ટી. બી. કોલેજને ટુ સ્ટાર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પી. ટી. સાયન્સ કોલેજને ફાઇવ સ્ટાર મળ્યાં છે. જ્યારે એસ. પી. બી. અને કે. પી. કોમર્સ કોલેજને થ્રી સ્ટાર મળ્યા છે. ઉપરાંત બી.કે.એમ. સાયન્સ કોલેજ, શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યૂટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ, વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સને ફોર્થ સ્ટાર મળ્યા હતા. જ્યારે બી.પી. બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, બી.આર.સી.એમ. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજ, શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ, એમ.આર. દેસાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શ્રી પંકજ કાપડિયા સાર્વજનિક કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટ્સ, શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શ્રી કે. પી. કોમર્સ કોલેજ, શ્રીમતી આર. પી. ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારાની, એસ. પી. બી કોલેજ અને એમટીબી કોલેજને ટુ સ્ટાર મળ્યા છે.

એન્જિનિયરિંગમાં સ્કેટને અને મેડિકલમાં નવી સિવિલ મેડિકલ કોલેજ ફોર સ્ટાર મળ્યા
એન્જિનિયરિંગમાં સ્કેટ કોલેજને ફોર સ્ટાર મળ્યા છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની શ્રોફ એસ. આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલને ફોર સ્ટાર મળ્યા છે. જ્યારે વલસાડ અને ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજને થ્રી સ્ટાર મળ્યા છે. એ જ રીતે મેડિકલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની ગર્વમેન્ડ મેડિકલ કોલેજને ફોર સ્ટાર મળ્યા છે. ઉપરાંત લો ની વાત કરીયે તો સાર્વજનિક લો કોલેજ અને વી. ટી. ચોક્સી લો કોલેજ ટુ સ્ટાર લાવી છે.

Most Popular

To Top