સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) કોલેજોમાં સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી (Election of Student Council) નહીં યોજાશે તો એનએસયુઆઇ (NSUI) એટલે કે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવીને ઉપવાસ આંદોલન કરશે. યુનિવર્સિટીમાં શુક્રવારે એનએસયુઆઇએ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, કુલપતિ અને કુલસચિવને આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે વર્ષ-2019માં યુનિવર્સિટીની કોલેજોમાં સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી યોજાવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી યોજાય જ નથી. વર્ષ 2020 અને 2021 એમ 2 વર્ષના સમયગાળામાં સેનેટ સભ્યની ચૂંટણી યોજાય શકે છે તો સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી કેમ યોજાય શક્તી નથી.
યુનિવર્સિટી તરફથી આગામી 48 કલાકમાં માંગણી નહીં પૂર્ણ કરવામાં આવશે
કોલેજોના વિદ્યાર્થીઓને ચૂંટણીથી કેમ વંચિત રાખવામાં આવી રહ્યા છે? યુનિવર્સિટી દર વર્ષે વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ ફી અને વિદ્યાર્થી સંઘ ફી એ બે ફી લેતી હોય છે. જેથી તે ફી વિદ્યાર્થીના મનોરંજન સાથે વિવિધ પ્રવૃત્તિમાં વપરાવી જોઇએ. જોકે, અમારી માંગણી એવી છે કે આવતા જાન્યુઆરી મહિનામાં સુરત શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવે. યુનિવર્સિટી તરફથી આગામી 48 કલાકમાં માંગણી નહીં પૂર્ણ કરવામાં આવશે તો પછી એનએસયુઆઇના કાર્યકર્તા વિદ્યાર્થીઓ ગાંધી ચીંધ્યા માર્ગા પર ઉપવાસ આંદોલન કરશે.
કુલપતિ એક કિસ્સામાં મહત્તમ પાંચ લાખનો જ ખર્ચ કરી શકશે
નર્મદ યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા ઓર્ડિનેન્સ-36માં સુધારો કરવામાં આવ્યો છે, હવે કુલપતિને મહત્તમ એક કિસ્સામાં 5 લાખ રૂપિયા સુધીનો જ ખર્ચ કરી શકશે. યુનિવર્સિટીની તિજોરીનું તળિયું સાફ થઈ ગયું છે, બીજી તરફ આવકના સ્ત્રોત મર્યાદીત છે. થોડા સમય પહેલા કુલપતિની આર્થિક ખર્ચની તમામ સત્તા છીનવી લેવાનો ઠરાવ કરાયો હતો. પરંતુ આંચાર સંહિતાને કારણે મુલત્વી રખાયો હતો.
કુલપતિને આર્થિક ખર્ચ ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો
સિન્ડીકેટ સભ્યોએ ઓર્ડિનન્સ-36માં ફેરફાર કરીને કુલપતિને આર્થિક ખર્ચ ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો છે. કુલપતિને ખર્ચ કરવાની સત્તા મામલે ઓર્ડિનન્સ-36માં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે,ડિપાર્ટમેન્ટનાં અલગ-અલગ કાર્ય માટે મહત્તમ એક લાખ, અને વાર્ષિક 5 લાખનાં ખર્ચની મંજુરી, નવા ફર્નિચર, સાધન સમગ્રીની ખરીદી- વાર્ષિક મહત્તમ 12 લાખ, મરામત નિભાવ માટે મહત્તમ વાર્ષિક 40 લાખ, રમત-ગમતમાં પ્રવૃતિ દીઠ 2 લાખનો ખર્ચ મંજુર કરવાની સત્તા, સરકારી કાર્યક્રમમાં મહત્તમ 1 લાખનો ખર્ચ મંજુર કરવાની સત્તા આપવામાં આવી છે.