‘નેવાના પાણી મોભે ચઢાવવાનું કામ નહીં થવા દઈએ!’ પુષ્પા વાઘેલાની સત્તાપક્ષને લલકાર; ગોયાગેટમાં ગંદા પાણી મુદ્દે સુર્વેની રજૂઆત
વડોદરા મહાનગરપાલિકા ની સોમવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ સત્તાપક્ષ પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને વોર્ડ-1ના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ અતાપી વન્ડરલેન્ડની ગુમ થયેલી ફાઈલ, છાણી જકાતનાકા રોડ પરની ભૂખી કાંસના ‘રી-રૂટ’ ના કામ અને સ્થાયી સમિતિની ફાઈલ ન બતાવવા મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ ઉપરાંત વોર્ડ-13ના કોર્પોરેટર બાળુ સુર્વેએ ગંદા પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ સભામાં અતાપી વન્ડરલેન્ડની ગુમ થયેલી ફાઈલ નો મુદ્દો ઉઠાવ્યો હતો અને સત્તાપક્ષ પર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ફાઈલ જૂના કમિશનર દિલીપ રાણાના સમયમાં ગુમ થઈ હતી.
વાઘેલાએ સવાલ કર્યો કે પોલીસ ફરિયાદ બાદ પણ તેની શું સ્થિતિ છે અને આગળની કાર્યવાહી કેમ થઈ નથી?
તેમનું કહેવું છે કે, જ્યારે પણ કોઈ કામની ફાઈલ જે તે ટેબલ પર જાય તેનો તમામ રેકોર્ડ પાલિકા પાસે હોય છે. તેમ છતાં, અતાપી વન્ડરલેન્ડની ફાઈલ કયા ટેબલ પરથી અને કેમ ગાયબ થઈ તે હજુ સુધી પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો શોધી શક્યા નથી.
પુષ્પાબેન વાઘેલાએ છાણી જકાતનાકા રોડ પરની ભૂખી કાંસના ‘રી-રૂટ’ ના ચાલી રહેલા કામનો સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ હબ પર ભૂખી કાંસ પર ઇજાદારો દ્વારા સ્લેબ નાખી દેવામાં આવ્યો છે. હવે વિશ્વામિત્રીને ‘રી-રૂટ’ કરવા માટે ચાર ફૂટ પહોળી અને ત્રણ ફૂટ ઊંડી નહેર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જે સંપૂર્ણપણે અયોગ્ય છે.
તેમનું સ્પષ્ટ કહેવું હતું કે, જો આ કામ થશે તો ચોમાસા દરમિયાન અમારો વિસ્તાર પાણીમાં ડૂબી જશે અને ટેક્સ ભરતી જનતાને ભારે નુકસાન થશે.
તેમણે આ કામને “નેવાના પાણી મોભે ચઢાવવાનું કામ” ગણાવીને ચેતવણી આપી હતી કે તેઓ આ થવા દેશે નહીં.
સામાન્ય સભામાં સ્થાયી સમિતિના કામોની ફાઈલ જોવા ન મળતા પુષ્પાબેન વાઘેલાએ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે ખર્ચ મુદ્દે મંજૂરી અર્થે આવેલી ફાઈલ જોવા માટે તેઓ ગયા હતા, ત્યારે ચેરમેનના પીએ તેમને ચેરમેનના આદેશ મુજબ ફાઈલ જોવા દીધી નહોતી.
આ મુદ્દો સભાના ફ્લોર પર આવતા તેમણે જણાવ્યું કે ફાઈલ જોવાનો અધિકાર તમામ ચૂંટાયેલા સભાસદોનો છે.
આ મુદ્દે કોંગી કોર્પોરેટરો એકસૂરે રજૂઆત કરવા લાગ્યા હતા. જોકે, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ બાબતનું કાઉન્ટર કરતા સામસામે શાબ્દિક આરોપ-પ્રત્યારોપ પણ થયા હતા.
વૃક્ષારોપણ ખર્ચના બદલાતા ભાવોનો વિરોધ
પુષ્પા વાઘેલાએ સદભાવના વૃદ્ધાશ્રમ પ્રશ્ને વૃક્ષારોપણના ખર્ચના ભાવોમાં વારંવાર થયેલા ફેરફારનો પણ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે:
પ્રથમવાર એક વૃક્ષ દીઠ 3300 નક્કી થયા.
ત્યારબાદ 3000, પછી સ્ટેન્ડિંગ કમિટીમાં 2000 કરવામાં આવ્યા.
એક અઠવાડિયા પછી અચાનક ઘટાડીને 1500 કર્યા અને ફરીની સ્ટેન્ડિંગ કમિટીમાં જાતે જ નિર્ણય લઈને પાછા 2000 કરવામાં આવ્યા.
તેમણે આ નિર્ણય પ્રક્રિયાને સદંતર ખોટી ગણાવીને વિરોધ નોંધાવ્યો હતો.
ગોયાગેટ સહિતના વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા
વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ પણ સામાન્ય સભામાં મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે પાલિકાની પાસે જ આવેલા વિસ્તાર ગોયાગેટ સોસાયટી સહિતના અન્ય વિસ્તારોમાં 25 દિવસથી દૂષિત પાણીની ગંભીર સમસ્યા હોવાની રજૂઆત કરી હતી.
આ ઉપરાંત, તેમણે લાલબાગ ટાંકી સામે ચાલુ રહેલા PSP કન્સ્ટ્રક્શન લિમિટેડના પ્લાન્ટ ના બેફામ ચાલતા ડમ્પરોને કારણે રોડ પર લોકો માટે જોખમ ઊભું થયાનો પણ મુદ્દો રજૂ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું આ પ્લાન વગર પરમિશનને છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે તેમ છતાં પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવી નથી એનું શું કારણ છે એ સમજાતું નથી વારંવાર ફરિયાદ કરી છે વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં આ પ્લાન હજુ ચાલુ છે તે યોગ્ય નથી.