સુરત: સુરત (surat)ની વીર નર્મદ યુનિ. (vnsgu)ના કુલપતિ ડો.કે.એન.ચાવડા (vc chavda)ની વહીવટી પરિવર્તનની પદ્ધતિને લઇને દક્ષિણ ગુજરાતભરના આચાર્યો (principal) અને શિક્ષણવિદોમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. કુલપતિ તરીકે પદભાર સંભળાળ્યા બાદ ડો.કે.એન.ચાવડા હાથમાં જાદુઇ છડી આવી ગઇ હોય તે રીતે સતત બદલાવો કરી રહ્યાં છે. પરંતુ ડો.ચાવડાના આ પ્રયાસ સામે કેટલાંક શિક્ષણવિદોમાં ખચકાટ શરૂ થઈ ગયો છે.
યુનિ.ના અંતરંગ સાધનોના જણાવ્યાનુસાર યુનિ. વિસ્તારના છ જિલ્લાની ઘણી જૂની જાણીતી ગ્રાન્ટેડ આર્ટસ તેમજ કોમર્સ અને સાયન્સ કોલેજોમાં કુલપતિ સામે રોષ ધુંધવાઈ રહ્યો છે. ડો.ચાવડા એક મહિનામાં ઉપરાછાપરી મીટિંગ યોજે છે. એક વીકમાં એકડેમિક કાઉન્સિલ, તો બીજા વીકમાં સિન્ડિકેટ બેઠક. આ બેઠકનો દૌર પતે એટલે ફરી બીજા સપ્તાહમાં લાગલગાટ મીટિંગ અને એજન્ડાથી ભરચક દિવસો શરૂ થઇ જાય છે. જેને લઇને અનેક શિક્ષણવિદોને આકરૂં લાગી રહ્યું છે. થોડા-થોડા દિવસોના અંતરાલ બાદ મીટિંગમાં હાજરી આપવા શિક્ષણવિદોને બહારગામથી લાંબુ અંતર કાપી સુરત સુધી ઢસડાવું પડે છે. શિક્ષણવિદો માને છે કે એક મીટિંગ પૂરી થયા બાદ બીજી મીટિંગ માટે પૂરતો સમય આપવો જરૂરી છે. વળી મીટિંગના એજન્ડાનો પણ અભ્યાસ કરવા પૂરતો સમય મળતો નથી.
તેવી જ રીતે જોઇએ તો ઘણી બાબતો શેખચલ્લી જેવી લાગી રહી હોવાનું શિક્ષણવિદ્દો માની રહ્યી છે. દક્ષિણ ગુજરાતના આચાર્યોમાંથી કુલપતિ તરીકે મૂકાયેલા ડો.ચાવડા સામે તેમની જમાતના આચાર્યોમાં રોષ શરૂ થયો છે. કેમ કે ડો.ચાવડા યુનિ.ના વહીવટમાં ધરખમ ફેરફાર સાથે સપના સજાવી રહ્યાં છે. યુનિ.નો સમગ્ર કારભાર ઓનલાઇન તેમજ ડિજિટલાઇઝ્ડ કરી રહ્યાં છે. જેની સામે જૂની ઘરેડમાં કામ કરતા ટેવાયેલા શિક્ષણવિદ્દોને આ વ્યવસ્થા અજુગતી લાગી રહી છે. જેને લઇને કુલપતિ સામે ગણતરીના દિવસોમાં છૂપો રોષ બહાર આવવા લાગ્યો છે.
જો.કે કુલપતિ ડો.ચાવડા યુનિ.ને જૂની ખરડાયેલી છબીમાંથી બહાર લાવવા કોશિશ કરી રહ્યાં છે. પરંતુ તેમની નવી સિસ્ટમને કેટલો આવકાર મળશે તે તો સમય જ બતાવશે.